ઉત્સવ

આઈપીઓની કતારમાં સામેલ થઈ રહી છે નવા યુગની કંપનીઓ …

સામાન્ય ચૂંટણી પહેલાં શૅરબજાર વોલેટાઈલ રહેશે. લાંબાગાળાની તેજીની અપેક્ષાએ પ્રાઈમરી માર્કેટ માટે સ્કોપ વધ્યો છે. નવા-નવા સેકટર સહિત યુનિકોર્ન કંપનીઓના આઈપીઓ આવી રહ્યા છે ત્યારે રોકાણકારો પ્રચારથી આકર્ષાઈ જવાને બદલે સમજીને રોકાણ કરે એમાં સાર રહેશે.

ઈકો સ્પેશિયલ -જયેશ ચિતલિયા

આ વર્ષમાં ધમાલ મચાવી દેનાર આઈપીઓનો જુવાળ વર્તમાન નાણાકીય વર્ષના શેષ ભાગમાં પણ ચાલુ રહેવાની ધારણા છે. એટલું જ નહીં, નવા નાણાકીય વર્ષે પણ એ પ્રવાહ ચાલુ રહેશે.
પ્રાઈમરી માર્કેટમાં રૂ.૭૨,૦૦૦ કરોડથી વધુના આઈપીઓનું આગમન થઈ રહ્યું છે. નિયમન સંસ્થા ‘સેબી’એ ૨૫ કંપનીઓને આઈપીઓ બહાર પાડવાની મંજૂરી આપી દીધી છે. આ કંપનીઓ રૂ.૨૭,૧૯૦ કરોડની મૂડી ઊભી કરશે જ્યારે અન્ય ૪૧ કંપનીઓ રૂ.૪૫,૫૭૬ કરોડ જેટલી મૂડી ઊભી કરવા માટે ‘સેબી’ ની મંજૂરીની રાહ જોઈ રહી છે. આમ પ્રાઈમરી અને સેક્ધડરી એવી બંને બજાર માટે લોકસભાની ચૂંટણી સૌથી મોટું પ્રેરકબળ બની રહેશે. જે આ વર્ષના મે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષમાં વધુ મોટી કંપનીઓ જાહેર ભરણાં લાવનાર છે એટલે આ વર્ષમાં આઈપીઓનું સરેરાશ કદ વધારે મોટું રહેશે. ‘એલઆઈસી’ એ ગયા વરસે આઈપીઓ બાદ લિસ્ટિંગમાં જે નિરાશા આપી હતી, તેની રિકવરી હાલ થઈ રહી છે. એના શેર જમાવટ કરવા લાગ્યો છે. આમ સમય સાથે કંપનીઓના તખ્તા પલટાઈ રહ્યા છે. તેમ છતાં બધામાં જ આવું થાય એ જરૂરી નથી.

નવા પ્રકાર-સેકટરની કંપનીઓ
આગામી આઈપીઓમાં સૌથી મોટો હશે ઓયો કંપનીનો આઈપીઓ, જે આશરે રૂ. ૮,૪૩૦ કરોડનો હશે. તે ઉપરાંત ઈબીક્સ કેશનો રૂ. ૬,૦૦૦ કરોડનો, એનએસડીએલનો રૂ. ૪,૫૦૦ કરોડનો, ફર્સ્ટ ક્રાઈનો રૂ. ૪,૦૦૦ કરોડ અને ડિજિટલ ઈન્સ્યૂરન્સનો રૂ. ૩,૫૦૦ કરોડનો હશે. આધુનિક ટેક્નોલોજીવાળી કંપનીઓ – જેવી કે ઓલા ઈલેક્ટ્રિક, ઊરશત, મોબીક્વિક, પ્રોટી, ઓરાવેલ સ્ટેઝ, ગો ડિજિટલ જનરલ ઈન્સ્યૂરન્સ અને બ્રેનબીઝ સોલ્યૂશન્સ પણ આ જ વર્ષમાં તેમના આઈપીઓ લાવે એવી ધારણા છે. ૨૦૨૩માં આવી માત્ર બે જ કંપની એમનું જાહેર ભરણું લાવી હતી, ‘યાત્રા’ અને ‘મામાઅર્થ’.

આગામી ૧૨-૨૪ મહિનાઓમાં આઈપીઓ બજારમાંથી ૧૦ અબજ ડોલરનું માતબર ભંડોળ ઊભું થવાની ધારણા છે. બેન્કિંગ/ફાઈનાન્શિયલ સર્વિસ સેગ્મેન્ટમાં સાત કંપનીના આઈપીઓ આવી રહ્યા છે. આમાં, જન સ્મોલ ફાઈનાન્સ બેન્ક અને કેપિટલ સ્મોલ ફાઈનાન્સ બેન્કનો આઈપીઓ ૭ ફેબ્રુઆરીએ આવી ગયો છે, જ્યારે ફિનકેર સ્મોલ ફાઈનાન્સ બેન્ક અને ઈબિક્સકેશનો આઈપીઓ આ વર્ષમાં ઉત્તરાર્ધમાં આવવાની ધારણા છે.

આ આઈપીઓની ખાસ પ્રતીક્ષા
જેની બહુ પ્રતીક્ષા થઈ રહી છે તે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી સર્વિસીસ લિ. -(એનએસડીએલ) એક્મે ફિનટ્રેડ અને આશીર્વાદ માઈક્રો ફાઈનાન્સ પણ ‘સેબી’ની મંજૂરીની રાહ જુએ છે. ટૂરિઝમ સેક્ટરમાં આ વર્ષે ધરખમ વિકાસની અપેક્ષા છે, કારણ કે ત્રણ આઈપીઓને મંજૂરી મળી ચૂકી છે. એપીજે સુરેન્દ્ર પાર્ક હોટેલ્સનો રૂ. ૯૨૦ કરોડનો આઈપીઓ પાંચ ફેબ્રુઆરીએ ખૂલ્યો હતો, જ્યારે રિતેશ અગરવાલનો ઓયો અને જુનિયર હોટેલ્સ નિયામકની મંજૂરીની પ્રતીક્ષામાં છે.

વર્ષ ૨૦૨૫ના અંત સુધીમાં ભારતમાં ઈન્ટરનેટ ડેકાકોર્ન કંપનીઓની સંખ્યા ૧૦થી વધુ થઈ જવાની ધારણા છે. આવનાર ૧૨-૨૪ મહિનામાં ૧૫-૨૦ યુનિકોર્ન કંપનીઓ એમનું જાહેર ભરણું લાવનાર છે. વર્ષ ૨૦૨૩માં, આશરે ૫૭ કંપનીએ આઈપીઓ મારફત રૂ.૪૯,૪૩૪ કરોડ ઊભાં કર્યા હતા. આ આંકડો વર્ષ ૨૦૨૨ની સરખામણીમાં ૧૭ ટકા ઓછો છે. તેમ છતાં ૨૦૨૩માં તે વધીને ૨૮ ટકા થયો હતો.
ચૂંટણી પહેલાં લાભ લેવાનો ઉત્સાહ
વર્ષ ૨૦૨૩નો પહેલો છમાસિકગાળો નીરસ રહ્યા બાદ બીજા છ માસમાં સ્થાનિક મૂડીબજારમાં રોનક છવાઈ ગઈ હતી. મેનકાઈન્ડ ફાર્માનો પ્રથમ આઈપીઓ બજારને નવો વળાંક આપી ગયો.
એને પગલે વર્ષના બાકીના ભાગમાં વિવિધ ક્ષેત્રોની કંપનીઓના આઈપીઓનો રીતસર જુવાળ ફાટી નીકળ્યો. આ ઘેલછા ૨૦૨૪ના વર્ષમાં પણ ચાલુ રહેશે એવી નિષ્ણાતોની ધારણા છે. એવું મનાય છે કે ૨૦૨૪માં નિર્ધારિત લોકસભાની ચૂંટણીના સમયગાળામાં પણ આઈપીઓ લોન્ચ થતા રહેશે. સામાન્ય રીતે
‘થોભો અને રાહ જુઓ’નું વલણ અપનાવતા ઈશ્યુઅર્સ અને ઈન્વેસ્ટર્સ, બંને લોકોમાં હાલ ભારે આત્મવિશ્ર્વાસ
પ્રવર્તે છે.

આ વર્ષમાં ૫૭ મેન બોર્ડ આઈપીઓ આવ્યા હતા, જેનાથી રૂ. ૪૯,૦૦૦ કરોડથી વધુનું ફંડ એકત્ર થયું હતું. આની સરખામણીમાં, ૨૦૨૨માં કુલ ૪૦ મેન બોર્ડ આઈપીઓ આવ્યા હતા, જેનાથી રૂ. ૫૯,૩૦૨ કરોડનું ફંડ એકત્ર થયું હતું. મેનકાઈન્ડ ફાર્માનો રૂ.૪,૩૦૦ કરોડનો આઈપીઓ ૨૦૨૩ના મે માં આવ્યો તે પહેલાં આઈપીઓ માટે બજાર સુસ્ત હતું, પરંતુ મેનકાઈન્ડ ફાર્માના આઈપીઓ બાદ પરિસ્થિતિ નાટ્યાત્મક રીતે બદલાઈ ગઈ હતી.

ચીનથી મળેલી નિરાશા ભારત લાવી
ટોચના નિષ્ણાતો વર્ષ ૨૦૨૪ માટે મૂડીબજારના મહત્ત્વના ડીલ ટ્રેન્ડ્સ વિશે શું કહે છે એના પર નજર કરીએ. વર્ષ ૨૦૨૨માં લગભગ આ જ સમયગાળા દરમિયાન માંડ બે-ત્રણ મામૂલી પરિબળ હતા. દરેક જણ ચીન વિશે અને મૂડીબજારોના પુનરુત્થાન વિશે વાતો કરતું હતું. એવી આગાહીઓ થઈ હતી કે ચીન ૧૫ ટકા રિટર્ન આપશે. બીજો મુદ્દો હતો, અમેરિકાનો ફુગાવો અને વ્યાજના દરોમાં વધારો. આ બંને પરિબળની ભારત પર અવળી અસર પડી હતી. એફપીઆઈ (ફોરેન પોર્ટફોલીઓ ઈન્વેસ્ટર્સ)એ જાન્યુઆરી-ફેબ્રુઆરી, એમ પહેલા બે જ મહિનામાં પાંચ અબજ ડોલર પાછાં ખેંચી લીધા હતા અને એ બધો પૈસો ચીન તરફ વળી ગયો હતો. બાદમાં માર્ચમાં ઈન્વેસ્ટરોને મોહભંગ થયો હતો કે ચીન આગાહી મુજબ રિટર્ન આપતું નથી ત્યારે ભારત આકર્ષણનું કેન્દ્ર બન્યું. આપણો સ્થાનિક નાણાપ્રવાહ મજબૂત સ્થિતિમાં હતો. આમાં એસઆઈપીનો હિસ્સો દર મહિને બે અબજ ડોલરનો રહ્યો હતો.

એફપીઆઈ ને ડીઆઈઆઈની ડિમાંડ
એફપીઆઈ ઈન્વેસ્ટરો માર્ચ મહિનાથી ભારત પાસેથી વધારે મોટી આશા રાખતા થયા હતા. મેનકાઈન્ડ ફાર્માને એમાં મોટી તક મળી ગઈ. એફપીઆઈ અને ડીઆઈઆઈ (ડોમેસ્ટિક ઈન્સ્ટિટ્યૂશનલ ઈન્વેસ્ટર્સ) તરફથી પણ મજબૂત ડિમાન્ડ જોવા મળી. તેથી તે આઈપીઓએ જે ઝમકદાર શરૂઆત કરાવી તેની અસર બાકીના આખા વર્ષમાં રહી. મેનકાઈન્ડ ફાર્માનો શેર તેની આઈપીઓ કિંમત કરતાં ઘણો ઊંચો રહ્યો-ચાલ્યો.

જો કે એક અન્ય વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે કે, આ વર્ષે ૫૭ આઈપીઓ આવ્યા, જેનું સરેરાશ કદ આશરે ૧૦ કરોડ હતું, પરંતુ વર્ષ ૨૦૨૧માં તે કદ ૨૫ કરોડ હતું. આમ, ૨૦૨૧માં આઈપીઓનું કદ લગભગ ૪૦ ટકા વધારે હતું.

બીજી મહત્ત્વની વાત. લાર્જ કેપ્સથી આપણને ૧૭ ટકા રિટર્ન મળ્યું છે, મિડ-કેપ્સથી ૪૧ ટકા જ્યારે સ્મોલ-કેપ્સથી ૪૮ ટકા રિટર્ન મળ્યું હતું. આટલી ચર્ચા બાદ હવે પછી આપણે આઈપીઓની સફળતા-નિષ્ફળતાના કારણોની અને આઈપીઓમાં શું ધ્યાન રાખવું જોઈશે તેની ચર્ચા કરીશું….

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ