સુરતમાં ભારત બંધના સમર્થનમાં દેખાવો કરતાં ખેડૂત આગેવાનોની અટકાયત
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરતના ખેડૂત આગેવાનો દ્વારા ભારત બંધને સમર્થન આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા આપવામાં આવેલા ભારત બંધના એલાને સુરત જિલ્લાના ખેડૂત અગ્રણીઓ દ્વારા ટેકો જાહેર કર્યો હતો. બાદમાં શુક્રવારે ઓલપાડના દેલાડ પાટિયા પાસે દેખાવો યોજવામાં આવ્યા હતાં. જે દરમિયાન ખેડૂત આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં પડતર માગણીઓના વિરોધમાં રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. વિવિધ મુદ્દાઓ અને એમએસપી કાયદાને લઈ દેશમાં ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. અગાઉ સરકાર સાથે થયેલી વાટાઘાટ બાદ હજી સમસ્યાનું કોઈ સમાધાન નહિ આવતા ખેડૂતો ફરી રસ્તા પર ઊતર્યા છે.જ્યાં ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનતા શુક્રવારે રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનો અને સંયુક્ત કિસાન મોરચા દ્વારા ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ઔદ્યોગિક એકમો અને ગ્રામીણ વિસ્તારમાં આંદોલનને સફળ બનાવવા દક્ષિણ ગુજરાતના ખેડૂત અગ્રણીઓ દ્વારા બંધના એલાનને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પ્રતીક ધરણા સહિત દેખાવો યોજવામાં આવ્યા હતા. જેથી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. દેશવ્યાપી બંધના એલાનને ટેકો આપવા અને આંદોલન કરી રહેલા ખેડૂતોનું મનોબળ વધાવવા દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા દેલાડ પાટિયા ખાતે આજે ૧૦૦થી વધુ લોકો જોડાવાની ધરણાં કરતાં ખેડૂતો અને દર્શન નાયક સહિતનાની અટકાયત કરવામાં આવી હતી.