શુક્રવારનો દિવસ બી ટાઉન માટે અપશુકનિયાળ નિવડ્યો હતો, કારણ કે એન્ટરટેન્ટમેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે હિન્દી ટીવી સિરિયલ ઉડાનનાં નિર્માતા અને દિગ્ગજ અભિનેત્રી કવિતા ચૌધરી (Kavita Chaudhary)નું 67 વર્ષની વયે હૃદય રોગનો હુમલો આવતા નિધન થયું હતું. અમૃતસરના શિવપુરી ખાતે સવારે આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હોવાની માહિતી સૂત્રો દ્વારા આપવામાં આવી હતી.
કવિતા ચૌધરી એ એક દિગ્ગજ અભિનેત્રી હોવાની સાથે સાથે જ એક સફળ નિર્માતા પણ હતા. તેમણે ડીડી ચેનલ પ્રસારિત થતી ટીવી સીરિયલ ઉડાનમાં IPS ઑફિસર કલ્યાણી સિંહનું પાત્ર ભજવ્યું હતું અને આ રોલે જ તેમને નેમ અને ફેમ બંને અપાવ્યા હતા. રિયલ લાઈફની વાત કરીએ તો કવિતા ચૌધરી એક પોલીસ ઓફિસરના બહેન છે. અભિનય સિવાય તેમણે બે ટેલીવિઝન શોનું નિર્માણ પણ કર્યું છે, જેમાં યોર હોનર અને આઈપીએસ ડાયરીઝનો સમાવેશ થાય છે.
આઈપીએસનો રોલ કરીને ઈન્ડસ્ટ્રીમાં એક આગવી ઓળખ ઉભી કરનાર કવિતા ચૌધરીના અંતિમ સંસ્કાર 16મી ફેબ્રુઆરીના રોજ અમૃતસર આવેલા શિવપુરી ખાતે કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કવિતાએ સર્ફની જાહેરાતમાં પણ કામ કરીને નામના મેળવી હતી. 1980ના દાયકાના અંતમાં રિલીઝ થયેલી આ જાહેરાતમાં કવિતાએ ગૃહિણી લલિતા જીની ભૂમિકા ભજવી હતી.
કવિતાના નિધનના સમાચારથી તેમના ચાહકો દુઃખી થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર કવિતાના નિધનના સમાચાર વાંચીને એક ફેને કમેન્ટ કરતાં લખ્યું હતું કે તેઓ 80ના દાયકામાં અમારા સમયના એક દિગ્ગજ અભિનેત્રી હતા અને તેઓ ખૂબ જ સુંદર અદાકારા હતા. બીજા એક યુઝરે લખ્યું હતું કે આ એ જ છે છે ને ઉડાનવાળા હીરોઈન તો બાળપણમાં એમની સીરિયલ જોતા હતા અને એમના જેવા જ બનવાનું સપનું હતું.
ભગવાન તેમના આત્માને શાંતિ આપે… ઉડાન સિરિયલની વાર્તા ભારતની પ્રથમ મહિલા DGP કંચન ચૌધરીના જીવન પર આધારિત હતી. કવિતાએ ઉડાનમાં કંચનનો રોલ કર્યો હતો. કવિતા ચૌધરીના નિધનથી મનોરંજન જગતને મોટું નુકસાન થયું છે. તેમણે પોતાના અભિનય અને નિર્માણ કૌશલ્યથી નવા નવા શિખરો સર કર્યા હતા. એક્ટ્રેસના ચાહકો અને પરિવાર શોકમગ્ન છે.