ભારતીય સેનાને અત્યાધુનિક બનાવવા ₹ ૮૪,૫૬૦ કરોડનું બજેટ મંજૂર
નવી દિલ્હી: ભારતીય સેનાને વધુ સશક્ત અને સક્ષમ બનાવવા લેવામાં આવેલા મહત્ત્વનાં પગલાં અંતર્ગત સેનાની ત્રણ પાંખ માટે અત્યાધુનિક ઉપકરણો ખરીદવાની તૈયારી ચાલી રહી છે જેમાં નવી ટૅન્કવિરોધી સૂરંગ, હૅવી વૅઈટ ટોર્પિડો, મલ્ટી મિશન મૅરીટાઈમ એરક્રાફ્ટ અને ઍર ડિફેન્સ ટૅક્નિકલ કંટ્રોલ રડારનો સમાવેશ થાય છે. કૅબિનેટ દ્વારા રૂ. ૮૪,૫૬૦ કરોડના બજેટને મંજૂરી આપવામાં આવ્યા બાદ આ કવાયત શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપકરણોની ખરીદી બાદ ભારતીય નૌકાદળ અને ઍર ડિફેન્સ સહિત સંપૂર્ણ સેનાની તાકાતમાં વધારો થશે.
સરકારની આત્મનિર્ભર ભારત ઝુંબેશને ધ્યાનમાં રાખીને ભારતીય વિક્રેતાઓ પાસેથી આ ઉપકરણો ખરીદવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સ્વીકૃત પ્રસ્તાવમાં અત્યાધુનિક સુરક્ષા ઉપકરણો સહિત અલગ અલગ રૅન્જ અને ક્ષમતા ધરાવતા ઉપકરણોનો સમાવેશ થાય છે. યુદ્ધક્ષેત્રથી ખૂબ જ દૂર હોય તેવા લક્ષ્યાંકોને નિશાન બનાવી શકે તેવી યંત્રણા પસંદ કરવામાં આવી છે. દરિયાઈ વિસ્તારમાં વધી રહેલા હુમલાઓને ધ્યાનમાં રાખીને ભારતના નૌકાદળ અને તટરક્ષક દળને મજબૂત બનાવવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે.