વાઇબ્રન્ટ ગુજરાતમાં ૨૦૦૩ થી ૨૦૧૯ સુધીમાં ૧,૦૪,૮૭૨ પ્રોજેક્ટ પૈકી ૭૨,૦૧૮ પૂર્ણ થયા
(અમારા પ્રતિનિધિ તરફથી)
ગાંધીનગર: ગુજરાતે દસમી ગ્લોબલ સમિટના આયોજનથી વિશ્ર્વના દેશોમાં આગવું સ્થાન બનાવ્યું છે અને ૨૦૦૩થી ૨૦૧૯ સુધીના નોંધાયેલ કુલ ૧,૦૪,૮૭૨ પ્રોજેક્ટ પૈકી ૭૨,૦૧૮ પૂર્ણ થયા, ૨૩૩૨ અમલીકરણ હેઠળ છે. આમ સફળતાનો આંક ૭૦.૯૦ ટકા જેટલો છે એવું રાજ્યના ઉદ્યોગ પ્રધાન બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
ગુજરાત વિધાનસભા ગૃહમાં વર્ષ ૨૦૨૪-૨૫ના ઉદ્યોગ વિભાગની રૂ.૯૨૨૮ કરોડની માગણીઓ રજૂ કરતાં ઉદ્યોગ પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતે ઔદ્યોગિક ઉત્પાદન, રોજગારી અને નિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી છે. દેશના ઉત્પાદનમાં ૧૮ ટકાથી વધુનો હિસ્સો ગુજરાત
ધરાવે છે.
૨૦૧૬-૧૭થી સતત ચોથી વખત ગુજરાત આ બાબતે ભારતમાં પ્રથમ છે. ૨૦૨૧માં રાજ્યની રોજગાર કચેરીઓ દ્વારા ૮૪.૫ ટકા પ્લેસમેન્ટ આપ્યું છે. વર્ષ ૨૦૨૨-૨૩માં ગુજરાતે ૨૨ લાખ કરોડ રૂપિયાની નિકાસ કરી, જે દેશની કુલ નિકાસના ૩૩ ટકા જેટલી છે.
તેમણે જણાવ્યું હતું કે, વિશ્ર્વની ૫૦૦ ફોર્ચ્યુન કંપનીઓ પૈકી ૧૦૦થી વધુ કંપનીઓ ગુજરાતમાં કાર્યરત છે. ગુજરાત સમગ્ર દેશમાં જીડીપી ક્ષેત્રે ૮.૨ ટકાનો હિસ્સો આપે છે. દેશની ૧૧ ટકાથી વધુ ફેક્ટરીઓ ગુજરાતમાં છે.
ગુજરાત એ ભારતનું ગ્રોથ એન્જિન અને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે સ્થાપિત થયું છે. છેલ્લા ૨૦ વર્ષોમાં ૫૫ મિલિયન યુએસ ડૉલરથી વધુ એફ.ડી.આઈ આવ્યું.
છેલ્લા ૨૦ વર્ષોમાં થયેલા આર્થિક વિકાસના કારણે ગુજરાતના પ્રતિ વ્યક્તિ વાર્ષિક આવક રૂ. ૧૮૩૯૨થી વધીને રૂ. ૨,૭૩,૫૫૮ થઈ છે.
ઉદ્યોગ પ્રધાને ગુજરાતમાં ચાલતા મોટા પ્રોજેક્ટ વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, આ વર્ષે એપ્રિલ-૨૦૨૩ સુધીમાં મોટા પ્રોજેક્ટ સ્થાપવામાં સમગ્ર દેશમાં ગુજરાત બીજા ક્રમે છે. ૬૨ પ્રોજેક્ટમાં કુલ ૩૧,૨૭૯ કરોડના સૂચિત મૂડીરોકાણ થયા છે. આ માટે આગામી વર્ષ માટે ચાલુ બાબત તરીકે ૮૦૦ કરોડ તથા નવી બાબત તરીકે ૩૪૫ કરોડ જોગવાઈ કરી છે.