ઉત્સવ

ઈલેક્ટોરલ બૉન્ડ રાજકીય પક્ષોને મળેલું લીગલ લાયસન્સ રદબાતલ!

સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપીને ચૂંટણી બૉન્ડને ગેરબંધારણીય ઠરાવી દઈને સોપો પાડી દીધો છે

કવર સ્ટોરી -વિજય શર્મા

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે ૨૦૧૮માં ઈલેક્શન બોન્ડના માધ્યમથી રાજકીય પક્ષોને દાન આપવાની સિસ્ટમ શરૂ કરેલી, પણ ‘ઈલેક્ટોરલ બોન્ડ રાઈટ ટુ ઈન્ફર્મેશન એક્ટનો ભંગ કરે છે ’ એવું કહીને સુપ્રીમ કોર્ટે તેનું સાવ પડીકું જ વાળી નાખ્યું છે.

મોદી સરકારે ઈલેક્ટોરલ બોન્ડનું તૂત શરૂ કર્યું ત્યારે આ બોન્ડ બહાર પાડવાનો પરવાનો ‘સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા’ ને આપેલો. હવે સુપ્રીમ કોર્ટે ફરમાન કર્યું છે કે, ‘એસબીઆઈ’ આ ચૂંટણી બોન્ડની માયા સંકેલી લે અને આવા નવા બોન્ડ ઈસ્યુ કરવાનું બંધ કરી દે.

 નિયમ પ્રમાણે, આવા  બોન્ડ ઈસ્યુ થાય પછી ૧૫  દિવસની અંદર રાજકીય પક્ષે તેને વટાવીને રોકડી કરી લેવાની હોય છે. જે બોન્ડની રોકડી નથી કરવામાં આવી એ પાછા આપી દેવા પણ સુપ્રીમ કોર્ટે ફરમાન કર્યું છે.

સુપ્રીમ કોર્ટના ચુકાદામાં બીજી મોટી વાત એ છે કે, ઈલેક્ટોરલ બોન્ડ અંગેની રજેરજ માહિતી હવે જાહેર કરવી પડશે. કોણે ક્યા પક્ષને આ બોન્ડ મારફતે કેટલું દાન આપ્યું તેનો હિસાબ આ દેશ સામે મૂકવો પડશે. સુપ્રીમ કોર્ટે કરેલા ફરમાનના કારણે ‘સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા’ એ ૧૨ એપ્રિલ, ૨૦૧૯ થી અત્યાર સુધી ખરીદવામાં આવેલા ઈલેક્ટોરલ બોન્ડ વિશેની માહિતી ૬ માર્ચ સુધીમાં ચૂંટણી પંચને આપવી પડશે. મતલબ કે, કોણે કેટલા રૂપિયાના આવા બોન્ડ ખરીદ્યા અને આ બોન્ડ વટાવીને ક્યા રાજકીય પક્ષે રોકડી કરી તેનો હિસાબ સ્ટેટ બેંકે ચૂંટણી પંચને આપવો પડશે.
સ્ટેટ બેંક હિસાબ આપી દે એટલે વાત નહીં પતે. ૧૩ માર્ચ સુધીમાં ચૂંટણી પંચે ક્યા રાજકીય પક્ષને કોણે અને કેટલા રૂપિયાના ઈલેક્ટોરલ બોન્ડનું દાન કર્યું તેની વિગતો પણ વેબસાઈટ પર મૂકવી પડશે. કોઈ કંપનીએ, સામાન્ય નાગરિકે કે બીજા કોઈ આલિયા- માલિયા,- જમાલિયાએ ઈલેક્ટોરલ બોન્ડ ખરીદીને ક્યા પક્ષને ઘી-સ્વાભાવિક રીતે જ આ બધામાં ભાજપનો ચોપડો સૌથી મોટો હશે કેમ કે ઈલેક્ટોરલ બોન્ડની સૌથી વધારે મલાઈ ભાજપે ખાધી છે. અત્યાર સુધીમાં ભાજપને સૌથી વધારે ૬૫૬૪ કરોડ રૂપિયાથી વધારેનું દાન ચૂંટણી બોન્ડ મારફતે મળ્યું છે એ જોતાં ભાજપે સૌથી વધારે જવાબ આપવા પડશે.

આ બોન્ડ બહાર પડાયા ત્યારે એક માત્ર ડાબેરી પક્ષોએ તેનો વિરોધ કરેલો, જ્યારે બાકીના પક્ષોને જે મળે એ સોનાનું લાગેલું. આ પક્ષોમાં કૉંગ્રેસ પણ આવી ગઈ ને મમતા બેનરજીની ‘તૃણમૂલ કૉંગ્રેસ’ પણ આવી ગઈ. અખિલેશની : સમાજવાદી પાર્ટી’ પણ આવી ગઈ ને લાલુ યાદવની ‘રાષ્ટ્રીય જનતા દળ’ પણ આવી ગઈ. આમાં મજાની કે આશ્ર્ચર્યની વાત એ રહી કે માયાવતીની ‘બસપા’ને કોઈએ હજુ લગી ઈલેક્ટોરલ બોન્ડથી રૂપિયાનું પણ દાન કર્યું નથી એટલે તેણે જવાબ નહીં આપવો પડે, પણ બાકીનાં બધાંએ જવાબ આપવો પડશે.

જો કે આ આ ઐતિહાસિક ચુકાદાની લોકસભા ચૂંટણીમાં અસર થાય એવી શક્યતા બહુ નથી, પણ ચૂંટણીમાં આ મુદ્દો ગાજશે તેમાં બેમત નથી. આપણા રાજકીય પક્ષો એકદમ બેશરમ છે તેથી હરામની કમાણીનાં નાણાં લીધાં હશે તો પણ બેશરમ બનીને બચાવ જ કરવાના છે.

બીજી તરફ, આપણી પ્રજાને પણ વ્યક્તિ પૂજા અને ભક્તિમાં રસ છે તેથી તેને પણ આ રીતે આવેલી હરામની કમાણી લેનારાં સામે સૂગ થતી નથી.

આ વાત કોઈ એક પક્ષ કે નેતાની નથી, પણ બધા રાજકીય પક્ષ અને નેતાઓની છે. કૉંગ્રેસના ભક્તોને નહેરૂ-ગાંધી ખાનદાનના લોકો માટે અહોભાવ છે ને ભાજપના ભક્તોને નરેન્દ્ર મોદી માટે એવો અહોભાવ છે. પ્રાદેશિત પક્ષોના નેતાઓ માટે પણ જે તે રાજ્યોમાં લોકોને એવો જ ભક્તિભાવ છે તેથી સુપ્રીમ કોર્ટનો ચુકાદો બહુ મોટો હોવા છતાં ચૂંટણીમાં તેની અસર થવાની નથી.
અલબત્ત તેના કારણે આ ચુકાદાનું મહત્ત્વ ઓછું થતું નથી. એ જ રીતે સુપ્રીમ કોર્ટે બંધારણની રક્ષા માટે બતાવેલી સજાગતા પણ સલામને પાત્ર છે કેમ કે સુપ્રીમ કોર્ટ દરેક વાર એવી સજાગતા બતાવતી નથી. સુપ્રીમ કોર્ટે રાજકીય દબાણ હેઠળ પોતાના જ જૂના ચુકાદાઓને ખોટા ઠેરવ્યા હોય એવું બન્યું જ છે.

ખેર, એ મુદ્દો અલગ છે, પણ ઈલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય ઠેરવીને સુપ્રીમ કોર્ટે બંધારણની લાજ રાખી દીધી એમ કહેવામાં કશું ખોટું નથી. સાથે સાથે ૨૦૨૦માં ચૂંટણી બોન્ડ બહાર પાડવા સામે સ્ટે નહીં આપીને કરેલી ભૂલને પણ સુધારી લીધી.

આ બોન્ડ દ્વારા મોદી સરકારે રાજકીય પક્ષોને લાંચ આપવાનું લીગલ લાઈસંસ આપી દીધેલું એમ કહીએ તો ચાલે. આ બોન્ડ સિસ્ટમ અરૂણ જેટલીના ભેજાની પેદાશ હતી. જેટલીએ ૨૦૧૭માં આ સ્કીમ લાવવાની જાહેરાત કરી હતી અને ૨ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ કેન્દ્ર સરકારે ઈલેક્ટોરલ બોન્ડ ૨૦૧૮ સ્કીમ અંગે જાહેરનામું બહાર પાડ્યું ત્યારે ફડાકા મારેલા કે, આ સ્કીમથી રાજકીય પક્ષોને મળતા દાનની પ્રક્રિયામાં પારદર્શિતા આવશે તથા રાજકીય પક્ષોને અપાતી રોકડનો ગંદો વ્યવહાર બંધ થશે.

ઈલેક્ટોરલ બોન્ડ માટેના નિયમોની વાત બધે આવી ગઈ છે તેથી એ પારાયણ નથી માંડતા,, પણ એ બોન્ડ દ્વારા દાન આપનારનું નામ ખાનગી રાખવાની જોગવાઈ કઠે એવી હતી. આ કારણે જ આ બોન્ડ શરૂ કરવા સામે ‘રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા’ એ વાંધો લીધેલો. રિઝર્વ બેંક તો આ બોન્ડને મંજૂરી આપવા જ તૈયાર નહોતી, પણ શાસક્- સરકારને ખણખણિયા જોઈતા હતા એટલે રિઝર્વ બેંકના વાંધા-વચકાને ઘોળીને પી જઈને ઈલેક્ટોરલ બોન્ડ બહાર પાડી દીધા. રિઝર્વ બેંકને દાન આપનારનું નામ કે આવકનો સ્રોત જાહેર નહીં કરવા સામે વાંધો હતો અને આ વાંધો વ્યાજબી હતો, પણ સત્તા આગળ શાણપણ નકામું છે એ નક્કરી વાસ્તવિકતા છે.

ઈલેક્ટોરલ બોન્ડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી પણ થયેલી ,પણ સુપ્રીમ કોર્ટે બોન્ડ બહાર પાડવા સામે સ્ટે ના આપ્યો તેમાં કેન્દ્ર સરકારને ખુલ્લો પરવાનો મળી ગયો. બોન્ડ બહાર પાડી પાડીને ભાજપે અબજો રૂપિયાની રોકડી કરી લીધી. બીજા રાજકીય પક્ષોએ પણ એ જ કર્યું. તેમને મળેલો આ રૂપિયો ક્યાંથી આવ્યો- કોઈ કૌભાંડીએ-કોઈ કરૂબાજે આપ્યો કે કોઈ અપરાધી- આતંકવાદીએ આપ્યો એ પ્રજાને-મતદારોને જાણવાનો અધિકાર નથી એમ માનીને રાજકીય પક્ષો બેફામ બનીને વર્તતા રહ્યા.

આ તરફ,સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષોને અહેસાસ કરાવ્યો છે કે, આ દેશ બંધારણ પ્રમાણે ચાલે છે-તમારી મુનસફી પ્રમાણે નહીં. તમને મળેલી પાઈએ પાઈ વિશે જાણવાનો લોકોને અધિકાર છે એટલે ચૂં કે ચાં કર્યા વિના એ માહિતી લોકોને આપો.!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Avoid the Fridge for These Fruits! Keep Them Fresh the Right Way Unblock Your Entryway: Essential Items to Avoid at Your Front Door Catches Win Matches: Top Indian Cricket Fielders Through the Decades IPL: Sixes Galore! Delhi vs Mumbai Turns into a Hitting Extravaganza