સ્પોર્ટસ

ભારતના લીડ સાથે 322 રન, ઇંગ્લૅન્ડને 500 જેટલો ટાર્ગેટ આપી શકે

રાજકોટ: નવેમ્બર, 2016માં રાજકોટમાં ભારત સામે ઇંગ્લૅન્ડની ટીમ પરાજયથી બચી ગઈ હતી અને મૅચ ડ્રૉમાં ગઈ હતી, પણ આ વખતે ટીમ ઇન્ડિયાને જીતવાનો બહુ સારો મોકો છે.

સિરીઝની ત્રીજી ટેસ્ટ (સવારે 9.30 વાગ્યાથી લાઇવ)ના ત્રીજા દિવસે બીજા દાવમાં ભારતના બે વિકેટે 196 રન હતા અને લીડ ઉમેરતાં કુલ 322 રન હતા. પ્રથમ દાવમાં શૂન્યમાં વિકેટ ગુમાવનાર શુભમન ગિલ શનિવારે 65 રન પર હતો અને સામા છેડે નાઇટ-વૉચમૅન કુલદીપ યાદવ ત્રણ રને રમી રહ્યો હતો. યશસ્વી જયસ્વાલ (104 રને રિટાયર્ડ હર્ટ, 133 બૉલ, પાંચ સિક્સર, નવ ફોર) ઈજાને કારણે સેન્ચુરી બાદ પૅવિલિયનમાં પાછો જતો રહ્યો હતો, પણ ફરી તે બૅટિંગ કરવા આવી શકે. એ ઉપરાંત, ખાસ કરીને નવોદિત બૅટર સરફરાઝ ખાન તેમ જ પહેલા દાવનો સેન્ચુરિયન રવીન્દ્ર જાડેજા અને ધ્રુવ જુરેલ પણ બાકી હોવાથી ભારતને સરસાઈ સહિત કુલ 450થી 500 રન બનાવીને બ્રિટિશરોને તોતિંગ લક્ષ્યાંક આપવાની તક છે.
હજી બે દિવસ (રવિવાર, સોમવાર) બાકી હોવાથી મૅચમાં પરિણામ નક્કી જણાય છે.

શનિવારે જો રૂટ અને ટૉમ હાર્ટલીએ એક-એક વિકેટ લીધી હતી. પ્રથમ દાવનો સદીકર્તા રોહિત શર્મા બીજા દાવમાં ફક્ત 19મા રને જો રૂટના બૉલ પર એલબીડબ્લ્યૂ થઈ ગયો હતો. ચોથા નંબરે રજત પાટીદારને મોકલવામાં આવ્યો હતો અને તે ઝીરો પર જ વિકેટ ગુમાવી બેઠો હતો. તે બન્ને દાવ (5 અને 0)માં સ્પિનર ટૉમ હાર્ટલીનો શિકાર થયો.

એ પહેલાં, ઇંગ્લૅન્ડનો પ્રથમ દાવ 319 રનમાં સમેટાઈ ગયો હતો. ઓપનર બેન ડકેટ (153 રન) સિવાય બીજો કોઈ બૅટર હાફ સેન્ચુરી પણ નહોતો ફટકારી શક્યો. કૅપ્ટન બેન સ્ટૉક્સે 41 રન અને ઑલી પૉપે 39 રન બનાવ્યા હતા.

રવિચન્દ્રન અશ્ર્વિન ફૅમિલીમાં મેડિકલ ઇમરજન્સી આવી જતાં શુક્રવારેે રાત્રે મૅચમાંથી બહાર થઈને રાજકોટથી ચેન્નઈ પહોંચી ગયો હતો. શુક્રવારે ઇંગ્લૅન્ડની પહેલી વિકેટ અશ્ર્વિને લીધી હતી જે તેની 500મી ટેસ્ટ-વિકેટ હતી. જોકે તેની ગેરહાજરીને કુલદીપ યાદવ તથા રવીન્દ્ર જાડેજાએ નહોતી વર્તાવા દીધી. બન્ને સ્પિનરે બે-બે વિકેટ લીધી હતી. મોહમ્મદ સિરાજ ટીમનો સૌથી સફળ બોલર હતો. તેણે 84 રનમાં ચાર વિકેટ લીધી હતી, જ્યારે જસપ્રીત બુમરાહને એક વિકેટ મળી હતી. જોકે તેની એ મુખ્ય વિકેટ હતી. તેણે જો રૂટને આઉટ કર્યો હતો. રૂટ સ્લિપના ફીલ્ડરોની ઉપરથી બૉલને રિવર્સ સ્કૂપ દ્વારા બાઉન્ડરી લાઇન તરફ મોકલવાના પ્રયાસમાં બીજી સ્લિપમાં યશસ્વી જયસ્વાલને કૅચ આપી બેઠો હતો.
પહેલા દાવમાં ભારતના 445 રન હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button