આમચી મુંબઈમહારાષ્ટ્ર

ચંદ્રપુર જિલ્લામાં મહિલાઓએ કંપની સામે કર્યું આગવી રીતે વિરોધ પ્રદર્શન…


મુંબઈ: પાટનગરની સરહદ પર ખેડૂતોનું પ્રદર્શન સાથે અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, પરંતુ મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં મહિલાઓએ આગવી રીતે પ્રદર્શન કરીને ચર્ચામાં આવી છે. ચંદ્રપુર જિલ્લામાં એક કોલ પ્રોજેકટથી પીડિત મહિલાઓ છેલ્લા પાંચ દિવસથી 250 ઊંડી ખાણમાં ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહી છે. ચંદ્રપુર જિલ્લામાં આવેલા ભદ્રાવતી નદીના બરાંજ વિસ્તારમાં એક કોલ કંપની દ્વારા સ્થાનિક રહેવાસીઓની જમીન લેવામાં આવી હતી, પણ સ્થાનિકોને જમીનનું યોગ્ય વળતર નહીં મળતા મહિલાઓએ આંદોલન શરૂ કર્યું છે.

એક ખાનગી કોલસા કંપનીને પોતાની જમીન આપ્યા છતાં તેની યોગ્ય કિંમત ન મળતા છેલ્લા 65 દિવસથી અહીંના સ્થાનિકો આંદોલન કરી રહ્યા હતા. જોકે આ આંદોલન પર પ્રશાસને ધ્યાન ન આપતા ગુસ્સે ભરાયેલી 10 મહિલાએ પ્રશાસનનું ધ્યાન દોરવા માટે છેલ્લા પાંચ દિવસથી 250 ફૂટ ઊંડી કોલસાની ખાણમાં ઉતરીને પોતાની માગણીઓને માન્ય કરાવવા માટે પ્રદર્શન શરૂ કર્યું છે.

એક અહેવાલ મુજબ ખાનગી કોલસા કંપનીએ અહીંના લોકો પાસેથી જમીન વેચાતી લીધી હતી, પણ જમીનને બદલે સ્થાનિકોને પૂરતું વળતર ન મળતા છેલ્લા 65 દિવસથી ગામના અનેક લોકો આંદોલન કરી રહ્યા હતા, પણ આ બાબતે કોઈ ઉકેલ ન આવતા 10 મહિલાઓએ કોલસાની ખાણમાં ઉતરીને આંદોલન શરૂ કર્યું હતું.આંદોલન કરતી એક મહિલાએ કહ્યું હતું કે કંપની અને જિલ્લા પ્રશાસન દ્વારા જ્યાં સુધી અમારી માગણી માન્ય કરવાની વાતને લેખિતમાં નહીં આપે ત્યાં સુધી અમે આ ખાણમાંથી બહાર આવીશું નહીં.

આ આંદોલન કરતી મહિલાઓની ત્રણ મુખ્ય માગણી છે, જેમાં દરેક પ્રકલ્પગ્રસ્ત લોકોનું પુનર્વસન કરવાની સાથે તેમના પરિવારના એક વ્યક્તિને નોકરી આપવા અને જો નોકરી ન આપી શકે તો તેનું વળતર પરિવારને આપવું. છેલ્લા 65 દિવસથી ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શનને લઈને પ્રશાસન કે કોલસા કંપની દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button