ધરતી અને આકાશ વચ્ચેનું સ્વર્ગ, રંગબેરંગી પંખીઓનું મુક્ત વિશ્ર્વ એટલે ઓલ્ડ સિલ્ક રૂટ – પૂર્વ સિક્કીમ

ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી
રસ્તો જે હંમેશાં આપણને ક્યાક ને ક્યાક તો લઈ જાય છે. દરેક વ્યક્તિને એ ક્યાક લઈ જાય છે. મને મન થઈ ગયું કે હું રસ્તામાં વચ્ચે જ રોકાઈ જાઉં અને પૂછી લઉં કે તું તો અહિયાં જ રહે છે તો એકલા એકલા બોર નથી થતો? રસ્તો કહે, ભાઈ હું રોજે નવા નવા મુસાફર જોયા કરું છું. કોઈકને ક્યાક પહોંચવાની જલ્દી હોય છે તો કોઈકને જ્યાંથી આવ્યા ત્યાં જ પાછા જવાની. બધાએ નિર્ધારિત સ્થળ પર પહોંચવાની લ્હાયમાં ઘણું ખરું ગુમાવ્યું છે જે મુસાફરી દરમ્યાન રસ્તામાં જ મળે છે. ક્યાક પહોંચવા કરતાં જે તે સ્થળ પર લઈ જતો રસ્તો વધારે આનંદ અને સંતોષ આપે છે. ક્યારેક ક્યાય પણ પહોંચવા માટે નહીં પણ ખાલી રસ્તાને માણવા કારની બારી ખુલ્લી રાખીને મુસાફરી કરી જોજો. આવી જ કંઈક મુસાફરી મેં સિક્કીમના પૂર્વ વિસ્તારમાં કરી હતી.
ધરતી અને આકાશની વચ્ચે એક સરસ મજાની જગ્યા છે. પૂર્વ સિક્કીમમાં ઓલ્ડ સિલ્ક રૂટ પર લુથૂંગ ગામ પહેલા જ આવતી જગ્યા મને બહુ જ ગમે. ગમે તેટલા વર્ષ પછી પણ જાઉં એક પથ્થર મુકેલો છે એ ત્યાંનો ત્યાં જ હોય જ્યાંથી મને કાંચનજંઘા દેખાય અને એક તરફ ભૂતાનના કોઈ ગામડામાં વહેતી નદીનું વહેણ અને નીચેની તરફ નાનું સરખું ઝૂલુક ગામ. હિમાલયન મોનાલ પાછળ ભાગતા ભાગતા આ જગ્યા મળી હતી. વરસાદ રોકાયો જ હતો કે સાઈકલ થોભાવીને ત્યાં પડેલા પથ્થર પર બેસીને કુદરતને મેં કહ્યું, ચાલને બે ઘડી વાતો કરીએ. જાણે કુદરત મારી વાતનો પ્રત્યક્ષ જવાબ આપતો હોય એમ વાદળો રમતા રમતા મારી આસપાસ આવી ગયાં, કાંચનજંઘા વાદળોમાં સંતાઈને ક્યાંક ક્યાંક બે વાદળો વચ્ચેની જગ્યામાંથી જાણે મને જોઈ રહ્યો અને સૂરજનાં કિરણો પણ વાદળોને છેતરીને ધરતીને મળવા દોડી ગયા હોય એમ ક્યાંક જગ્યા મળે કે અવનીને સ્પર્શીને સોનેરી ઓપ આપી દેતા નજરે ચઢે. પહાડોમાં બધાથી અલિપ્ત અને હિમાલયની ગોદમાં માનાં ખોળામાં સૂતા હોઈએ એટલી શાંતિથી સૂવું હોય તો આ જગ્યાથી સારી બીજી કોઈ જગ્યા ન હોઈ શકે. એકદમ નિર્જન છતાં તમારી જાતને એકલું ન લાગે એટલા રંગબેરંગી અને સંગીતમય સૂરો છેડતા પંખીઓ, પ્રકૃતિનું મધુર ગાન અને ઈશ્ર્વરની હાજરીનો અનુભવ – આ સઘળું અહીં હાજર છે.
સામાન્ય રીતે ફરવા જવા માટે મોટા ભાગના લોકો ગૂગલ, ટ્રીપ એડવાઈઝર, કોઈના બ્લોગ્સ વગેરેને સર્વ શ્રેષ્ઠ માર્ગદર્શક માનતા હોય છે ત્યાં જ તેઓ બહુ મોટી ભૂલ કરતા હોય છે અને તેઓ મુસાફર ન બનતા ખાલી એક પ્રવાસી બનીને રહી જતા હોય છે. નિસર્ગનો ખરો આનંદ નિસર્ગમાં જ કોઈ ચોક્કસ પ્લાનિંગ વગર જ્યા રસ્તો લઇ જાય ત્યાં અથવા તો જ્યાં રસ્તો ના હોય ત્યાં કેડીઓ કંડારવાથી જ મળતો હોય છે. પૂર્વ સિક્કીમના ખાસ નહિ ચર્ચાયેલા અને લગભગ અલિપ્ત રહેતા વિસ્તારમાં મેં થોડા દિવસો માટે રોકાઈ જવાનો નિર્ણય કરીને પંગોલખા વાઇલ્ડલાઇફ સેંકચ્યુરી તરફ પગ વળ્યાં અને હું પહોંચ્યો એક એવા અલગારી વિશ્ર્વમાં જ્યાંની ભૂમિ કોઈને પણ ભોમિયા બનાવી દે. પદમચેનથી શરૂ થયેલી મુસાફરી, રસ્તાની બંને તરફ ઝરણાઓ, નાના નાના જંગલી સ્ટ્રોબેરીના છોડ, રસ્તામાં ક્યાંક દેખાઈ જતા રંગબેરંગી ઓરનેટ ફલાઇંગ સ્નેક, રંગબેરંગી પક્ષીઓ અને સર્પાકાર રસ્તાઓ જાણે આપણને વાદળાઓ સાથે બેસીને ગુફ્તગુ કરાવી રહ્યા હોય. હિમાલયના રંગબેરંગી પક્ષીઓ, હિમાલયન બ્લેક બિયર, રેડ પાન્ડા, હિમાલયન મોનલ, કલીઝ ફિઝંટ્સ, ટ્રાઇપોઝન વગેરેનું વિશ્ર્વ અને પેરેટબીલનું મધુર ગાન એટલે જાણે કોઈ સરસ મજાના ઝૂ જેવો જ દેખાવ આવે જગ્યાનો એટલે આ નાના સરખા ગામનું નામ ઝૂલુક. રોન્ગલી ગામથી ઝૂલુક આવવા માટે ઇનરલાઈન પરમિટ મેળવવી પડે જે એક સામાન્ય ફોર્મ ભરીને ૨૦ રૂપિયામાં મેળવી શકાય. રોન્ગલી આવવા માટે મુખ્ય મથક ગેંગટોકથી શેરિંગ વાહન મળે છે જે માત્ર ૭૦ રૂપિયામાં રોન્ગલી સુધી લઈ આવે, ત્યાર બાદ ત્યાંથી ટેક્સી ભાડે કરીને ઝૂલુક જવા નીકળી શકાય. રસ્તામાં પદમચેન પણ ન ચૂકવા જેવું સ્થળ છે. અહીં ઘણાં બધાં ઝરણાઓ, ઝરણા આસપાસ પતંગિયાઓ અને પાણીમાં ગમ્મત કરતા પંખીઓને મહાલવા પણ એક લ્હાવો છે. ઝૂલૂકમાં ગણ્યાં ગાઠ્યા બે જ હોમસ્ટે છે જ્યાં રહી શકાય અને તેઓની ઓર્ગેનિક ખેતીની મજ્જા માણી શકાય. અંગ્રેજ અને ડચ લોકોના શાસનકાળમાં આ જગ્યા એમની મનપસંદ જગ્યા હતી એટલે અહીંયા એક્ઝોટિક ફ્રૂટ્સની પણ ખેતી થતી જોવા મળે. વિશ્ર્વનું સહુથી ઊંચું અને ભવ્ય કબ્રસ્તાન – બ્રિટિશ અને ડચ સિમેટ્રી પણ અહીંયા ત્યારની ભવ્યતાને સંગોપીને બેઠું છે. લાકડાના બનેલા સરસ મજાના ઘરની બહાર જ બટાટા અને બીજી શાકભાજીની ખેતી કરતા પરિવારો અહીંયા રહે અને દિલથી પહાડી મહેમાનગતિનો અનુભવ કરાવે. સવારે ઊઠીને જાતે ગમે તે શાકભાજી તોડી લાવો, મન હોય તો જાતે જ રસોડાનો કારભાર પણ લઇ શકો. ઝૂલૂકથી સવારે ઓલ્ડ સિલ્ક રૂટ જઈ શકાય. આ રૂટ પર થંબી વ્યૂપોઇન્ટ નામની જગ્યાએથી કાંચનજંઘાનો ખૂબ જ અદભુત નજારો માણી શકાય. આ દરેક જગ્યાઓ પર વાદળોનો મહાસાગર જ જાણે જોઈ લો. અહીંથી આગળ વધતા ભૂતાનનાં ગામડાઓ, ગામમાં વહેતી નદી અને દેવદારના ઘટાદાર જંગલોનો નજારો માણી શકાય તો વળી ક્યાંક ક્યાંક હિમાલયન મોનાલ, બ્લડ ફેઝન્ટ, કોકલાઝ ફેઝન્ટ, કલીઝ ફેઝન્ટ, હિમાલયન સ્નો ફિન્ચ, હવામાં આગની જેમ પૂંછડી લહેરાવતું ફાયર ટેઇલ્ડ સનબર્ડ, હિમાલયન બ્લેકબર્ડ, અપલેન્ડ બઝર્ડ, ગોલ્ડન ઇગલ, ફૂલવેત્તા, પેરોટબિલ જેવા રેર પક્ષીઓ કલરવ કરતા જોવા મળે. આ પંખીઓને જોતા જોતા ફૂલોની વેલી નાથન્ગ વેલી આવે જ્યાં સેંકડો રંગબેરંગી ફૂલોનો કુદરતે અલાયદો શો રાખ્યો હોય એવું દ્રશ્ય ભાસે.
એક એવું ગામ હોય જ્યાં ખૂબસૂરત માટી અને લાકડાનું ઘર હોય, રોજે જ વાદળો કંપની આપતા હોય, ખૂબસૂરત રંગબેરંગી પક્ષીઓનો કલરવ તમારું અલાર્મ ટોન હોય, સવારમાં ચાર વાગ્યામાં સૂર્યોદય અને સાંજે છેક આઠ વાગ્યા આસપાસ સૂર્યાસ્ત થતો હોય, આવી જગ્યાએ રહેવું કોને ના ગમે? આ જ જગ્યાએ ઇંડિયન આર્મી રહે છે. એક નજરે ખૂબસૂરત દેખાતી જગ્યામાં આજે પણ ક્યાંક ક્યાંક જૂના ૧૯૬૨ વખતે થયેલા યુદ્ધ સમયને વણશોધાયેલા માઇન્સ બિછાવેલા છે. હંમેશાં દુશ્મન દેશોની નજર અહીં તમારા પર ટેકાયેલી રહે છે. અહીં જો લાલ ઝંડા ફરકતા જોવા મળે તો સમજવું ફાયરિંગ ચાલી રહ્યું છે. અહીં ભારતીય સેનાના છુપા બંકર જોવા મળે છે. અહીં રહેવા માટે સતત સતર્કતા અને હિમ્મતની પણ જરૂર પડે છે જો કે આર્મીનાં વિસ્તારમાં રહેવા અને ફોટોગ્રાફી બંને પર પ્રતિબંધ છે. સામે દેખાતા પર્વતની પાછળથી જ ચીનની શરૂઆત થાય છે જેને ડોકલામ રેન્જ તરીકે ઓળખાય છે. એ પછી રસ્તામાં બ્લેક લેક આવે છે જે એનાં કાળા રંગનાં લીધે બ્લેક લેક તરીકે ઓળખાય છે. બ્લેક લેક પછી હરભજનસિંઘ બાબાનું બંકર છે જેની ભારતીય સેનાનાં જવાનો દ્વારા પૂજા કરવામાં આવે છે. એક માન્યતા મુજબ હરભજનસિંઘ બાબા ભારતીય સેનામાં ફરજ બજાવતી વખતે અકસ્માતે મોતને ભેટ્યા હતા અને એમના મૃત્યુનાં વર્ષો પછી આજે પણ તેઓ ભારતીય સેનાને મદદ કરે છે, આજે પણ તેમને જમવાનું આપવામાં આવે છે, આજે પણ તેઓનો યુનિફોર્મ, બૂટપોલિશ વગેરે કરવામાં આવે છે. આ મંદિર પછી અહીં દેશનું છેલ્લું ગામ છે “કુપૂપ જ્યાંથી આગળ જવાની પરમિશન નથી પણ પહેલાના સમયમાં આ જ જગ્યા ઇન્ટરનેશનલ વ્યાપાર માટેનું એક કોરિડોર હતી અને આ રસ્તેથી સિલ્કની આયાત થતી એટલે જ એને “ઓલ્ડ સિલ્ક રૂટ તરીકે ઓળખવામાં આવે છે. અહીં ચીનનાં સામાનનું નાનકડું બજાર ભરાય છે. અહીં એલીફન્ટ લેક આવેલ છે જે ઉપરથી જોતા હાથીનાં આકારનું લાગે છે.
છેલ્લાં કેટલાંક વર્ષોમાં માણસો કરતાં અલગ અલગ જગ્યાઓના પ્રેમમાં પડ્યો. બેડરૂમમાં આરામથી સૂવા કરતાં વધારે આકાશગંગા અને ખરતાં તારાઓ સાથે રોમાન્સ માણ્યો છે.
હિમાલયના પહાડોમાંથી પડતાં ઝરણાઓ પાછળ અને પક્ષીઓને જોવામાં અને જાણવામાં સમય વિતાવ્યો છે. ઊંચા પહાડો પર કોઈ અજાણ્યાં વણઝારાની હાકલમાં, પહાડ પરથી મસ્તીમાં પછડાતા અને વહેતાં ઝરણાંમાં, સાંકડી એવી પગદંડીઓમાં, ક્યાંક ઝાડની ડાળી પર બેસેલા પક્ષીઓના કલરવમાં, ક્યાંક તાજા જ ખીલેલા ફૂલમાં, કોઈક અજાણી ઝાડની પાંદડી પર નાના બાળકની માફક મસ્તી કરતા હમણાં જ વરસેલા વરસાદના ટીપાંમાં તો ક્યારેક વાદળોની સાથે ઊંચાઈ પર સંતાકૂકડીની રમત રમતા કાંચનજંઘા પર્વતમાંથી મને ખુશીઓનો ખજાનો મળ્યો છે. મેં જ મારી જાતને આ રીતે ઘડી છે, કુદરતના સંસર્ગમાં મને હંમેશાં ખુશી અને જીવનને ચિક્કાર જીવવાની તાલીમ મળી છે.
આમ, કુદરત સાથે ગોષ્ઠી માંડીએ તો મહિનાઓ પણ ઓછા પડે. સામાન્ય રીતે જે પ્રવૃત્તિમાં આપણે રત થઇ જઈએ એ પ્રવૃત્તિ આપણી આદત બની જાય પણ કુદરત તો પળવારમાં આપણી આદત બની જાય છે. હિમાલયનાં જંગલોની પગદંડી પર ચાલીને કરેલો અનુભવ, સિક્કીમની પહાડીઓની ટોચે પડેલા કોઈ પથ્થર પરથી ખુલીને ગાયેલું કોઈ જૂનું ફિલ્મી ગીત, કે પછી સિક્કીમની પહાડીઓ પર સાવ સાદા એવા બનાવેલા કોઈ મજાના કાફેમાં બેસીને મારેલી ચાયની ચુસ્કી સાથે ત્યાંના લોકલ વૃદ્ધ સાથે કરેલી બે ઘડીની વાતચીત આવી બધી પળો જીવનભર વાગોળી શકાય એવી હોય છે.