‘અમેરિકાના સૉકર ફૅન્સને ફુટબૉલ વિશે કંઈ જ ગતાગમ નથી’, આવું કહીને મહિલા કૅપ્ટને માફી માગી લીધી
ન્યૂ યૉર્ક: અમેરિકામાં ફુટબૉલની રમતનો બાસ્કેટબૉલ જેટલો જ ક્રેઝ છે. 2022ના ફિફા વર્લ્ડ કપમાં તેમની મેન્સ ટીમ પ્રી-ક્વૉર્ટર ફાઇનલ સુધી પહોંચી હતી અને મહિલા ટીમ 2023ના પ્રી-ક્વૉર્ટરમાં પહોંચી એ અગાઉ તેમના દેશની વિમેન્સ ટીમ ચાર વખત વર્લ્ડ કપ જીતી હતી. એ રીતે, અમેરિકામાં મેન્સ કરતાં વિમેન્સ ફુટબૉલ ટીમ વધુ લોકપ્રિય છે. જોકે વર્તમાન મહિલા ફુટબૉલ ટીમની 29 વર્ષીય કૅપ્ટન લિન્ડ્સે હૉરાને કૉન્કેકૅફ ગોલ્ડ કપમાં પોતાની ટીમની પહેલી મૅચ પૂર્વે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘અમેરિકાના સૉકર ફૅન્સમાંથી મોટા ભાગના લોકો સ્માર્ટ નથી. તેમને આ રમત વિશે કંઈ ગતાગમ જ નથી. બહુ સમજતા નથી, પણ ધીમે-ધીમે સમજવા લાગ્યા છે.’
જોકે પોતાના જ દેશના ફુટબૉલપ્રેમીઓ વિશે આવું અપમાનજનક બોલાવ બદલ લિન્ડ્સે સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રૉલ થઈ હતી જેને કારણે તેણે પત્રકારો સમક્ષ માફી માગવી પડી હતી.
લિન્ડ્સેએ પોતાની ટિપ્પણી બદલ જાહેરમાં માફી માગતાં કહ્યું, ‘મેં ખરાબ પ્રતિક્રિયા આપી હતી. સૌથી પહેલાં તો હું મારી એ કમેન્ટ બદલ આપણા દેશના સૉકરચાહકોની માફી માગું છું. જોકે આમાંથી મને ઘણું શીખવા મળ્યું છે. મારા માટે તેમ જ યુએસની સૉકર ટીમના ખેલાડીઓ માટે લોકોનો સપોર્ટ ખૂબ જ અગત્યનો છે. એના વિના અમે અધૂરા છીએ. અમે જ્યારે પણ મૅચ રમવા કે પ્રૅક્ટિસ કરવા મેદાન પર ઊતરીએ છીએ ત્યારે તમારા માટે જ એ બધુ કરતા હોઈએ છીએ. તમે અમારા માટે પ્રેરણા છો અને ટીમની જર્સી પહેરીને તમે આવો છો તેમ જ સ્ટેડિયમમાંથી યુએસ…યુએસએની બૂમા પાડો છો ત્યારે એ બધુ જોઈને અમને ખૂબ મૉટિવેશન મળે છે. અમેરિકામાં ફુટબૉલનું કલ્ચર ખૂબ સુધરી રહ્યું છે અને સકારાત્મક રીતે દેશમાં આ રમતનો વિકાસ થઈ રહ્યો છે.’