આમચી મુંબઈ

થાણેમાં સિનિયર સિટિઝન દંપતીની હત્યાનો ભેદ ઉકેલાયો: બેની ધરપકડ

કલવા હૉસ્પિટલના વૉર્ડબૉયે મિત્રની મદદથી લૂંટને ઇરાદે કરી હત્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણેમાં ફ્લૅટમાં ઘૂસીને સિનિયર સિટિઝન દંપતીની હત્યા કરવાના કેસમાં પોલીસે કલવા હૉસ્પિટલના વૉર્ડબૉય સહિત બે જણની ધરપકડ કરી હતી. એ જ સોસાયટીમાં રહેતા બન્ને આરોપીએ ૧૪મા માળે આવેલા ફ્લૅટમાં બાથરૂમની બારીમાંથી પ્રવેશ કરી હત્યા બાદ લૂંટ ચલાવી હતી.

ચિતળસર માનપાડા પોલીસે ધરપકડ કરેલા બન્ને આરોપીની ઓળખ નિસાર અહમદ કુતુબદ્દીન શેખ (૨૭) અને રોહિત સુરેશ ઉત્તેકર (૨૬) તરીકે થઈ હતી. કોર્ટે બન્ને આરોપીને ૨૦ ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના ૪ જાન્યુઆરીની સાંજે પ્રકાશમાં આવી હતી. ઘોડબંદર રોડ પર થાણે નજીક ચિતળસર પરિસરની દોસ્તી એમ્પિરિયા બિલ્ડિંગના ફ્લૅટ નંબર ૧૪૨૬માં રહેતા દંપતી સમશેર બહાદુર રણબાજ સિંહ (૬૮) અને મીના સિંહ (૬૫)ની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરનારા સમશેર અને દૂધના વેચાણનો વ્યવસાય ચલાવતી મીનાનો પુત્ર સુધીર સિંહ અંબરનાથમાં રહેતો હતો. ૪ જાન્યુઆરીની સવારથી માતા-પિતા મોબાઈલ ફોન રિસીવ કરતાં ન હોવાથી સાંજે સુધીર મળવા આવ્યો ત્યારે ઘટનાની જાણ થઈ હતી.

ચિતળસર પોલીસે હત્યાનો ગુનો નોંધી કેસની તપાસ માટે બે ટીમ બનાવી હતી. બિલ્ડિંગની લિફ્ટ અને કમ્પાઉન્ડમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસતાં બહારની કોઈ શંકાસ્પદ વ્યક્તિ બિલ્ડિંગમાં આવી ન હોવાનું જણાયું હતું. પરિણામે એ જ સોસાયટીમાં રહેતી વ્યક્તિ હત્યામાં સંડોવાયેલી હોવાની શંકા પોલીસને ગઈ હતી.

કોન્સ્ટેબલ અભિષેક સાવંત અને શૈલેશ ભોસલેએ સતત પચીસ દિવસ ઈમારત પરિસરમાં નજર રાખી આરોપીઓની ઓળખ મેળવી હતી. સોસાયટીની બિલ્ડિંગ નંબર-૨માં રહેતો નિસાર વારંવાર બિલ્ડિંગ નંબર-૧ના ૧૬મા માળે રહેતા રોહિત ઉત્તેકરને મળવા જતો હોવાનું જાણવા મળ્યું હતું. નિસાર એ જ સોસાયટીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો, જ્યારે ઉત્તેકર કલવા હૉસ્પિટલનો વૉર્ડબૉય છે. બન્નેની હિલચાલ શંકાસ્પદ જણાતાં પોલીસે તાબામાં લઈ તેમની પૂછપરછ કરી હતી.

તપાસમાં પોલીસને જાણવા મળ્યુ ંહતું કે આરોપી ઉત્તેકરના ફ્લૅટમાંથી ૧૪મા માળે આવેલા દંપતીના ફ્લૅટમાં બાથરૂમની બારીમાંથી પ્રવેશ્યા હતા. ગળું દબાવી દંપતીની હત્યા કર્યા પછી સોનાના દાગીના અને મોબાઈલ લૂંટી આરોપી ત્યાંથી પસાર થઈ ગયા હતા. આરોપીઓ પાસેથી લૂંટેલી મતા હસ્તગત કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…