ફિનિક્સ પંખીની જેમ પુસ્તકો પુન: પાંખ પ્રસારે છે
રાજકારણના શહેરમાં પણ સાહિત્યકરણનો સફળ રહ્યો નુસખો
કવર સ્ટોરી -મુકેશ પંડ્યા
શહેરીજનો વિપુલ પ્રમાણમાં ડિજિટલ મીડિયાનો ઉપભોગ કરીને નેટિઝનો તરીકે ઓળખાવા લાગ્યા હતા જો કે તેઓ વળી પાછાં પુસ્તકોની દુનિયામાં વિહરવા લાગ્યા છે તે આનંદની વાત છે.
દિલ્હીમાં યોજાયેલ વિશ્ર્વભાષી પુસ્તક મેળો હોય કે પછી મુંબઈનાં ઉપનગરોમાં યોજાયેલ લોકપ્રિય અખબાર ‘મુંબઈ સમાચાર’ દ્વારા આયોજિત ગુજરાતીભાષી પુસ્તકમેળો હોય, બેઉને મળેલો અપ્રતિમ પ્રતિસાદ આ વાતની ટાપસી પૂરે છે.
મુંબઈ સમાચારે ૨૬ મી જાન્યુઆરી થી લઈ ૧૧ ફેબ્રુઆરી સુધીમાં ત્રણ પુસ્તક મેળાનું અનુકમે કાંદિવલી, પારલે અને ઘાટકોપરમાં આયોજન કરી તમામ સ્થાનિક ગુજરાતી પુસ્તકપ્રેમી અને સાહિત્ય રસિકોને ઘેરબેઠા જાણે જ્ઞાનગંગા પહોંચાડી. ગુજરાતી ભાઈબહેનોએ આ વહેતી ગંગાનું આચમન કરી બહોળો પ્રતિસાદ પણ આપ્યો. લાખો રૂપિયાનાં પુસ્તકો વેચાયાં. અનેક જાણીતા અજાણ્યા લેખકોનાં પુસ્તકોના વિમોચનો પણ શહેરની અગ્રણી હસ્તીઓ દ્વારા થયા. હજુ વધુ સ્થળોએ આવા પુસ્તકમેળાઓ યોજવાની ઓફર આવી રહી છે, આ પુસ્તકમેળાઓ મુંબઈ સમાચારના તંત્રી નીલેશ દવે અને અસંખ્ય વાચકો વચ્ચે ગોષ્ટિ કરવાનું માધ્યમ પણ બની ગયા. અનેક ચર્ચા વિચારણા અને સલાહ સૂચનો પણ થયાં. તંત્રી શ્રી નીલેશભાઈએ જણાવ્યું કે ગુજરાતી સાહિત્યની સેવા અને પ્રગતિ માટે મુંબઈ સમાચાર સાહિત્યોત્સવ સમિતિની પણ રચના કરવામાં આવી છે. શહેરના નામાંકિત સાહિત્યકારો, લેખકો, નાટ્યકારો અને પત્રકારો પણ આ સમિતિમાં સહર્ષ જોડાયા. આ સમિતિ વર્ષભર અનેક સાહિત્ય અને જ્ઞાનલક્ષી કાર્યકમો,
શહેરમાં અને પૂરા દેશમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં કરતી રહેશે.
પુસ્તકનું વાંચન ડિજિટલ વાંચન કરતા શ્રેષ્ઠ કેમ છે?
સ્માર્ટફોન પર ડિજિટલ ઉપરછલ્લા ટૂંકા સંદેશ (એસ.એમ.એસ.) વાંચી વાંચીને કંટાળી ગયેલી આપણી આંખોને ઠરીઠામ કરવી હોય તો ઊંડુ જ્ઞાન કે માહિતી પીરસતા કોઇ પુસ્તકમાં ખોવાઇ જજો. આ પુસ્તકો ફ્રેન્ડ, ફિલોસોફર ઍન્ડ ગાઇડની ગરજ સારે એવા હોય છે.આ ઉપરાંત પુસ્તકો સ્માર્ટફોનની સરખામણીમાં તન-મનને સ્વસ્થ રાખે છે. કેવી રીતે તે આપણે ટૂંકમાં જોઇએ.
એકાગ્રતા વધે છે
મનની એકાગ્રતા અને શાંતિ વધારવી હોય તો પુસ્તકો ખૂબ કામ આવે છે. તમે સ્માર્ટ ફોન વાપરતા હશો ત્યારે અનુભવ્યું હશે કે એક વિષય વાંચતા હશો ત્યાં અનેક પળોજણો આવતી રહેતી હોય છે. કોઇનો ફોન કવેળા ટપકી પડે. વૉટ્સઍપ, એસ,એમ.એસ., ઇન્સ્ટાગ્રામ, ફેસબુક કે યુટ્યૂબ વારંવાર આવતી માહિતી તમારા દિમાગને ડિસ્ટર્બ કરે. કોઇ રસપ્રદ માહિતી વાંચતા વાંચતા તમારા મગજને મને ખલેલ પડે. એ માહિતી વાંચવાનું પડતું મૂકીને આપણે ઉપરોક્ત કે બીજી અનેક ઍપ ખોલીને વાંચવા મજબૂર બનીએ. અનેક જાહેરાતો કે ઑફર જોઇને તમારું દિમાગ ચકરાવે ચઢી જાય. સ્માર્ટ ફોનમાં તમારું મન એક જગ્યાએ સ્થિર ન થતાં અનેક સ્થળે ભટકતું રહે. ભટકતા મન સાથે થયેલું વાંચન ન પૂરું સમજી શકાય કે ન પૂરું આત્મસાત કરી શકાય. આમ સ્માર્ટ ફોન તમને એકમાંથી અનેક તરફ લઇ જાય છે. બીજી બાજુ પુસ્તકોમાં તમે એક જ વિષયમાં ખોવાઇ જઇ તેના વિશે પૂરતી માહિતી કે જ્ઞાન લઇ શકો છો. મનની એકાગ્રતા વધે છે. સમજણશક્તિ અને યાદશક્તિમાં વધારો થાય છે.
આંખોને નુકસાન
ડિજિટલ ઉપકરણો સતત પ્રકાશ છોડે છે જે અમર્યાદ રીતે આપણી આંખોમાં ઘૂસતો રહેતો હોય છે. રાતના અંધારામાં પણ આ ઉપકરણોનું લખાણ વાંચી શકાતું હોવાથી આપણને સમયનું ભાન રહેતું નથી અને આપણી આંખોને જાણ્યે અજાણયે નુકસાન થતું રહે છે. આંખમાંથી પાણી આવવું, સોજો આવવો, આંખ લાલ થવી, આંખો દુખવી કે માથામાં દુખાવો થવો એવી અનેક સમસ્યાઓ નડતી રહે છે. બીજી બાજુ પુસ્તકો તમને પૂરતો સૂર્યપ્રકાશ કે અન્ય લાઇટ દ્વારા મળે ત્યાં સુધી તમે વાંચો છો. તેનાથી સીધો પ્રકાશ આંખમાં પ્રવેશતો નથી. એટલે પ્રમાણમાં ખૂબ ઓછી મુશ્કેલીઓ સતાવે છે.
શરીરચક્ર બદલાઇ જાય છે
ડિજિટલ ઉપકરણોમાંથી નીકળતો ભૂરા રંગનો પ્રકાશ આપણા મગજમાં રહેલા મેલાટોનિન નામના અંત:સ્રાવના ઉત્પાદન પર પણ માઠી અસર કરે છે. આ અંત:સ્રાવ સારી ઊંઘ મેળવવા માટે ખૂબ અગત્યનો છે. આ અંત:સ્રાવના ઉત્પાદન પર અસર થાય તો વ્યક્તિની નિંદરમાં ખલેલ પડે છે. અનિદ્રાની બીમારી પણ સતાવી શકે છે. બીજી બાજુ પુસ્તક વાંચવાથી ધીરે ધીરે મન કોઇ પણ ખલેલ વિના એકાગ્ર થતું જાય છે. શાંત અને સ્થિર થતું જાય છે. સારી ઊંઘ પણ આવી જાય છે.
દિલ્હીમાં પૂરુ એક સપ્તાહ સમાચારમાં રહ્યા પુસ્તકો
રાજકારણના આટાપાટા, કૂટનીતિક દાવપેચ અને રાષ્ટ્રીયથી માંડીને આંતરરાષ્ટ્રીય ઘટનાઓ વચ્ચે ઝોલા ખાતી રહેતી દેશની રાજધાની દિલ્હીમાં ૧૦ ફેબ્રુઆરીથી ૧૮ ફેબ્રુઆરી સુધી પુસ્તકો ગાજતા કહેવાના છે. વર્ષ ૨૦૨૪ના એકાવનમાં નવી દિલ્હી વિશ્ર્વ પુસ્તકમેળાએ એક એવા સમયે ફરીથી પુસ્તકો વિશે વિચારવા મજબૂર કરી દીધા છે જ્યારે લોકો એવું જ માની રહ્યા હતા કે હવે પુસ્તકો કોઇ વાંચતુ નથી. જોકે, પહેલે જ દિવસે હજારો પુસ્તકો વેચાયા અને જથ્થાબંધ વેપાર પણ થયો એનાથી એ તો સાફ થાય છે કે પુસ્તકો હજુ એટલા પણ અર્થહીન નથી થયા, જેટલા માની લેવામાં આવ્યા છે. પ્રગતિ મેદાનમાં યોજાયેલા આ પુસ્તકમેળામાં ૨૦૦૦થી પણ વધુ સ્ટોલ્સ લાગ્યા હતા. અનેક ભારતીયભાષી તેમ જ વિદેશીભાષીઓ પણ લગભગ ૪૫,૦૦૦ સ્ક્વેરફીટમાં ફેલાયેલા આ પુસ્તકમેળામાં એકઠા થયા હતા. બહુભાષીય ભારતનું એક એેવું જીવંત દૃશ્ય નિર્માણ થયું હતું જે પુસ્તકો સિવાય ક્યાંય સંભવ નથી.
રાજધાની દિલ્હી દુનિયાના એવા શહેરોમાંનું એક છે જ્યાં પૂરા વર્ષમાં દુનિયાભરના ૧૦,૦૦૦થી વધુ શક્તિશાળી અને પ્રતિભાશાળી લોકો કોઇને કોઇ કારણસર આવતા રહેતા હોય છે. આવા માહોલમાં આમપ્રજાથી લઇને ખાસ લોકો પણ ચોરેને ચૌટે ૧૦ દિવસ સુધી પુસ્તકોને કેન્દ્રમાં રાખી ચર્ચા કરે એનાથી એ સિદ્ધ થાય છે કે પુસ્તકો આજે પણ વિચારો અને સભ્યતાના સૌથી જીવંત પ્રતીક છે.
પાછલા એક દાયકાથી સાહિત્ય સંમેલનોની એક પરંપરા નીકળી પડી છે. ક્ધયાકુમારીથી લઇ કોલકાતા સુધી વિવિધ ભાષાઓમાં પાંચસોથી વધુ મહત્ત્વના સંમેલનોનું આયોજન થાય છે, પરંતુ કોઇ પણ સંમેલનોમાં ૧૦૦થી વધુ મહત્ત્વપૂર્ણ લેખકો એક સાથે ભેગા થતાં નથી. બીજી બાજુ દિલ્હીના પુસ્તકમેળામાં દર વર્ષે પાંચસોથી વધુ વિવિધ ભાષાના લેખકો એકઠા થાય છે.
દિલ્હીમાં પુસ્તક પ્રકાશનનો વ્યવસાય પણ ખૂબ ફૂલ્યોફાલ્યો છે. શહેરમાં અંગ્રેજી માતૃભાષા ધરાવતા બે ટકાથી વધુ લોકો નથી, છતાં દુનિયામાં પ્રકાશિત થતા અંગ્રેજી પુસ્તકોના પાંચ ટકા જેટલા પુસ્તકો માત્ર દિલ્હીમાં છપાય છે. પુસ્તક વાંચનને પ્રોત્સાહન મળે એ માટે તેની પ્રવેશ ફી પણ નજીવી – માત્ર ૧૦થી ૨૦ રૂપિયા જેટલી રખાય છે. વળી વિદ્યાર્થીઓ કે અન્ય કેટલાક વર્ગો માટે નિ:શુલ્ક પ્રવેશની પણ સુવિધા અપાય છે. -નરેન્દ્ર શર્મા