ન્યૂયોર્ક સિવિલ ફ્રોડ કેસમાં Trump સામે મોટી કાર્યવાહી, $354 મિલિયનનો દંડ
ન્યૂયોર્ક: સિવિલ ફ્રોડ કેસમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ન્યૂયોર્કની એક કોર્ટે શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પ અને ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન વિરુદ્ધ કાર્યવાહી કરી હતી અને તેમને લગભગ 354 મિલિયન યુએસ ડોલરનો દંડ ભરવાનો આદેશ આપ્યો હતો. આ દરમિયાન કોર્ટે ટ્રમ્પને ત્રણ વર્ષ માટે ન્યૂયોર્કમાં કંપની ડિરેક્ટર તરીકે કામ કરવા પર પણ રોક લગાવી દીધી હતી.
કોર્ટે તેમના બે પુત્રો ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર અને એરિક ટ્રમ્પને 4 મિલિયન યુએસ ડોલરનો દંડ ચૂકવવાનો પણ આદેશ આપ્યો છે. કોર્ટે બંનેને બે વર્ષ માટે ડિરેક્ટર તરીકે કામ કરવા પર રોક લગાવી છે. જાન્યુઆરીમાં સમાપ્ત થયેલી ટ્રાયલમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના બે પુખ્ત પુત્રો તેમની મિલકતોની કિંમતમાં કરોડો ડોલરનો વધારો કરવા માટે જવાબદાર હોવાનું જણાયું હતું. જોકે, ટ્રમ્પ અને તેમના પુત્રોએ કોઈપણ પ્રકારની ગેરરીતિનો ઈન્કાર કર્યો છે. ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ કેસને “મારી સાથે છેતરપિંડી” અને “રાજકીય વૈમનસ્યથી પ્રેરિત” ગણાવ્યો છે.
જજ આર્થર એન્ગોરોનનો નિર્ણય 2023 માં મહિનાઓ સુધી ચાલેલા ટ્રાયલ પછી કેસમાં દલીલો બંધ કર્યાના થોડા અઠવાડિયા પછી આવ્યો હતો. એટર્ની જનરલ ઓફિસે જજને ડોનાલ્ડ ટ્રમ્પ પર 370 મિલિયન યુએસ ડોલરનો દંડ લગાવવાની અપીલ કરી હતી, જે કોર્ટના આદેશ કરતા 16 મિલિયન યુએસ ડોલર ઓછો છે.
ન્યાયાધીશ ભૂતપૂર્વ ચીફ ફાયનાન્સિયલ ઓફિસર એલન વેઈસેલબર્ગને 1 મિલિયન યુએસ ડોલર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. વેસેલબર્ગને ન્યૂયોર્ક બિઝનેસમાંથી ત્રણ વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના બે પુત્રો પર બેંકો તેમજ અન્ય કંપનીઓ સાથે છેતરપિંડી કરીને તેમના રિયલ એસ્ટેટ બિઝનેસને વિસ્તારવાનો આરોપ છે. આરોપ મુજબ, તેઓએ નફા માટે તેમની સંપત્તિમાં ખોટો વધારો દર્શાવ્યો હતો, પરંતુ ટ્રમ્પ અને તેમના પુત્રોએ કોઈપણ ગેરરીતિનો ઈન્કાર કર્યો છે. ટ્રમ્પ તેને રાજકીય છેતરપિંડી ગણાવી રહ્યા છે.