‘અજિત પવારના વ્હીપનો ભોગ બની શકે છે…’: શરદ પવારે એનસીપી કેસ પર સુપ્રીમ કોર્ટ પાસેથી વહેલી સુનાવણીની માંગ કરી

નવી દિલ્હીઃ મહારાષ્ટ્ર વિધાનસભાનું સત્ર આવતા અઠવાડિયે શરૂ થવાનું છે, જેને ધ્યાનમાં લઇને NCP vs NCP કેસમાં, શરદ પવાર જૂથે સુપ્રીમ કોર્ટ પાસે વહેલી સુનાવણીની માંગ કરી છે. CJI ડી. વાય. ચંદ્રચુડે તેમને આશ્વાસન આપ્યું હતું કે તેઓ આ મામલે જલ્દી સુનાવણી કરશે. શુક્રવારે શરદ પવાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે એવી સંભાવના છે કે શરદ પવારને અજિત પવાર દ્વારા જારી કરાયેલા વ્હીપનો સામનો કરવો પડી શકે છે.
શરદ પવારના જૂથને હજુ સુધી કોઈ પ્રતીક ફાળવવામાં આવ્યું નથી. વિધાનસભાના સત્ર દરમિયાન તેમના માટે એક વિચિત્ર સ્થિતિ થશે કારણ કે, ચૂંટણી પંચના આદેશને કારણે, જ્યારે આગામી સપ્તાહે વિધાનસભા શરૂ થશે, ત્યારે શરદ પવાર અજિત પવારના વ્હીપ હેઠળ હશે. શરદ પવાર જૂથે કહ્યું છે કે જે આદેશને પડકારવામાં આવી રહ્યો છે તે અન્ય કેસમાં ઉઠાવવામાં આવેલા કાયદાના પ્રશ્નો જેવા જ છે. તેઓએ અમને કોઈ ચૂંટણી ચિહ્ન પણ આપ્યું નથી, આ ઉદ્ધવ ઠાકરે કેસ કરતાં પણ ખરાબ છે.
શરદ પવાર જૂથ કેસની વહેલી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યું છે. ચૂંટણી પંચના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે. અજિત પવાર જૂથને NCPનું ચૂંટણી ચિન્હ ઘડિયાળ આપવાના નિર્ણયને કોર્ટમાં પડકારતાં ચૂંટણી પંચના નિર્ણય પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે. આ પહેલા અજિત પવાર જૂથ પણ આ મામલે સુપ્રીમ કોર્ટ પહોંચ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી કેવિયેટ અરજીમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેમની બાજુ પણ સાંભળવી જોઈએ.
શરદ પવારની મોટી વિટંબણા એ છે કે મહારાષ્ટ્રના સ્પીકરે પણ સ્વીકાર્યું છે કે અજિત પવારનું જૂથ વાસ્તવિક NCP છે. આ જૂથને 41 વિધાન સભ્યોનું સમર્થન છે. હકીકતમાં ગયા વર્ષે NCP વિધાનસભ્યોએ અજિત પવારના નેતૃત્વમાં બળવો કર્યો હતો. અજિત પવાર જૂથ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે તેમનું જૂથ જ વાસ્તવિક NCP છે. વિધાનસભા અધ્યક્ષે કહ્યું હતું કે અજિત પવારને શરદ પવાર કરતાં વધુ વિધાન સભ્યોનું સમર્થન છે, તેઓ જ અસલી NCP છે.