વીક એન્ડ

ઝહર દેતા હૈ કોઈ, કોઈ દવા દેતા હૈ, જો ભી મિલતા હૈ મિરા દર્દ બઢા દેતા હૈ.

ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી

તેરી યાદે હૈં, શબ-બેદારિયા હૈ,
હૈ આંખો કો શિકાયત જાનતા હૂં.


મેં રુસ્વા હો ગયા હૂં શહરભર મેં,
મગર કિસકી બદૌલત જાનતા હૂં.


તડપ કર ઔર તડપાએગી મુઝ કો,
શબે-ગમ તેરી ફિતરત જાનતા હૂં.


સહર હોને કો હૈ, ઐસા લગા હૈ,
મેં સૂરજ કી સિયાસત જાનતા હૂં.


દિયા હૈ નક્શ જો ગમ ઝિન્દગીને,
ઉસે મેં અપની દૌલત જાનતા હૂં.
-નકશ લાયલપુરી
ઉર્દૂ શાયર અને ફિલ્મી ગીતકાર શ્રી જશવંતરાય શર્મા ઉર્ફે ‘નકશ’ લાયલપુરીનો જન્મ ૨૪ ફેબ્રુઆરી ૧૯૨૮ના રોજ પાકિસ્તાનના ફૈઝાબાદમાં થયો હતો. અછબડાની બીમારીને લીધે તેમની માતા મૃત્યુ પામ્યાં ત્યારે નકશની ઉંમર માત્ર આઠ વર્ષની હતી. ભારતને આઝાદી મળી તે પછી નકશ પરિવાર સાથે લખનઊમાં વસી ગયા હતા. ફિલ્મોમાં ગીતકાર તરીકેની કારકિર્દી ઘડવા આ શાયર ઈ.સ. ૧૯૫૧માં મુંબઈ ગયા હતા. તેમણે ‘જગ્ગુ’ નામની ફિલ્મ માટે ગીતો લખ્યાં હતાં. આ શાયરજીવને ૧૯૭૦ સુધી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
ત્યાર બાદ આ શાયરને બી.આર. ઈશારાની ચર્ચાસ્પદ ફિલ્મ ‘ચેતના’ માટે ગીત લખવાની ઓફર મળી. મુકેશજીએ ગાયેલું ગીત “મૈં તો હર મોડ પર તુઝ કો દૂંગા સદા ગાયું અને તેઓ સ્થાપિત થયા, વિખ્યાત પણ થયા.

ઘમંડ, તેરી તલાશ મેં, પુરાની પેહચાન, ઈન્સાફ કા મંદિર, કોલગર્લ, પરછાઈયાં જેવી નાના બજેટની ફિલ્મો માટે તેમણે ગીતો લખ્યાં હતાં. પણ ‘દર્દ’ અને ‘હીના’ માટે લખાયેલાં ગીતો વિશેષ મશહૂર થયાં હતાં. છેલ્લે તેમણે અકબર ખાનની ભવ્ય ફિલ્મ ‘તાજમહલ’ માટે ગીતોનું સર્જન કર્યું હતું. આ શાયરે ગીતસર્જનમાં ક્યારેય સમાધાન કર્યું નહોતું તેમ હલકા પ્રકારના, જોડકણાં જેવાં ગીતો ન લખવાની પ્રતિજ્ઞા તેમણે મરણાંત નિભાવી હતી.

૨૦૧૬ની સાલના માર્ચ માસમાં થાપાના હાડકાનું ફ્રેકચર થતા તેઓ પથારીવશ થયા હતા. ૨૨ જાન્યુઆરી ૨૦૧૭ના રોજ અંધેરી ખાતેના નિવાસસ્થાને તેમનું અવસાન થયું હતું. ઓશિવરાના સ્મશાનગૃહમાં તેમની અંતિમવિધિ કરાઈ હતી. આ શાયરનો ગઝલસંગ્રહ પ્રકાશિત થયો હોય તેવું ધ્યાનમાં આવ્યું નથી. તેમની ગઝલોમાં પ્રેમીની વ્યથા-કથાનું સરળ ભાષામાં નિરૂપણ થયું છે. તેમની શૈલી સૌમ્ય છે. તો તેમના શે’રમાંથી પસાર થતા ભાવકોના મોંમાંથી ‘આહ’ અને ‘વાહ’ના ઉદ્ગારો સરી પડે છે. તેમની કેટલીક ચુનંદા ગઝલોનો હવે … રસાસ્વાદ કરીએ.
વો આયેગા દિલ સે દુઆ તો કરો,
નમાઝે-મોહબ્બત અદા તો કરો.

તમે હૃદયથી પ્રાર્થના કરશો તો તેમનું ચોક્કસ આગમન થશે. પણ પ્રથમ તમે પ્રેમની નમાજ (બંદગી)ને પૂર્ણ તો કરો.
મીલેગા કોઈ બન કે ઉનવાન ભી,
કહાની કી તુમ ઈિ–તદા તો કરો.
તમે વાર્તાની શરૂઆત કરશો તો તમને તે વાર્તાના શીર્ષક રૂપે કોઈ અવશ્ય મળી જશે.
સમઝને લગોગે નઝર કી ઝબાન,
મોહબ્બત સે દિલ આશના તો કરો.

હૃદયપૂર્વક પ્રેમથી પરિચય કેળવશો તો પછી તમે નજરની ભાષાને ય સમજવા લાગશો.
તુમ્હે માર ડાલેગી તન્હાઈયાં,
હમે અપને દિલ સે જુદા તો કરો.
તમારા હૃદયથી અમને અલગ કરવાનું પગલું ભરશો નહીં. નહીં તો તમને તમારી એકલતા જીવવા નહીં દે, મારી નાખશે.
તુમ્હારે કરમ સે હૈ યે ઝિન્દગી,
મૈં બુઝ જાઉંગા, તુમ હવા તો કરો.

તમારી કૃપાથી મારા જીવનનો દીપક ઝગમગી રહ્યો છે. તમે જો હવા નાખશો તો હું બુઝાઈ જઈશ.
હઝારો મનાઝિર નિગાહોં મેં હૈ,
રૂકોગે કહાં? ફૈસલા તો કરો.

નજર સામે હજારો (લોભામણાં-છેતરામણાં) દૃશ્યો છે. તમે કઈ જગ્યાએ વિશ્રામ કરશો તે અંગે નિર્ણય કરી લ્યો.
૬ શે’રની ‘દેતા હૈ’ રદીફ પરની ગઝલમાં ભાવ અને ભાષાની સમતુલા આસ્વાદ્ય છે તે જુઓ:
ઝહર દેતા હૈ કોઈ, કોઈ દવા દેતા હૈ,
જો ભી મિલતા હૈ મિરા દર્દ બઢા દેતા હૈ.

કોઈ ઝેર આપે છે તો કોઈ દવા આપે છે. મને જે કોઈ પણ મળે છે તે મારી વેદનામાં વધારો કરી દે છે.
કિસી હમદમ કા સર-એ-શામ ખયાલ
આ જાના,
નિંદ જલતી હુઈ આંખો કી ઉડા દેતા હૈ,
કોઈ હમદમનો સમીસાંજે વિચાર આવે છે તો બળતરાથી સભર આંખોની ઊંઘ ઊડી જતી હોય છે.
પ્યાસ ઈતની હૈ મેરી રૂહ કી ગહરાઈ મેં,
અશ્ક ગિરતા હૈ તો દામન કો જલા દેતા હૈ.
મારા આત્માના ઊંડાણમાં એટલી તરસ છે કે મારા આંસુઓ નીકળે છે તો તે પાલવને બાળી નાખે છે.
કિસને માઝી કે દરીચોં સે પુકારા હૈ મુઝે,
કૌન ભૂલી હુઈ રાહોં સે સદા દેતા હૈ.

ભૂતકાળના ઝરૂખેથી મને કોણ સાદ પાડે છે. વિસરાઈ ગયેલા માર્ગો પરથી મને કોણ સાદ પાડી રહ્યું છે.
વક્ત હી દર્દ કે કાંટોં પે સુલા દે દિલ કો,
વક્ત હી દર્દ કા એહસાસ મિટા દેતા હૈ.

સમય જ હૃદયને દુ:ખના કંટકો પર સુવાડી દેતા હોય છે અને વેદનાની અનુભૂતિઓને ભૂંસવાનું કામ પણ સમય જ કરે છે.
‘નકશ’ રોને સે તસલ્લી કભી હો જાતી થી,
અબ તબસ્સુમ મિરે હોઠો કો જલા દેતા હૈ.

આ શાયરને રડી લેવાથી ક્યારેક શાતાનો અનુભવ થતો હતો, પરંતુ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે કોઈનું સ્મિત શાયરના હોઠોને બાળી નાખવાનું કામ કરી રહ્યું છે.
આ શાયરની એક જાણીતી ગઝલનો હવે લ્હાવો લઈએ.

તમામ ઉમ્ર ચલા હૂં, મગર ચલા ન ગયા,
તિરી ગલી કી તરફ કોઈ રાસ્તા ન ગયા.
મેં આખી જિંદગી ચાલ્યા કર્યું, પરંતુ આવી રીતે ચાલવાનો કોઈ અર્થ સર્યો નહીં કેમ કે તારી ગલી તરફ જવાનો માર્ગ મને મળ્યો નહીં.
તિરે ખયાલને પેહના શફક કા પૈરાહન,
મિરી નિગાહ સે રંગો કા સિલસિલા ન ગયા.

તારી કલ્પનાએ લાલિમાનું પ્હેરણ પ્હેરી લીધું તો મારી નજરોમાંથી રંગોની પરંપરા પણ ક્યાંય જઈ શકી નહીં.
બડા અજીબ હૈ અફસાના-એ-મોહબ્બત ભી,
ઝબાં સે ક્યા? યે નિગાહોં સે ભી કહા ન ગયા.

આ પ્રેમની દાસ્તાનો વિચિત્ર હોય છે. આ દાસ્તાનોનું અમે જીભથી તો શું પરંતુ અમારી નજરો વડે પણ વર્ણન કરી શક્યા નહીં.
ઊભર રહે હૈ ફઝાઓ મેં સુબ્હ કા આસાર,
યે ઔર બાત મિરે દિલ કા ડુબના ન ગયા.

વાતાવરણમાં સવારનો અણસાર જામી રહ્યો છે, પરંતુ મારું હૃદય તેમાં ખૂંપી શક્યું નહીં તે વાત સાવ જુદી છે.
કિસી કે હિજ્ર સે આગે બઢી ન ઉમ્ર મેરી,
વો બાત બીત ગઈ ‘નકશ’ રાત જગા ન ગયા.

કોઈના વિયોગથી મારી વય આગળ વધી શકી નહીં. આ ઘટના તો વીતી ગઈ. પણ ‘નકશ’ આખી રાત જાગી શક્યા નહીં.
‘નકશ’ સાહેબની ‘આંખે’ રદીફ પરની મુસલસલ (ભાવસાતત્વપૂર્ણ) ગઝલ દિલના તાર ઝણઝણાવી નાખે તે કક્ષાની છે.
તુઝ કો સોચા તો ખો ગઈ આંખે,
દિલ કા આઈના હો ગઈ આંખે.

તારા વિચારમાં મારી આંખો ક્યાંય ખોવાઈ ગઈ. એટલું જ નહીં પણ મારી આંખો હૃદયનું દર્પણ બની ગઈ.
ખત કા પઢના ભી હો ગયા મુશ્કિલ,
સારા કાગઝ ભીગો ગઈ આંખે
તેમનો પત્ર વાંચવામાં યે મુશ્કેલી ઊભી થઈ ગઈ. આખોએ આખો પત્ર ભીજવી નાખ્યો. હવે તેને કેવી રીતે વાંચી શકાય!
કિતના ગહરા હૈ ઈશ્ક કા દરિયા,
ઈસ કી તહ મેં ડૂબો ગઈ આંખે.

પ્રેમનો દરિયો એટલો ઊંડો છે કે છેક તેના તળિયે આંખોએ જળસમાધિ લઈ લીધી.
કોઈ જુગ્નૂ નહીં તસવ્વુર કા,
કિતની વીરાન હો ગઈ આંખે.

કલ્પનાના આગિયાની ગેરહાજરીને લીધે હવે આ આંખો કેવી વેરાન-નિર્જન લાગે છે!
દો દિલો કો નઝર કે ધાગે સે,
ઈક લડી મેં પીરો ગઈ આંખે.

નજરના દોરાથી મોતીઓની માળામાં (પ્રેમી-પ્રેમિકાને) પરોવવાનું કામ પણ આંખોએ કરી આપ્યું.
‘નકશ’ આબાદ ક્યા હુવે સપને,
ઔર બરબાદ હો ગઈ આંખે.

શાયરને સ્વપ્નો તો આવ્યાં, પણ આંખો બરબાદ થઈ ગઈ હોય તેવો તેમને અનુભવ થયો.
‘જાનતા હૂં’ રદીફ ધરાવતી તેમની ગઝલની પ્રવાહિતા આકર્ષક છે તેના કેટલાક શે’ર મમળાવીએ
મૈં દુનિયા કી હકીકત જાનતા હૂં,
કિસે મિલતી હૈ શોહરત જાનતા હૂં.
હું દુનિયાની વાસ્તવિકતાઓથી વાકેફ છું. કોને, કેવી શોહરત મળે છે તેની મને ખબર છે.

*

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button