સ્પોર્ટસ

કોઈ ન કરી શક્યું એ યશસ્વીએ કરી દેખાડ્યું, અકરમના 28 વર્ષ જૂના વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી

રાજકોટમાં યુવા ઓપનરે છગ્ગા-ચોક્કાની જેમ વિક્રમોનો પણ વરસાદ વરસાવ્યો

રાજકોટ: રવિવારનો દિવસ રાજકોટવાસીઓ માટે યાદગાર બની ગયો. ઇંગ્લૅન્ડ સામે સિરીઝની ત્રીજી ટેસ્ટમાં અહીંની બૅટિંગ પિચ પર યશસ્વી જયસ્વાલે પીઠનું પેઇન ભૂલીને ધમાકેદાર ડબલ સેન્ચુરી ફટકારી હતી. સતત બીજી ટેસ્ટમાં તેણે ઐતિહાસિક ડબલ સેન્ચુરી ફટકારવાની સાથે ખાસ કરીને એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના વસીમ અકરમના 28 વર્ષ જૂના વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી હતી.

યશસ્વી શનિવારે ત્રીજા દિવસે બીજા દાવમાં પીઠની ઈજાને લીધે 104 રનના પોતાના સ્કોર પર રિટાયર હર્ટ થઈ ગયો હતો. જોકે રવિવારે તે પાછો બૅટિંગ કરવા આવ્યો હતો અને બીજા 110 રન પોતાની ઇનિંગ્સમાં જોડ્યા હતા. તે 236 બૉલમાં બનેલા 214 રને અણનમ રહ્યો હતો જેમાં કુલ 12 સિક્સર અને 14 ફોર સામેલ હતી. એક જ ટેસ્ટ-ઇનિંગ્સમાં 12 છગ્ગા ફટકારવાના વસીમ અકરમના 1996ની સાલના વિશ્ર્વવિક્રમની તેણે બરાબરી કરી લીધી હતી. 28 વર્ષ પહેલાં અકરમે શેખપુરામાં ઝિમ્બાબ્વે સામે બાર સિક્સર અને બાવીસ ફોરની મદદથી અણનમ 257 રન બનાવ્યા હતા. એક દાવમાં 11 સિક્સર ફટકારવાની બીજા નંબરની સિદ્ધિ નૅથન ઍસ્ટલ, મૅથ્યૂ હેડન, બ્રેન્ડન મૅક્લમ (બે વખત), બેન સ્ટૉક્સ અને કુસાલ મેન્ડિસના નામે છે.

ભારતે ચોથા દિવસે બીજો દાવ 430/4ના સ્કોર પર સમાપ્ત જાહેર કરી દીધો હતો અને 126 રનની લીડ ઉમેરીને ઇંગ્લૅન્ડને જીતવા 557 રનનો અસંભવ લક્ષ્યાંક આપ્યો હતો. ટેસ્ટ ક્રિકેટના 147 વર્ષના ઇતિહાસમાં કોઈ ટીમે ચોથી ઇનિંગ્સમાં લક્ષ્યાંકને સફળતાથી ચેઝ કર્યો હોય એમાં વેસ્ટ ઇન્ડિઝનો 418 રનનો વિશ્ર્વવિક્રમ છે. એણે 2003માં ઑસ્ટ્રેલિયા સામે 418 રનનો ટાર્ગેટ સાત વિકેટના ભોગે મેળવી લીધો હતો.

બાવીસ વર્ષના યશસ્વી માટે સુપરસન્ડે બીજી ઘણી રીતે સાબિત થયો હતો. તેણે અન્ય આ મુજબના રેકૉર્ડ પણ નોંધાવ્યા:

(1) એક ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ 20 સિક્સર.
(2) 23 વર્ષની ઉંમર પહેલાં ટેસ્ટમાં સૌથી વધુ વખત 150-પ્લસ રન બનાવનાર પ્રથમ ભારતીય પ્લેયર.
(3) ઉપરાઉપરી ટેસ્ટમાં ડબલ સેન્ચુરી ફટકારનાર વિનોદ કાંબળી અને વિરાટ કોહલી પછીનો ત્રીજો ભારતીય.
(4) એક ટેસ્ટ-શ્રેણીમાં 500 રન બનાવનાર બીજા નંબરનો સૌથી યુવા બૅટર.
(5) એક ટેસ્ટમાં 200 રન બનાવનાર બીજા નંબરનો સૌથી ઝડપી ભારતીય બૅટર.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button