ડૉલર સામે રૂપિયામાં ચાર પૈસાનો સુધારો
મુંબઈ: વૈશ્ર્વિક બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ઘટાડો તેમ જ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાની આગેકૂચ જળવાઈ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાધારણ ચાર પૈસાના સુધારા સાથે ૮૩.૦૧ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે ડૉલર ઈન્ડેક્સમાં સુધારા ઉપરાંત ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી જળવાઈ રહી હોવાથી રૂપિયામાં સુધારો મર્યાદિત રહ્યો હતો. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૦૫ના બંધ સામે ૮૩.૦૩ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૦૩ અને ઉપરમાં ૮૩ની રેન્જમાં અથડાઈને અંતે ચાર પૈસાના સુધારા સાથે ૮૩.૦૧ની સપાટીએ બંધ રહ્યો હતો. આજે ડૉલર સામે રૂપિયામાં જોવા મળેલો સુધારો મુખ્યત્વે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં જોવા મળેલા સુધારાને આભારી હોવાનું બીએનપી પારિબાસનાં વિશ્ર્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વહેલાસર વ્યાજદરમાં કપાતનો આશાવાદ ઓસરવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં ઉછાળો આવ્યા બાદ આજે વધ્યા મથાળેથી સાધારણ નરમાઈ ઉપરાંત ગઈકાલે અમેરિકાના આર્થિક ડેટા અપેક્ષા કરતાં નબળા આવ્યા હતા. જોકે, અમારા મતે આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયો ૮૨.૮૦થી ૮૩.૨૦ની રેન્જમાં રહે તેવી શક્યતા છે. આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૦૭ ટકા વધીને ૧૦૪.૩૬ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હતો, જ્યારે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે એક ટકો ઘટીને બેરલદીઠ ૮૨.૦૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૩૭૬.૨૬ પૉઈન્ટનો અને ૧૨૯.૯૫ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.