સ્પોર્ટસ

કાશ્મીરમાં બૅટ બનાવતા કારખાનામાં સચિનની એન્ટ્રી થતાં જ કારીગરો ચોંકી ગયા!

શ્રીનગર: એક સમયે તમામ ક્રિકેટરોમાં સૌથી વજનદાર (1.47 કિલોગ્રામ) વજનના બૅટથી રમીને ભલભલા મહાન બોલરો માટે માથાનો દુખાવો બની જનાર માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્ડુલકરને હવે બૅટ સાથે ખાસ કંઈ લેવાદેવા નથી, પણ શનિવારે તે એક સમયના પોતાના સૌથી પ્રિય આ સાધનનું ઉત્પાદન જ્યાં થાય છે ત્યાં પહોંચી ગયો હતો.

સચિને સપરિવાર શ્રીનગરના સંગમ વિસ્તારમાં બૅટ બનાવતા એક ઉત્પાદકને ત્યાં પહોંચી ગયો હતો. સચિનની સાથે પત્ની અંજલિ અને પુત્રી સારા પણ હતી. તેઓ કારમાં શ્રીનગર-જમ્મુ હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ચારસૂ વિસ્તારમાં બૅટ બનાવતી એક ફૅક્ટરી ખાતે પહોંચી ગયા હતા.

એમજે સ્પોર્ટ્સ નામની કંપનીના માલિક મોહમ્મદ શાહીન પૅરેએ ફોન પર પી. ટી. આઇ.ને કહ્યું, ‘અમે બૅટ બનાવવામાં વ્યસ્ત હતા ત્યારે અચાનક અમારા કારખાનાના દરવાજા નજીક એક કાર ઊભી રાખવામાં આવી. અમે જોયું તો એમાંથી સચિન તેના પરિવાર સાથે નીચે ઊતર્યો અને અમારી યુનિટ તરફ આવ્યો. અમારા આનંદનો પાર નહોતો.’

મોહમ્મદ પૅરેએ વધુમાં કહ્યું, ‘કાશ્મીર વિલૉમાંથી બનાવેલા અમારા બૅટને સચિને તપાસ્યા હતા અને એની ક્વૉલિટી જોઈને ખુશ થઈ ગયો હતો. સચિને અમને કહ્યું કે તે ઇંગ્લિશ વિલૉની સરખામણીમાં કાશ્મીર વિલૉના બૅટ કેવા છે એ ચકાસવા આવ્યો હતો. અમે સચિનને વિનંતી કરી કે પ્લીઝ, આપણા દેશના આ પ્રખ્યાત બૅટને જ ખરીદવાનો લોકોને અનુરોધ કરજો. સચિને અમને વચન આપ્યું હતું કે તે કાશ્મીર વિલૉના બૅટના સપોર્ટમાં લોકોને અનુરોધ કરશે.’

સચિન આ બૅટ બનાવતી ફૅક્ટરી ખાતે લગભગ એક કલાક હતો અને તેણે ત્યાં આવી પહોંચેલા પોતાના ચાહકો સાથે વાતચીત પણ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button