મનોરંજન

Aamir Khanની ઓન સ્ક્રીનની દીકરી એક્સિડન્ટમાં થયું નિધન

નવી દિલ્હીઃ સતત બીજા દિવસે બોલીવૂડમાંથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ગઈકાલે ડીડીની ઉડાન ફેમ દિગ્ગજ અભિનેત્રી 69 વર્ષીય કવિતા ચૌધરીનું હાર્ટ એટેકને કારણે નિધન થયું હતું અને હવે આજે પ્રસિદ્ધ અને લોકપ્રિય અભિનેત્રી સુહાની ભટનાગર (19)ના નિધનના સમાચાર સામે આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુહાની ભટનાગરે આમિર ખાનની ફિલ્મ દંગલમાં તેની દીકરીની ભૂમિકા નિભાવી હતી. સુહાનીના નિધનના સમાચારથી ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે.
સુહાની ફરિદાબાદ ખાતે રહેતી હતી અને તેના શરીરમાં પાણી ભરાઈ જવાને કારણે તેનું મૃત્યુ થયુ હોવાની માહિતી સામે આવી રહી છે.

મળી રહેલી માહિતી પ્રમાણે થોડાક દિવસ પહેલાં સુહાનીનું એક્સિડન્ટ થયું હતું અને એને કારણે તેનો પગ ફ્રેક્ચર થઈ ગયો હતો. સારવાર માટે તેને આપવામાં આવેલી દવાની આડઅસરને કારણે ધીરે ધીરે તેના શરીરમાં પાણી ભરાવવા લાગ્યું હતું.

સુહાની દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી, પરંતુ સારવાર દરમિયાન એક્ટ્રેસનું નિધન થઈ ગયું હતું. સુહાની ભટનાગર બોલીવૂડની ફેમસ ચાઈલ્ડ આર્ટિસ્ટ હતી. 2016માં આવેલી ફિલ્મ દંગલમાં તેણે એક્ટિંગ કરી હતી અને લોકોએ તેને ખૂબ જ પસંદ પણ કરી હતી. આ ફિલ્મ બાદ સુહાનીને અનેક એડમાં કામ કરવાની તક મળી હતી.

સુહાનીને ફિલ્મની ઓફર પણ આવી હતી, પરંતુ સુહાનીએ એજ્યુકેશનને મહત્ત્વ આપીને બાદમાં બોલીવૂડમાં ડેબ્યુ કરીશ એવું એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું હતું. પરંતુ 19 વર્ષે તેનું નિધન થતાં પરિવાર અને તેના ફેન્સ શોકમાં સરી પડ્યા છે અને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button