તમિળનાડુમાં ફટાકડા બનાવતા કારખાનામાં સ્ફોટ થતાં ૧૦નાં મોત
વિરુધુનનગર (તમિળનાડુ) : આ જિલ્લામાં ફટાકડા બનાવતા કારખાનામાં સ્ફોટ થતાં ચાર મહિલા સહિત દસ જણનાં મોત થયા હતા. તમિળનાડુના મુખ્ય પ્રધાન એમ. કે. સ્ટાલિને રાજ્યના બે પ્રધાનોને રાહત અને બચાવ કામગીરીનું સંકલન કરવાનો આદેશ આપ્યો છે. મુખ્ય પ્રધાને કહ્યું હતું કે વેમ્બાકોટ્ટાઈના કુંડાઈરપ્પુ ગામમાં ફટાકડાનું ઉત્પાદન કરતાં એકમમાં ઓચિંતો ધડાકો થતાં છ પુરુષ અને ચાર મહિલા એમ ૧૦ જણનાં મોત થયાં હતાં. તેમણે રાજ્યના મહેસૂલ ખાતાના પ્રધાન કે કે એસ એસ આર રામચંદ્રન અને શ્રમપ્રધાન સી. વી. ગણેશનને તત્કાળ ઘટનાસ્થળે જઈને રાહત અને બચાવ કામગીરીની તકેદારી લેવાનો આદેશ આપ્યો હતો એવી માહિતી સત્તાવાર યાદીમાં અપાઈ હતી. બનાવ અંગે પોતાની વેદના વ્યક્ત કરતાં તેમણે મૃતકોના કુટુંબીજનોને દિલાસો અને સહાનુભૂતિ પાઠવ્યા હતા. તેમણે મૃતકના સગાવહાલાને ત્રણ લાખ રૂપિયાનું વળતર અપાશે અને ગંભીર રીતે ઘાયલ થનારને એક લાખ રૂપિયાનું વળતર અપાશે. ગામના
ફટાકડા બનાવતા એકમના મિક્સિગં રૂમમાં બપોરના સાડાબાર વાગ્યે દુર્ઘટના બની હતી. વિરુધુનનગરના જિલ્લા મેજિસ્ટ્રેટ વી. પી. જયસેલાને કહ્યું હતું કે શરૂઆતમાં ધડાકો થતાં નવ જણ મરણ પામ્યા હતા. ધડાકામાં ઘાયલ થનાર બીજા ત્રણને શિવકાસી સરકારી હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા.
તેમણે કહ્યું હતું કે કેમિકલ મિક્સિગં રૂમમાં વધુ પડતી ભીડ હતી અને રસાયણને હાથ ધરતી વખતે સ્ફોટ થયો હતો. ફેકટરીના માલિક પાસે પરવાનો હતો. ધડાકો કઈ રીતે થયો હતો એવા સવાલના જવાબમાં કલેકટરે જવાબ આપ્યો હતો કે આ દુર્ઘટના માનવ ભૂલને લીધે સર્જાઈ હોઈ શકે. મે આંતર ખાતાકીય ટીમને તપાસનો આદેશ દીધો છે. (એજન્સી)