ટીનમાં સતત નવ સત્રની તેજીને બ્રેક, કોપર સહિતની અમુક ધાતુમાં આગેકૂચ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે આજે મુખ્યત્વે કોપર, બ્રાસ, ઝિન્ક સ્લેબ અને નિકલમાં સ્ટોકિસ્ટો ઉપરાંત વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. એકથી સાતનો સુધારો આવ્યો હતો. જોકે, ટીનમાં સતત નવ સત્ર સુધી ભાવમાં એકતરફી તેજી રહ્યા બાદ આજે ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલી નીકળતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૧૪નો અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં નિરસ માગે ભાવમાં કિલોદીઠ રૂ. એકની સાધારણ નરમાઈ જોવા મળી હતી અને એલ્યુમિનિયમ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને લીડ ઈન્ગોટ્સમાં ટકેલું વલણ રહ્યું હતું.
છેલ્લાં નવ સત્ર દરમિયાન ટીનમાં સ્ટોકિસ્ટોની અવિરત લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી માગને ટેકે કિલોદીઠ રૂ. ૨૧૧ની તેજી આવ્યા બાદ આજે ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ અને વપરાશકારોની માગ છૂટીછવાઈ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૪ના પ્રત્યાઘાતી ઘટાડા સાથે રૂ. ૨૪૫૯ના મથાળે રહ્યા હતા. આ સિવાય એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં નિરસ માગે ભાવ કિલોદીઠ રૂ. એકના સાધારણ ઘટાડા સાથે રૂ. ૨૦૩ના મથાળે રહ્યા હતા.
વધુમાં આજે અન્ય ધાતુઓમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત વપરાશકાર ઉદ્યોગ અને સ્થાનિક ડીલરોની માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ જોવા મળ્યું હતું તેમાં કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. સાત વધીને રૂ. ૭૫૩, કોપર આર્મિચર અને બ્રાસ શીટ કટિંગ્સના ભાવ કિલોદીઠ રૂ. ચાર વધીને અનુક્રમે રૂ. ૭૦૩ અને રૂ. ૫૧૩, કોપર સ્ક્રેપ હેવી અને બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને અનુક્રમે રૂ. ૭૧૧ અને રૂ. ૪૮૩ તથા કોપર કેબલ સ્ક્રેપ, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, ઝિન્ક સ્લેબ અને નિકલના ભાવ કિલોદીઠ રૂ. બે વધીને અનુક્રમે રૂ. ૭૧૯, રૂ. ૬૬૩, રૂ. ૨૧૬ અને રૂ. ૧૩૮૫ના મથાળે રહ્યા હતા.