ઉત્સવ

જાઝ સંગીતકારો ગાંજાનો ઉપયોગ કરતા એટલે લોકપ્રિય હતા?

જાઝ સંગીત- ગાંજો (મારિજુઆના- વીડ-પોટ…) અને રંગભેદ વચ્ચે કઈ સંબંધ ખરો? જવાબ છે ઘણી રીતે…!

ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ

પશ્ર્ચિમના સંગીતનો એક અતિ લોકપ્રિય પ્રકાર છે:
જાઝ મ્યુઝિક.. યુ.એસ.એ.માં ૧૯૨૦ અને ૩૦ના દાયકામાં જાઝ સંગીતની લોકપ્રિયતાનો આરંભ થયો. જાઝની ઝડપી રિધમને કારણે અમેરિકાના યુવાન-યુવતીઓ જાઝ બેન્ડ પાછળ દીવાના હતાં. જાઝના બેન્ડમાં મોટાભાગના સંગીતકારો – ગાયકો આફ્રિકન અમેરિકન હતાં. આપણે જેમને ‘નિગ્રો’ તરીકે ઓળખીએ છીએ એમને અમેરિકામાં આફ્રિકન અમેરિકન કહે છે. આ નિગ્રો આફ્રિકન અમેરિકનોને જાઝ સંગીતનું કુદરતી
વરદાન હતું. સાથે સાથે જાઝ સંગીત વગાડનારાઓમાંથી મોટા ભાગના મારિજુઆના-વીડ- હસીસ- પોટ એટલે કે ગાંજો ફૂંકવાના આદતી હતા.

પેરિસમાં જન્મીને નોબલ પ્રાઇઝ જીતનારા ડો. ચાર્લ્સ રીચેટે ૧૮૮૭માં કહ્યું કે ‘હસીસ ઉર્ફે ગાંજાનો કસ લેવાથી સમયકાળ અનંત થઈ જાય છે… સર્જનાત્મકતા વધે છે અને માત્ર કેટલીક ક્ષણ પસાર થઈ હોય તો પણ જાણે વર્ષો પસાર થયા હોય એવી અનુભૂતિ થાય છે..’
એ સમયે પણ ફ્રાન્સના કળાકારોમાં ગાંજો પીવાનું ફેશનેબલ ગણાતું. ૧૮મી સદીના અંતમાં નેપોલિયને ઇજિપ્ત જીતી લીધા પછી ફ્રાન્સના લોકો પહેલી વખત ગાંજાના છોડના સપર્કમાં આવ્યાં. એ વખતે ફ્રાન્સના ઘણા તબીબો દર્દીઓને સારવાર માટે હસીસ આપતા હતા.

લગભગ ૩૦ વર્ષ પછી અમેરિકાના જાઝ સંગીતકારો પણ ગાંજાનો ઉપયોગ કરતા થયા એનું મુખ્ય કારણ એ હતું કે ગાંજો ફૂંક્યા પછી એ વધુ સ્ફૂર્તિથી અને વધુ ઝડપથી સંગીત વગાડી શકતા હતા. એ વખતે એવું મનાતું હતું કે કાગળ પર દોરેલા સંગીતના શબ્દો કરતાં વધુ સર્જનાત્મક સંગીત સર્જવા માટે ગાંજાનું સેવન જરૂરી છે.

અમેરિકાની બહુમતી ગોરી પ્રજાને એમનાં યુવાન સંતાનો જાઝ સંગીત સાંભળવા કલબમાં જાય એ ગમતું નહીં. એવું મનાતું કે કાળી પ્રજાના જાઝ સંગીતથી પ્રભાવિત થઈને ગોરી ક્ધયાઓ એમના પ્રેમમાં પડી શકે છે, જે વડીલોને મંજૂર નહોતું. ધીમે ધીમે વાત પ્રસરવા માંડી કે જાઝનો દરેક સંગીતકાર ગાંજાનું સેવન કરે છે એટલે અમેરિકાની સરકાર સચેત થઈ. ‘ફેડરલ બ્યુરો ઓફ નારકોટીક્સ’ (એફબીએન)ના વડા તરીકે એક વિચિત્ર અને કડક અધિકારી એનસ લીંગરની નિમણૂક કરવામાં આવી. એમને ‘ડ્રગ એન્ફોર્સમેન એડમિનિસ્ટ્રેશન’ (ડીઇએ)નો હવાલો પણ આપવામાં આવ્યો. ૧૯૩૭માં મારિજુઆના એક્ટ બનાવીને એમણે પહેલી વખત ગાંજા પર પ્રતિબંધ મૂકયો. ગાંજાનો ઉપયોગ કરનારાઓ માટે ફોજદારી કલમો નક્કી કરવામાં આવી.
વિશ્ર્વ વિખ્યાત જાઝ સંગીતકાર મેઝ મીઝરો પણ
સંગીતના દરેક શો પહેલા પુષ્કળ દારૂ પીતા ને ગાંજો ફૂંકતા પછી શો વખતે એમના સંગીતના એક એક તાલે યુવક – યુવતીઓ ઝૂમી ઉઠતા.

આધુનિક જાઝના અન્ય એક ખ્યાતનામ સંગીતકાર લૂઇસ આર્મસ્ટોંગે એમના બાયોગ્રાફરને કહ્યું હતું કે, એક વખત ચાલુ શોમાંથી પોલીસે ગાંજો પીવા બદલ એમની ધરપકડ કરી હતી. ધરપકડ કરનાર ડિટેક્ટીવ લૂઇસ આર્મસ્ટોંગનો મોટો ચાહક હતો. ૯ દિવસ જેલમાં રહ્યા પછી આર્મસ્ટોંગને છોડવામાં આવ્યા ત્યારે ડિટેક્ટીવને એ વાતનું દુ:ખ હતું કે હવે કદાચ એ ભવિષ્યમાં આર્મસ્ટોંગને નહીં મળી શકે!

બીજી તરફ એનસ લીંગરને ખ્યાલ આવવા માડ્યો હતો કે ગાંજાનો સૌથી વધુ ઉપયોગ જાઝના સંગીતકારો કરે છે. એણે એક પછી એક સંગીતકારોની ધરપકડ કરવા માંડી. કેટલાક અમેરિકનોએ એવું સ્ટેન્ડ લીધું કે ફક્ત કાળા સંગીતકારોની જ ધરપકડ કેમ કરવામાં આવે છે?

પછીનાં વર્ષોમાં અને આજ સુધી ઘણા અમેરિકનોનું માનવું છે કે મારિજુઆના ઉર્ફે ગાંજાનું સેવન અમેરિકામાં બ્લેક લોકો વધુ કરે છે જ્યારે હેરોઇન કે કોક જેવા નશીલા પર્દાથોનું સેવન ગોરા લોકો વધુ કરે છે. અમેરિકાના સત્તાધીશો એમના રંગભેદની નીતિને કારણે કાયદાનો દુરુપયોગ કરી ડ્રગ્સને મામલે કાળા લોકોની ધરપકડ વધુ કરે છે.

અમેરિકાના પ્રમુખપદે આવેલા રોનાલ્ડ રેગન અને નિક્સને અમેરિકાના શત્રુ નંબર- ૧ તરીકે મારિજુઆના – ગાંજાને ગણાવ્યો હતો. અમેરિકાના પ્રોગ્રેસિવ લોકોનું માનવું છે કે એક તરફ કોકેઇન કે હેરોઇન જેવા નશીલાં દ્રવ્યો વ્યક્તિને બંધાણી બનાવી એનો સર્વનાશ કરે છે, બીજી તરફ ગાંજા જેવા પ્રદાર્થનું બંધાણ થતું નથી અને યોગ્ય માત્રામાં લેવામાં આવે તો નુકસાનકારક પણ નથી તો પછી ફક્ત ગાંજાના વપરાશ સામે જ વાંધો કેમ? નિક્સન અને રેગનના ડ્રગ્સ સામેના યુદ્ધને બહુમતી કાળા અમેરિકનો રંગભેદ તરીકે જોતા હતા.

જાઝ સંગીતકારોની લોકપ્રિયતા તોડી પાડવા માટે ગાંજાના પ્રતિબંધનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો. આમ છતાં એમને સફળતા મળી નહીં.

ગોરા અમેરિકન યુવાન-યુવતીઓનો જાઝ સંગીત પ્રત્યેનો પ્રેમ અકબંધ જ રહ્યો. એમ કહેવાય છે કે અમેરિકાનાં પ્રમુખ અખબારોમાં સત્તાધીશો એવા સમાચાર પ્લાન્ટ કરાવતા હતા, જેને કારણે ગાંજો વેચનાર કે ખરીદનારની સામે લેવાતા આત્યંતિક પગલાને ન્યાયી ઠરાવી શકાય.

ગાંજો પીવાથી એક જ કુટુંબના ત્રણ સભ્યો પાગલ થઈ ગયા…., ‘ગાંજો પીને પાગલ થયેલી માતાએ એના બાળકની હત્યા કરી’ જેવાં હેડિંગ અખબારોમાં નિયમિત દેખાવા માંડ્યા.

‘શું ગાંજાના મર્યાદિત સેવનથી પણ પાગલપણું આવી શકે?’ એ પ્રકારના સવાલનો ચોક્કસ જવાબ અમેરિકન વૈજ્ઞાનિકો આપી શકતા નથી. જો કે જાણીતા મનોવૈજ્ઞાનિક અને નશાના બંધાણીઓને સુધારવાનો પ્રયત્ન કરી રહેલા સુરતના એક તબીબનું કહેવું છે કે એમની પાસે એવા ઘણા કિસ્સા આવ્યા છે કે જે સ્કિઝોફેનિયા (એક પ્રકારની માનસિક બીમારી)નો ભોગ બન્યા હોય એમાંથી કેટલીક વ્યક્તિએ ભૂતકાળમાં ગાંજાનું સેવન કર્યું હતું. જો કે આવા કિસ્સાથી એવી કોઈ ધારણા બાંધી લેવાય નહીં કે ગાંજાના સેવનથી ગાંડપણ આવે જ છે.

છેલ્લા કેટલાંક વર્ષોથી વિશ્ર્વના સુધરેલા દેશોમાં એક લોબી એવું આંદોલન ચલાવી રહી હતી કે જો ગાંજા કે મારિજુઆનાને કાયદેસર બનાવી દેવામાં આવે અથવા તો એનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં કરવાની છૂટ આપવામાં આવે તો ડ્રગ માફિયાઓની પકડ ઢીલી પડે.

૨૦૧૮ થી યુએસએ (યુનાઇટેડ સ્ટેટ) અમેરિકાના ઘણાં રાજ્યોએ કાયદામાં ફેરફાર કરીને ગાંજાના વેચાણ કે ખરીદ પર લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો છે. કેટલાક રાજ્યો ડોક્ટરનું પ્રિક્રિપ્શન હોય તો ગાંજાના ખરીદીની છૂટ આપી છે. અમેરિકાના જે રાજ્યમાં ગાંજાના વેચાણની છૂટ આપવામાં આવી છે ત્યાં તો ગાંજાના કેટલાક બંધાણીઓએ હવે એમના નાનકડા વાડામાં જ ગાંજાના છોડવાઓ રોપીને એની નિકાસ કરી કમાણી કરી રહ્યા કરી છે. થોડાં વર્ષોમાં આપણા દેશમાં પણ કદાચ મેડિકલ યૂઝ માટે ગાંજાના મર્યાદિત વેચાણને છૂટ અપાય તો નવાઈ નહીં !

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube  અને  X (Twitter) ને

Back to top button
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી… …તો દુનિયાને ના મળી હોત Mercedesની લકઝુરિયસ કાર! આ રાશિના લોકો માટે લકી સાબિત થશે દિવાળી દિવાળી પર રંગોળીમાં બનાવો આવા શુભ પ્રતિકો

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker