મરાઠા સમુદાય પરનો Survey Report સબમિટઃ જરાંગેની ભૂખ-હડતાળ મુદ્દે શિંદેએ કરી આ અપીલ
મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્ય પછાત વર્ગ આયોગે આજે મરાઠા સમુદાયના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણા પરના તેના સર્વેક્ષણ પર એક અહેવાલ સુપરત કર્યો હતો. આ રિપોર્ટ સરકારને જરૂરી ડેટાના સમર્થન સાથે મરાઠા સમુદાય માટે આરક્ષણ સુનિશ્ચિત કરતો કાયદો લાવવામાં મદદ કરશે, એમ મુખ્ય પ્રધાન કાર્યાલય (સીએમઓ)એ જણાવ્યું હતું.
કમિશનના અધ્યક્ષ જસ્ટિસ (નિવૃત્ત) સુનિલ શુક્રેએ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં સીએમ શિંદેને સુપરત કર્યો હતો અને સીએમ શિંદેને ટાંકીને જણાવ્યું હતું કે રાજ્ય કેબિનેટની બેઠકમાં તારણો પર ચર્ચા કરવામાં આવશે. સરકારે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં ક્વોટા માટેની સમુદાયની માંગણીઓ પર ચર્ચા કરવા માટે ૨૦મી ફેબ્રુઆરીએ વિશેષ સત્રની પણ જાહેરાત કરી છે.
શિંદેએ ભારપૂર્વક જણાવ્યું છે કે અન્ય સમુદાયોના હાલના ક્વોટાને ખલેલ પહોંચાડ્યા વિના મરાઠાઓને અનામત આપવામાં આવશે. તેમણે જરાંગેને તેમના ઉપવાસ સમાપ્ત કરવા વિનંતી કરીને ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સમુદાયને અનામત આપવા અંગે હકારાત્મક છે. મરાઠા આરક્ષણને લઈને કાર્યકર્તા જરાંગે ૧૦ ફેબ્રુઆરીથી જાલના જિલ્લામાં તેમના વતન પર અનિશ્ચિત ઉપવાસ પર છે.
સુપ્રીમ કોર્ટે 2021માં મહારાષ્ટ્રમાં કૉલેજ પ્રવેશ અને નોકરીઓમાં મરાઠાઓ માટેના આરક્ષણને એમ કહીને ફગાવી દીધું હતું કે, એકંદર અનામત પર 50 ટકાની ટોચમર્યાદાના ભંગને ન્યાયી ઠેરવવા માટે કોઈ અપવાદરૂપ સંજોગો નથી.
રાજ્યએ સમીક્ષા અરજી દાખલ કરી હતી, જેને પણ નકારી કાઢવામાં આવી હતી. ત્યાર બાદ સરકારે ક્યુરેટિવ પિટિશન દાખલ કરી હતી. સમુદાય માટેના ક્વોટાના સંબંધમાં દાખલ કરેલી ક્યુરેટિવ પિટિશનને સમર્થન આપવા માટે સરકારે મરાઠાઓની પછાતતા પર સર્વેક્ષણ હાથ ધર્યું હતું.
દરમિયાન, કેટલાક મરાઠા સંગઠનોના સભ્યોએ જરાંગે સાથે એકતા દર્શાવવા શુક્રવારે પુણે નજીક પુણે-સોલાપુર હાઈવે તેમજ પિંપરી ચિંચવડ વિસ્તારમાં કિવલે રોડ પાસે ૪૫ મિનિટ માટે રસ્તા રોકો આંદોલન કર્યું હતું.