Kamalnath: ‘જય શ્રી રામ’ ની પોસ્ટથી કમલનાથ અને નકુલનાથની ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું
નવી દિલ્હી: રાજકીય વર્તુળોમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ અને તેમના દીકરા સાંસદ સભ્ય નકુલનાથની ભાજપમાં જોડવા અંગે અટકળો ચાલી રહી છે. કમલનાથ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી અને સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓની એક્ટીવીટીને કારણે આ ચર્ચાએ વધુ જોર પકડ્યું છે.
પત્રકારોએ કમલનાથને ભાજપમાં જોડાવા અંગેના પ્રશ્નો પૂછ્યા, ત્યારે તેમણે આ અટળકોથી ઇનકાર કર્યો ન હતો. મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કમલનાથે કહ્યુ કે, “હું ના નથી પાડી રહ્યો, તમે લોકો વધુ પડતા ઉત્સાહિત થઈ રહ્યા છો. જો આવું કંઈક થશે, તો હું તમને બધા (મીડિયા)ને પહેલા જાણ કરીશ. ”
ભાજપના પ્રવક્તા નરેન્દ્ર સલુજાએ સોશિયલ મીડિયા પર “જય શ્રી રામ” કેપ્શન સાથે કમલનાથ અને તેમના દીકરાનો ફોટો શેર કર્યા પછી આ ચર્ચાએ વધુ વેગ પકડ્યો.
અન્ય પોસ્ટમાં, સલુજાએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને રાષ્ટ્રીય મીડિયા પેનલના સભ્ય આલોક શર્માનો એક ફોટોગ્રાફ શેર કર્યો, પોસ્ટમાં તેમણે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધી એ લોકોની સાથે હતા જેમણે કમલનાથ વિરુદ્ધ “અપમાનજનક ટિપ્પણીઓ” કરી હતી. તેમણે લખ્યું, “રાહુલ ગાંધીએ પોતાની પસંદગી વ્યક્ત કરી હતી, હવે કમલનાથનો વારો છે.”
કમલનાથના ભાજપ સાથે જોડવાની ચર્ચા વચ્ચે તેમના દીકરા સાંસદ નકુલનાથે તેમના સોશિયલ મીડિયા બાયોમાંથી કોંગ્રેસનું નામ દૂર કર્યું છે. નકુલ ઉપરાંત કોંગ્રેસ નેતા સજ્જન સિંહ વર્માએ પણ તેમના સોશિયલ મીડિયા બાયોમાંથી કોંગ્રેસનું ઉલ્લેખ હટાવ્યો છે.
ગયા મહિને, આલોક શર્માએ એક મીડિયા ચેનલ સાથેની વાતચીત દરમિયાન, મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર માટે કમલનાથને જવાબદાર ઠેરવતા કહ્યું હતું કે, શું કમલનાથ ચૂંટણી દરમિયાન ભાજપ સાથે સાંઠગાંઠ કરી હતી. બાદમાં આલોક શર્માને પાર્ટી દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી.
ભાજપના એક નેતાએ જણાવ્યું હતું કે, “કેન્દ્રીય ગૃહ પ્રધાન, અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ, જેપી નડ્ડા સહિતના વરિષ્ઠ નેતાઓ સાથે વાતચીત ચાલી રહી છે. જો બધુ બરાબર રહેશે, તો તેઓ ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ભાજપમાં જોડાશે. ”
કોંગ્રેસ પક્ષ તરફથી પાર્ટીના વરિષ્ઠ નેતા અને કમાલ નાથના નજીકના સહયોગી સજ્જન સિંહ વર્માએ જણાવ્યું હતું કે તેમણે શુક્રવારે કમલનાથ સાથે છેલ્લે વાત કરી હતી અને ત્યારે લાગ્યું હતું કે તેમની અને કોંગ્રેસ વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું.
જો કે રાજ્યસભાના કોંગ્રેસ સાંસદ દિગ્વિજય સિંહે આ વાતને નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે “મેં ગઈકાલે રાત્રે તેમની સાથે વાત કરી હતી અને તેમણે કંઈ લાગતું નથી. તેમણે તેમની રાજકીય કારકિર્દી કોંગ્રેસ સાથે શરૂ કરી હતી અને જનતા પાર્ટીના શાસન દરમિયાન પણ ગાંધી પરિવાર સાથે રહ્યા હતા. વૈચારિક રીતે, તેઓ ભાજપ સાથે નથી.”