નેશનલ

અને કેજરીવાલ વિશ્વાસનો પ્રસ્તાવ જીતી ગયા…, કર્યા ભાજપ પર પ્રહાર

નવી દિલ્હીઃ કેજરીવાલ સરકારે દિલ્હી વિધાનસભામાંથી વિશ્વાસ પ્રસ્તાવ જીતી લીધો છે. તેમણે 54 મત મેળવીને બહુમતી હાંસલ કરી છે. ત્યાર બાદ ગૃહની કાર્યવાહી સોમવાર 19 ફેબ્રુઆરી સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. વિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે દારૂ કૌભાંડ પર, દિલ્હીની હૉસ્પિટલો, વોટર બિલ માફી જેવા જુદા જિદા વિષયો પર ચર્ચા કરતા ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમારી ધરપકડ થઈ શકે છે પરંતુ અમારી વિચારસરણીની ધરપકડ થઈ શકે નહીં. હું દિલ્હીમાં વિશ્વાસ પ્રસ્તાવનું સમર્થન કરું છું. 54 અહીં હાજર છે. ત્રણ બીમાર છે, બે જેલમાં છે, બે લગ્નમાં છે અને એક બહાર છે.

મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આજે દિલ્હી વિધાનસભામાં વિશ્વાસના મત પર ચર્ચામાં ભાગ લીધો હતો. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ‘આ ગૃહમાં અમારી બહુમતી છે. અમારા બે વિધાન સભ્ય મારી પાસે આવ્યા અને કહ્યું કે ભાજપના લોકોએ તેમનો સંપર્ક કર્યો છે. અમે આનો પુરાવો કેવી રીતે આપી શકીએ? ક્યારેક તેઓ કોઈ સંબંધીના સ્થળે મળવા આવે છે, તો ક્યારેક પાર્કમાં. EDના સમન્સ પર આમ આદમી પાર્ટીના વડાએ જણાવ્યું હતું કે ભાજપ તેમની ધરપકડ કરવા માંગે છે. તેમણે કહ્યું હતું કે, ‘તમે કેજરીવાલની ધરપકડ કરશો, પરંતુ કેજરીવાલની વિચારસરણીની ધરપકડ કેવી રીતે કરશો? આખો દેશ જોઈ રહ્યો છે. હવે લોકો સવાલ પૂછી રહ્યા છે કે પીએમ મોદી કેજરીવાલને ખતમ કરવા માગે છે કે તેમને કચડી નાખવા માગે છે? આજે વિશ્વમાં ભાજપની સૌથી મોટી ચેલેન્જર આમ આદમી પાર્ટી છે. જો 2024માં ભાજપ હારશે નહીં તો 2029માં આમ આદમી પાર્ટી દેશને ભાજપથી આઝાદ કરશે.

ભાજપના વિધાન સભ્ય અને વિધાનસભામાં વિપક્ષના નેતા રામવીર સિંહ બિધુરીએ સીએમ કેજરીવાલના વિધાનસભ્યોના હોર્સ-ટ્રેડિંગના આરોપો પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, ‘અમે દિલ્હી પોલીસ કમિશનરને આ મામલાની તપાસ કરવા વિનંતી કરી છે અને જો તેમાં સત્યતા હોય તો કડકમાં કડક સજા આપવામાં આવે, પરંતુ અરવિંદ કેજરીવાલ અને મંત્રી આતિશી તેમના આરોપોની તપાસમાં દિલ્હી પોલીસને સહકાર આપી રહ્યા નથી. અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું હતું, ‘તેમણે કહ્યું હતું કે ભાજપનું ભવિષ્ય AAPથી જોખમમાં છે. તેથી જ તે અમારાથી ડરે છે. દિલ્હીમાં AAPએ 70માંથી 67 બેઠકો જીતી હતી અને ભાજપે 3 બેઠકો જીતી હતી. કેન્દ્રમાં સરકાર બન્યા પછી આ લોકોએ અમને ખૂબ હેરાન કર્યા, પરંતુ 2020ની દિલ્હી ચૂંટણીમાં અમને 70માંથી 62 સીટો આવી. તેઓ દિલ્હીની હારને પચાવી શકતા નથી. ભાજપે એક રાજ્યમાં મફત વીજળી આપી બતાવવી જોઈએ. પંજાબ અને દિલ્હીમાં પાવર કટ શૂન્ય થઈ ગયો છે. ગુજરાતમાં 10 શાળાઓને સુધારી બતાવવાનો હું ભાજપને પડકાર ફેંકુ છું.

દિલ્હીના મુખ્ય પ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ‘બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આ લોકોએ કેજરીવાલના કામને રોકવાનો પ્રયાસ કર્યો હતો. હોસ્પિટલોમાં દવાઓ બંધ કરી દેવામાં આવી હતી, પરીક્ષણો બંધ કરવામાં આવ્યા હતા. આ લોકોને પાપ લાગશે. કેજરીવાલ સાથે દુશ્મની છે તો દિલ્હીની જનતા સામે બદલો કેમ લઈ રહ્યા છો? શું તમે દિલ્હીના લોકોને મારવા માંગો છો? મારા રૂમમાં ચા પીરસતા સ્ટાફ પર પણ મારું નિયંત્રણ નથી. IAS અધિકારીઓ અને કર્મચારીઓ રડી રહ્યા છે. એક અધિકારી મારી પાસે આવ્યા અને આંસુ વહાવવા લાગ્યા. તેમણે કહ્યું કે દિલ્હીના મંત્રીઓ દ્વારા અમારા પર તેમનું કામ ન કરવા દબાણ કરવામાં આવી રહ્યું છે. તેઓ નાણાં વિભાગના સચિવને પૈસા નહીં આપવાની ધમકી આપી રહ્યા છે. કોર્ટે ભંડોળ આપવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તેઓએ હજુ સુધી કોર્ટના આદેશનું પાલન કર્યું નથી. ‘દિલ્હી એ તેમના બાપની મિલકત નથી કે તેઓ વિધાનસભાને ખતમ કરી દેશે’

અરવિંદ કેજરીવાલે એમ પણ જણાવ્યું હતું કે તેઓ વોટર બિલ માફીનો પ્રસ્તાવ પાસ કરાવીને જ જંપશે. અમે બહુ નાના લોકો છીએ. અમારી કોઈ હેસિયત નથી. અમારી વિરુદ્ધ મોટા ષડયંત્ર રચવામાં આવી રહ્યા છે. પણ અમે મક્કમ છીએ. કારણ કે કરોડો લોકોની દુવા અમારી સાથે છે અને બદદુવા ભાજપના લોકો સાથે છે. ભાજપે દેશભરમાં ખરીદેલા તમામ વિધાન સભ્યો માટે પૈસા ક્યાંથી આવ્યા? તમે દરોડા પાડવા માટે કોઈના પણ ઘરમાં ઘૂસી શકો છો, પણ તમને એક પણ પૈસો મળ્યો નથી. અમારી સંપત્તિ લોકોના હૃદયમાં છે, જ્યાં તમે તેને શોધી રહ્યા છો ત્યાં નથી. દિલ્હીના સીએમએ કહ્યું કે આમ આદમી પાર્ટી પુણ્યની રાજનીતિ કરે છે, ભાજપ પાપની રાજનીતિ કરે છે. લોકોએ નક્કી કરવાનું છે કે તેઓ શું ઈચ્છે છે. તેમણે ભાજપ પર આરોપ લગાવ્યો કે જો તેઓ 2024ની લોકસભા ચૂંટણી જીતશે તો તે દિલ્હી વિધાનસભાને ખતમ કરી દેશે. આવું કરવા માટે ભાજપને પડકાર ફેંકતા તેમણે કહ્યું કે, ‘અરે, શું દિલ્હી કોઈના બાપની મિલકત છે?

બીજેપી નેતા રામવીર બિધુરીએ જણાવ્યું હતું કે, ‘મનિષ સિસોદિયા અને એક સાંસદને દારૂ નીતિ કૌભાંડ કેસમાં જેલમાં જવું પડ્યું છે. નવી દારૂની નીતિને કારણે દિલ્હી સરકારની તિજોરીને નુકસાન થયું છે. મુખ્ય પ્રધાને ગૃહમાં જવાબ આપવો જોઈએ કે જ્યારે કોઈ ખામી નહોતી તો નવી દારૂની નીતિ કેમ પાછી ખેંચી લેવામાં આવી? દિલ્હી જલ બોર્ડમાં પણ કૌભાંડો થયા છે. આજે પાણી બોર્ડ રૂ.73 હજારની ખોટમાં ચાલી રહ્યું છે. આ કૌભાંડ ત્યારે થયું જ્યારે અરવિંદ કેજરીવાલ દિલ્હી જલ બોર્ડના અધ્યક્ષ હતા. મોહલ્લા ક્લિનિકમાં 65 હજાર ટેસ્ટ નકલી મળી આવ્યા હતા. મહિલાઓની સુરક્ષા માટે બસોમાં પેનિક બટન લગાવવામાં પણ કૌભાંડ થયું હતું. દિલ્હી સરકારે ફીડબેક યુનિટ બનાવીને જાસૂસીનું કામ કર્યું. મુખ્ય પ્રધાન પાસે સારું ઘર હોવું જોઈએ એ માન્યું, પણ. કેજરીવાલનું નવું મકાન બનાવવામાં 53 કરોડનો ખર્ચ થયો હતો. તેનો નકશો કેમ પાસ ન થયો? ન કોઈ રાજા હશે કે ન કોઈ રાણી, આ સંસાર નાશવંત છે અને નાશવંત રહેશે. એકલા બિધુરી (ગૃહમાં હાજર એકમાત્ર બીજેપી વિધાનસભ્ય) આમ આદમી પાર્ટીના 62 વિધાનસભ્યો પર ભારી પડ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button