નવી દિલ્હી: કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા (Priyanka Gandhi Vadra) સ્વાસ્થ્યના કારણોસર શુક્રવારે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ (Bharat Jodo Nyay Yatra) માં ભાગ લઈ શકશે નહીં. પૂર્વ આયોજિત કાર્યક્રમ મુજબ તેઓ આજે સાંજે ઉત્તર પ્રદેશના ચંદૌલીથી યાત્રામાં સામેલ થવાના હતા. પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને તેમની તબિયત ખરાબ હોવાની અને હોસ્પિટલમાં દાખલ હોવાની માહિતી (Priyanka Gandhi hospitalized) આપી હતી.
પ્રિયંકા ગાંધી લખે છે કે, ‘હું ઉત્તર પ્રદેશ પહોંચવાની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ની આતુરતાથી રાહ જોઈ રહી હતી, પરંતુ બીમારીના કારણે આજે જ મને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. મારી તબિયતમાં થોડો સુધારો થતાં જ હું યાત્રામાં જોડાઈશ. ત્યાં સુધી, હું ચંદૌલી-બનારસ પહોંચનારા તમામ પ્રવાસીઓને, ઉત્તર પ્રદેશના મારા સાથીદારો કે જેઓ પ્રવાસની તૈયારી કરી રહ્યા છે અને મારા વહાલા ભાઈને શુભેચ્છા પાઠવું છું.
વાસ્તવમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં મણિપુરથી મુંબઈ સુધી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ કાઢવામાં આવી રહી છે. આ યાત્રા હાલમાં બિહારમાં છે અને રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે તેમાં ભાગ લીધો છે. આજે જ યાત્રા ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરશે. આ યાત્રા 16 થી 21 ફેબ્રુઆરી સુધી પૂર્વી ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં અને પછી રાયબરેલી, અમેઠીમાં કાઢવામાં આવશે. 22 અને 23 ફેબ્રુઆરીએ પ્રવાસ માટે આરામ રહેશે. આ યાત્રા 24 અને 25 ફેબ્રુઆરીએ પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ફરી શરૂ થશે.
આપને જાણવી દઈએ કે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રા પછી મણિપુરથી મુંબઈ સુધી ભારત જોડો ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી હતી. 6,713 કિલોમીટરથી વધુની યાત્રા બસ અને પગપાળા દ્વારા કવર કરવામાં આવી રહી છે. તે 110 જિલ્લાઓ, લગભગ 100 લોકસભા બેઠકો અને 337 વિધાનસભા મતવિસ્તારોને આવરી લે છે.