બાઇક નહીં, કાર નહીં, આખે આખી બસની ચોરી! અમદાવાદમાંથી ST બસની ચોરી કરનારને પોલીસે બે કલાકમાં જ ઝડપી લીધો
અમદાવાદ: વાહનો ચોરીમાં સામાન્ય રીતે આપણે બાઇક ચોરી થયાના સમાચારો સાંભળતા હોઈએ છીએ અને વધુમાં વધુ તો કદાચ કાર ચોરીના બનાવો સામે આવતા હોય છે. પરંતુ જો જાણવા મળે કે કોઈ આખે-આખી બસ જ ચોરી ગયું તો કેવું લાગે? અને એ પણ સરકારી બસ! આવું જ કઈક અમદાવાદ ખાતે થયું હતું કે જ્યાં એક ગુજરાત એસટી બસ ચોરી થયાની ફરિયાદ નોંઘાઈ હતી.
કૃષ્ણનગર ડેપો મેનેજરે અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં 14મી ફેબ્રુઆરીની રાત્રે કૃષ્ણનગર એસટી ડેપોમાંથી અમરેલી કૃષ્ણનગર રૂટ પરની એસટી બસની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે જુદી જુદી ટીમો બનાવી એસટી બસની શોધખોળ ચાલુ કરી હતી. બાતમીના આધારે પોલીસે ગાંધીનગર જિલ્લાના દહેગામ નજીકના ગામમાંથી એસટી બસને ટ્રેસ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે બે કલાકમાં જ એસટી બસ શોધી કાઢી હતી અને બસની ચોરી કરનાર આરોપીની ધરપકડ કરી હતી. જોકે, એસટી બસની ચોરી કરવા પાછળનું કારણ સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
એસટી બસની ચોરી કરનાર તુષાર ભટ્ટ અગાઉ એએમટીએસ અને એસટી બસમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હોવાનું પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે. જો કે, તુષાર ભટ્ટની માનસિક બિમારીના કારણે તે અવારનવાર ફરજ પર ગેરહાજર રહેતો હતો. જેના કારણે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. બદલાની ભાવનાને ધ્યાનમાં રાખીને તેને આખે આખી એસટી બસ જ ગાયબ કરી દીધી.
પોલીસની તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આરોપી તુષાર ભટ્ટ રાત્રે એસટી બસ લઈને તેના ગામમાં પાર્ક કરી ગયો હતો. થોડા દિવસો પછી, ચોરાયેલી બસને કોઈ જગ્યાએ છોડી દેવાની હતી. તુષાર ભટ્ટ અગાઉ ડ્રાઇવર તરીકે કામ કરતો હોવાથી એસટી બસમાં GPS હોવાની જાણ થતાં તેણે એસટી બસમાં લગાવેલ GPS કાઢી નાખ્યું હતું. જેથી પોલીસ તેના સુધી પહોંચી ન શકે. હાલ પોલીસે એસટી બસની ચોરી કરનાર તુષાર ભટ્ટની ધરપકડ કરી છે.