Uttar Pradesh: કોન્સ્ટેબલની ભરતીની પરીક્ષાનું પેપર લીક! પૂર્વ IPSએ CM યોગીને પત્ર લખી તપાસની માંગ કરી
લખનઉ: ઉત્તરપ્રદેશમાં હાલમાં યોજાયેલી પોલીસ ભરતી પરીક્ષા અંગે મોટો દાવો કરવામાં આવ્યો છે. પૂર્વ IPS અને આઝાદ અધિકાર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતાભ ઠાકુરે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને પત્ર મોકલીને ઉત્તર પ્રદેશ કોન્સ્ટેબલ ભરતી પરીક્ષા પેપર લીકના આરોપો નિષ્પક્ષ અને પારદર્શક તપાસની માંગ કરી છે. તેમણે કહ્યું કે આ પરીક્ષાના પેપર લીક થવા અંગે સોશિયલ મીડિયા પર ખૂબ જ ગંભીર તથ્યો સતત સામે આવી રહ્યા છે.
અહેવાલો મુજબ તેમને ત્રણ ટેલિગ્રામ ચેનલોની લિંક્સ મળી. જેમાં 17મી ફેબ્રુઆરીના રોજ બપોરે 01.32 કલાકે 3 થી 5 દરમિયાન સામાન્ય અભ્યાસના પેપરના 38 પ્રશ્નોના ઉત્તર મોકલવામાં આવ્યા હતા.
અમિતાભ ઠાકુરે કહ્યું કે જ્યારે તેમણે આ જવાબોની સરખામણી બીજી શિફ્ટના કથિત પ્રશ્નપત્ર સાથે કરી, તેમાં નવી દિલ્હી, ગૃહ મંત્રાલય, ભારત રત્ન, 26 નવેમ્બર, દહી, મુનશી પ્રેમચંદ, મિશ્ર અર્થતંત્ર, જિલાકર, સર, મથુરા, તેલંગાણા, નીલીગીરી, નંદલાલ બોઝ, ચંદ્રગુપ્ત, નરેન્દ્ર મોદી, ફ્રાન્સ, ગ્રુપ ઓફ ટ્વેન્ટી, મહારાષ્ટ્ર, મિશન શક્તિ સહિતના પ્રશ્નપત્રના 19 પ્રશ્નોના જવાબો મળ્યા હતા.
આને ગંભીર બાબત ગણાવીને તેમણે માંગ કરી છે કે આ તથ્યોની ઉચ્ચ સ્તરીય અને પારદર્શક તપાસ થવી જોઈએ અને એફઆઈઆર નોંધવા અને પરીક્ષા રદ કરવા માટે વિચારણા થવી જોઈએ.