લોકલ ટ્રેનના કોચમાં અચાનકથી ધુમાડો નીકળતા વહેલી સવારે ટ્રેન સેવા ખોરવાઈ
મુંબઈ: મધ્ય રેલવેના મુંબ્રા સ્ટેશન પર શનિવારે વહેલી સવારે લોકલ ટ્રેનના એક કોચમાથી અચાનક ધુમાડો નીકળતા પ્રવાસીઓ ઘભરાઈ ગયા હતા. આ ઘટના બાબતે રેલવે અધિકારીએ કહ્યું હતું કે સવારે 6.10 વાગ્યે અંબરનાથથી એક સ્લો લોકલ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ જવા રવાના થઈ હતી.
તે દરમિયાન ટ્રેનના એક સેકન્ડ ક્લાસના કોચમાથી ધુમાડો નીકળી રહ્યા હોવાની બાબત પ્રવાસીઓના ધ્યાનમાં આવતા ટ્રેનના લોકો પાઇલટને તે બાબતની જાણ કરાવવા માટે એક પ્રવાસીએ ઈમરજન્સી ચેન ખેંચી હતી.
ઈમરજન્સી ચેનનું સિગ્નલ લોકો પાઇલટ મળ્યું તે સમયે ટ્રેન મુંબ્રા સ્ટેશન નજીક હતી, તેથી ટ્રેનને મુંબ્રા સ્ટેશન પર રોકી પ્રવાસીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. વહેલી સવારે આ ઘટના બનતા સ્લો લાઇનની બધી જ ટ્રેનો 20-25 મિનિટ સુધી મોડેથી દોડી હતી.
ટ્રેનના કોચમાં આગ લાગ્યા બાદ ટ્રેનોની સેવા ખોરવાતા ઓફિસ સમયમાં પ્રવાસીઓની ભારે ભીડ લોકલમાં થઈ હતી. આ ઘટના બાબતે એક પ્રવાસીએ કહ્યું હતું કે તેમને કાંજૂરમાર્ગ ઊતરવું હતું, પણ ટ્રેનમાં સખત ભીડને લીધે તેમનેઘાટકોપરમાં ઉતરીને ઊંધો પ્રવાસ કરવો પડ્યો હતો જેને લીધે તેમને ઓફિસ પહોંચવામાં મોડુ થયું હતું. આવી જ રીતે સવારના સમયમાં ટ્રેન મોડી પડતાં હજારો પ્રવાસીઓની હાલાકી થઈ હતી.