ઉત્સવ

જ્યારે ‘સાધુ’ના વેશમાં ઘરે આવ્યો શૈતાન…!

વાર્તા -એન. કે. અરોડા

આ વાર્તા કુંભમાં છૂટા પડેલા નાના ભાઈની ફિલ્મી કહાની જેવી છે, પરંતુ તેની રચનામાં, તે લોકપ્રિય ફિલ્મોની સ્ક્રિપ્ટને પણ માત આપે છે. આ વર્ષે જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં, દિલ્હીમાં રહેતી ભાનુમતી સિંહની ખુશીની સીમા ન રહી, જ્યારે તેની પુત્રીએ તેને ફોન કરીને કહ્યું કે તેણે એક સાધુને જોયો છે, જેના હાથ પર બરાબર એ જ નિશાન છે, જેવો ૨૦ વર્ષ પહેલા ઘરેથી ગાયબ થયેલા તેના ભાઈ પિંકુના હાથમાં હતો. બે દાયકા પહેલા ગુમ થયેલા પુત્રના સમાચારથી માતાને આનંદ થાય તે સ્વાભાવિક હતું. તેણે તેની પુત્રીને કહ્યું કે તેને ગામમાં રોકી રાખ, અમે ફટાફટ ઘરે પહોંચીએ છીએ.

આ વાર્તા ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લાના ખરૌલી ગામની છે. વર્ષ ૨૦૦૨માં આ જ ગામના રતિપાલ સિંહનો ૧૧ વર્ષનો પુત્ર પિંકુ ગુમ થયો હતો. પરિવારજનોએ ઘણી શોધખોળ કરી, પરંતુ તે ક્યાંય મળ્યો ન હતો. આ વર્ષે, ૨૫ જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ, જ્યારે રતિપાલ સિંહની પુત્રીએ દિલ્હીમાં રહેતા તેના માતા અને પિતાને કહ્યું કે ગામમાં એક યુવાન સાધુ સારંગી વગાડતા વગાડતા ભીખ માગી રહ્યો છે અને તેના હાથ પર પિંકુ જેવું જ નિશાન છે. પુત્રીએ જણાવ્યું કે જ્યારે ગામના ઘણા લોકોએ વિચાર્યું કે તે પિંકુ છે, ત્યારે તેને ગામમાં રોકી દેવામાં આવ્યો અને તેને તેના માતા-પિતાએ વહેલી તકે ગામમાં પહોંચવા અને ખાતરી કરવા કહ્યું કે શું આ સાધુ ખરેખર તેમનો પિંકુ છે? આ કોલ સાંભળીને રતિપાલ સિંહ અને તેની પત્ની ભાનુમતી ઉતાવળે ૨૭ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ બપોરે પોતાના ગામ પહોંચ્યા, જ્યારે તેઓએ પિંકુ જેવા જોગીને જોયો અને તેના હાથ પરના નિશાન પણ જોયા ત્યારે તેઓ જોર જોરથી રડવા લાગ્યા અને માતા-પિતા બંનેએ તેને ગળે લગાડ્યો. યુવાન જોગી પણ તેમની સાથે ભાવુક થઈ ગયો અને રડવા લાગ્યો અને કહ્યું કે તેને યાદ છે કે જ્યારે તેને રમવાથી ઠપકો આપવા બદલ તે ગામથી ભાગીને જંગલમાં ગયો હતો, જ્યાં સાધુઓનું એક જૂથ તેને પોતાની સાથે ઝારખંડ લઈ ગયા અને હાલમાં તે પારસમઠમાં રહે છે.

આખા ગામના લોકોએ ફિલ્મી સ્ટાઈલમાં ખોવાયેલા પુત્રના પુન:મિલનના ઘણા વીડિયો બનાવ્યા અને થોડી જ વારમાં આવા ઘણા વીડિયો યુટ્યૂબ પર વાયરલ થઈ ગયા. લગભગ ૨૨ વર્ષ પછી તેમના પુત્રને પરત મળતા માતા-પિતા ખૂબ જ ખુશ હતા અને તેઓ તેને કોઈપણ કિંમતે ગુમાવવા માગતા ન હતા, પરંતુ બે-ત્રણ દિવસ પછી પિંકુ એટલે કે જોગીએ તેના માતા-પિતા અને પરિવારને કહ્યું કે તે તેના મઠમાંથી આ રીતે ગાયબ ન થઈ શકે, તેણે એક વાર ત્યાં જઈને બધું જણાવવું પડશે અને પછી તે તેમની પાસેથી પરવાનગી લીધા પછી જ પરત ફરી શકશે. પહેલા તો માતા-પિતા તેને કોઈપણ કિંમતે તેમનાથી અલગ થવા દેવા માગતા ન હતા, પરંતુ જ્યારે તેણે આ વાતને વારંવાર કહેવાનું શરૂ કર્યું ત્યારે રતિપાલ સિંહ, તેની પત્ની અને ગામના અન્ય ઘણા લોકોએ પણ કહ્યું કે પુત્ર (જોગી) સાચું કહે છે. તેને એકવાર તેના મઠમાં જવા દો અને તેમની પાસેથી પરવાનગી લીધા પછી તેને પાછા આવવા દો. ધીરે ધીરે જોગીના માતા-પિતાએ પણ ભારે હૈયે આ વાત સ્વીકારી અને વારંવાર તેમની પાસેથી ખાતરી લીધી કે આ વખતે તે ગુમ નહીં થાય અને તેમને સંપૂર્ણ ખાતરી પણ આપી. આ રીતે, પહેલી એપ્રિલ ૨૦૨૪ના રોજ, તે ફરીથી ગામ છોડીને ઝારખંડમાં તેના પારસમઠ રહેવા માટે ગયો. આ સમય દરમિયાન, ગ્રામજનોએ તેમના વિમુખ જોગીને લગભગ ૧૪ ક્વિન્ટલ અનાજ આપ્યું. બહેને રૂપિયા ૧૧,૫૦૦ રોકડા આપ્યા. ગામના લોકોએ તેમને ૧૦૦- ૨૦૦ રૂપિયાની મદદ કર્યા પછી લગભગ ૧૫,૦૦૦ રૂપિયા આપ્યા અને રતિપાલ સિંહે તેમના જોગી પુત્રને મોબાઈલ ફોન આપ્યો જેથી તે સતત તેની સાથે સંપર્કમાં રહી શકે. આવી રીતે, લગભગ ૨૫-૩૦ હજાર રૂપિયા રોકડા, ૧૪ ક્વિન્ટલ અનાજ, અનેક જોડી કપડાં અને એક મોબાઈલ ફોન લઈને જોગી પુત્ર તેના મઠ જવા માટે રવાના થયો. આ સમયગાળા દરમિયાન તે સતત તેમના સંપર્કમાં રહ્યો.

ચાર દિવસ પછી, આ જોગીએ તેના કથિત માતાપતાને એક ચિંતાજનક વાત કહી. તેણે જણાવ્યું હતું કે મઠવાળા તેને છોડતા નથી, તેઓ કહી રહ્યા છે કે અહીંથી મુક્ત થવા માટે તમારે ઓછામાં ઓછા ૧૦ લાખ રૂપિયા ચૂકવવા પડશે, પછી તમે જઈ શકો છો. તેણે એમ પણ જણાવ્યું કે અગાઉ પણ ઘણા બાળ યોગીઓ અહીંથી પરત આવી ગયા છે અને તેમણે પણ આ રકમ ચૂકવવી પડી હતી. આખરે રતિપાલ સિંહે ગામની લગભગ સાડા અગિયાર લાખ રૂપિયામાં એક જમીન વેચીને ૧૦ લાખ રૂપિયા આપવાનો નિર્ણય લીધો અને તેણે તેના પુત્રને કહ્યું કે તે તેના આશ્રમનું એડ્રેસ આપે. તે ગામના કેટલાક લોકો સાથે આવશે અને તેને લઈ જશે, પરંતુ આ સાંભળીને જોગીના પુત્રને ગુસ્સો આવ્યો અને તેણે કડક શબ્દોમાં કહ્યું કે હું તમને કહું છું કે તમે પૈસા યુપીઆઈ દ્વારા મને મોકલાવો અથવા મારા બૅંક ખાતામાં ટ્રાન્સફર કરો, તમે આ રીતે સીધા અહીં પૈસા લઈને નહીં આવી શકો. તે મઠના લોકો સીધા પૈસા લેતા નથી. રતિપાલ સિંહે વિવિધ રીતે કહ્યું કે પૈસા આપતા પહેલા તે તેના પુત્રને મળી લે અથવા ગામડાના કોઈ માણસ દ્વારા પૈસા દેવાની વાત કરી, જેથી એમને વિશ્વાસ આવે કે મઠના લોકો ફરી પૈસા નહીં માગે, પરંતુ રતિપાલ સિંહે આવીને પૈસા આપવાની જીદ કરતા જ જોગી પુત્ર તેનાથી ચિડાઈ ગયો. આ અંગે ગામના કેટલાક લોકોએ શંકા વ્યક્ત કરી કે આ કોઈ છેતરપિંડી તો નથી ને?
પરિણામે કથિત જોગીના પિતા રતિપાલ સિંહ તેમના વિસ્તાર તિલોઈના પોલીસ સ્ટેશન પહોંચ્યા, પરંતુ જ્યારે તિલોઈ પોલીસ સ્ટેશનના સર્કલ ઓફિસર અજય કુમાર સિંહે સમગ્ર ઘટનાની તપાસ કરી તો સમગ્ર ગ્રામજનોના પગ નીચેથી જાણે જમીન જ સરકી ગઈ અને સામે આવ્યું કે ઝારખંડમાં કોઈ પારસનાથ મઠ નથી. પણ હવે પ્રશ્ર્ન એ હતો કે આ જોગી કોણ છે? પોલીસ સર્વિલંશમાં તેનો મોબાઈલ નાખીને, પોલીસને ટૂંક સમયમાં જ એ જાણવામાં સફળતા મળી કે આ ઢોંગી જોગી ખરેખર નજીકના ગોંડા ગામનો નફીસ નામની ઢગ વ્યક્તિ છે, જેણે રતિપાલ સિંહ દંપતીની ભાવનાઓને ઠેસ પહોંચાડી રાતોરાત પૈસા કમાવવા આ કાવતરું ઘડ્યું હતું, જ્યારે પોલીસે ચૂપચાપ તેને તેના ગામમાંથી પકડી પાડ્યો, ત્યારે માલૂમ પડ્યું કે નફીસના ભાઈ રશીદે પણ બે વર્ષ પહેલા આ જ રીતે નકલી સાધુ બની બાજુના ગામના બુદ્ધિરામ વિશ્ર્વકર્માને પણ મૂર્ખ બનાવ્યો હતો, કારણ કે સહસપુરા ગામના બુદ્વિરામ વિશ્ર્વકર્માનો પુત્ર રવિ પણ આ જ રીતે ૧૪ વર્ષ પહેલા ગુમ થયો હતો અને પછી એક દિવસ તે તપસ્વીના વેશમાં ગામમાં પહોંચી ગયો હતો. આ સાધુના વેશમાં શેતાનનું કૃત્ય જોઈને માત્ર રતિપાલ સિંહ અને તેનો પરિવાર જ નહીં પરંતુ ખરૌલી ગામના સમગ્ર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. આ વાર્તા લખાઈ ત્યાં સુધી નકલી જોગી પોલીસ કસ્ટડીમાં હતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત