મુંબઈમાં ૨૫,૦૦૦ રખડતા શ્ર્વાનનું વૅક્સિનેશન પૂરું
માર્ચ ૨૦૨૪માં મુંબઈના ૭૦ ટકા શ્ર્વાનના વૅક્સિનેશન થઈ જશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રસ્તે રખડતા શ્ર્વાનના કરડવાના કારણે માણસને હડકવાનું જોખમ થાય નહીં તે માટે મુંબઈ મહાનગરપાલિકાએ ‘મુંબઈ રેબિસ એલિમિનેશન પ્રોજેક્ટ’ અમલમાં મૂક્યો છે, જે હેઠળ રખડતા મુંબઈને રેબિસ મુક્ત કરવા માટે શ્ર્વાનને રેબિસની પ્રતિબંધક રસી આપવામાં આવી રહી છે. અત્યાર સુધી ૨૫,૦૦૦ રખડતા શ્ર્વાનને રેબિસની રસી આપી દેવામાં આવી છે.
પાલિકાએ જુદી જુદી સંસ્થાની મદદથી મુંબઈમાં ૭૦ ટકા શ્ર્વાનને રેબિસ પ્રતિબંધક રસીકરણ માર્ચ ૨૦૨૪ સુધી પૂરું કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તેમાંથી અત્યાર સુધી ૨૫,૦૦૦ શ્ર્વાનું રસીકરણ પૂરું કરવામાં આવ્યું છે. પ્રાણી કલ્યાણ કરવું તેમ જ તે સાથે જ પ્રાણીઓને કારણે માનવમાં થતા સંક્રમણને ટાળવા માટે પાલિકાએ આ અભિયાન હાથ ધયું છે. પાલિકાના પશુવૈદ્યકીય વિભાગ અને દેવનાર કતલખાના અધિકારી ડૉ. કલમપાશા પઠાણના જણાવ્યા મુજબ રખડતા શ્ર્વાનના કરડવાથી રેબિસ થઈ શકે છે અને માણસનું મૃત્યુ થઈ શકે છે. તેથી રેબિસના વિષાણુને ફેલાવતા રોકવો જરૂરી છે. વિષાણુ રખડતા શ્ર્વાનના કરડવાના માધ્યમથી માનવીને રેબિસનો ચેપ લાગી શકે છે, તેથી તેનુંં જોખમ ઘટાડવા માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સપ્ટેમ્બર ૨૦૨૩થી પાલિકા દ્વારા ‘મુંબઈ રેબિસ એલિમિનેશન પ્રોજેક્ટ’ અંતર્ગત રખડતા શ્ર્વાનને રેબિસ પ્રતિબંધક રસીકરણનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ૨૦૧૪ની ગણના અનુસાર મુંબઈમાં રખડતા શ્ર્વાનની સંખ્યા લગભગ ૯૫,૦૦૦ છે. તેમાંથી લગભગ ૨૫,૦૦૦ રખડતા શ્ર્વાન સપ્ટેમ્બર ૨૦૨૩થી અત્યાર સુધી વેક્સિનેટ કરવામાં આવ્યા છે. તો માર્ચ ૨૦૨૪ સુધીમાં લગભગ ૭૦ ટકા શ્ર્વાનનું વેક્સિનેશન કરવામાં આવવાનું છે.