રોડછાપ ફેરિયાઓના પક્ષમાં…
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ
ભારતની મસાલા ફિલ્મો ભાગ્યે જ ફેરિયાઓ વગરની દેખાય. જો આપણે ગર્વથી એવું કહેતા હોઇએ કે ભારતીય વાતાવરણમાં રંગોમાં વિપુલતા છે, એ ઉપરાંત ભારતીય વાતાવરણમાં અવાજો પણ અનોખા અને જાતજાતના સાંભળવા મળે છે તો આ વાત ફેરિયાની હાંકના દમ પર જ કહી શકાય છે.
એક સમય હતો જ્યારે ભારતના મધ્યમવર્ગીય શાંત મહોલ્લાઓ અને કોલોનીઓમાં જો કોઈ અવાજ સંભળાતો તો એ હતો ખાલી ફેરિયાઓનો જ..
આજે પણ તમારા જીવનના ભૂતકાળની યાદોની ફિલ્મને તમારા મનમાં ફરીથી યાદ કરશો તો દિમાગનાં સાઉન્ડ ટ્રેક પર પણ ફેરિયાનો જ પડઘો સંભળાશે.
ભારતમાં ફેરિયાઓનો ઇતિહાસ ખૂબ જ ગૌરવશીલ અને શબ્દરંગી રહ્યો છે. એક ફેરિયા માટે માલ-સામાન વેચવા માટે ચક્કરો લગાડવા કે આમથી તેમ ફરવું ફરજિયાત છે. જ્યારે કોઈ કવિ પોતાનું સર્જન લઈને મેગેઝિનની એક ઓફિસમાંથી બીજી ઓફિસમાં જાય છે એ કામને ‘ચક્કર મારવાનું’ જ કહે છે. કવિ ભવાનીશ્રી પ્રસાદે લખ્યું છે:
‘અમુક કલાક લખવાના, અમુક ચક્કર લગાડવાના!’
મને તો ફેરિયો એક સંપૂર્ણ વેપારી અને એક સાચો સ્વરોજગારી વ્યક્તિ લાગે છે. જેટલો માલ બનાવ્યો એટલો લઈને નીકળી પડવાનું. એ ય ને જાતજાતનાં રાગમાં બૂમો પાડી પાડીને વેચતો જાય. એમાં ય જો બધો માલ વેચાય જાય અથવા તો રાત પડી જાય એટલે ઘર ભેગા થઈ જવાનું. સાચા ફેરિયાના મનમાં મોટી દુકાનો માટે કોઈ પણ જાતની લઘુતા-ગ્રંથિ નથી હોતી. પાક્કો ફેરિયો ભીડભાડવાળા ચોકથી લઈને સૂમસામ ગલીઓ સુધી ચક્કર લગાડયા જ કરશે. ઘણીવાર તો એ ગામડાં, શહેરોની સીમાઓ ઓળંગીને બીજા રાજ્ય સુધી પણ પહોંચી જાય છે.
અમુક વર્ષો પહેલાં ભારતના ફેરિયાઓ આરબ દેશોમાં અને ઈરાન સુધી જતા. ચીનનું રેશમનું કપડું અને રંગબેરંગી ચિત્ર વેચવાવાળા ફેરિયાઓ ભારતના રસ્તા પર ફરતા હતા. ઘરે બેસીને કે દુકાન પર બેસીને કંઈ વેચાતું નહીં. ચાલી ચાલીને, બૂમો પાડીને જ વેચાતું. બાળકો કુલ્ફીવાળાનું અને સૌભાગ્યવતી સ્ત્રીઓ બંગડીવાળા ફેરિયાઓની બપોરે રાહ જોતી રહેતી અને જેવા એ ફરિયાઓ આવે કે એમનું મન પ્રસન્ન થઈને ખિલી ઊઠતું.
નવાઈની વાત છે કે આજના જમાનામાં પક્ષ, વિપક્ષ, રાજકારણ અને ધર્મપ્રેમ પણ ફેરિયાની જેમ બૂમો પાડી પાડીને જ લોકો સુધી પહોંચાડવામાં આવે છે. કોણ જાણે કેમ પણ એકવીસમી સદીમાં ઘૂસવા માટે આતુર આ નવું માર્કેટ કલ્ચર રોડછાપ ફેરિયાઓથી નારાજ છે.
આધુનિક જીવનમાં હમણાં થોડા વર્ષોમાં એક સિદ્ધાંત ઊભરીને બહાર આવ્યો છે કે જેનાથી ટેક્સની ગતિ ધીમે પડે એ બધું નકામું છે એને હવે ખતમ કરો.