વેપાર

ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલીએ ₹ ૧૦૫૩નો ચમકારો, સોનું ₹ ૮૨ નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ગત મંગળવારે વૈશ્ર્વિક બજારમાં અમેરિકાના જાન્યુઆરી મહિનાના ફુગાવામાં અનપેક્ષિત વધારો થતાં ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં ૧.૪ ટકાનો કડાકો બોલાઈ ગયા બાદ ગઈકાલે ઘટ્યા મથાળેથી સાધારણ સુધારો આવ્યા બાદ આજે લંડન ખાતે સોનાના ભાવમાં સાધારણ સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં ૦.૯ ટકા જેટલો ઉછાળો આવ્યો હતો. આમ સ્થાનિક ઝવેરી બજારમાં આજે વિશ્ર્વ બજારને અનુસરતા ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલી નીકળતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૦૫૩ના ચમકારા સાથે ફરી રૂ. ૭૦,૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા, જ્યારે સોનામાં વધુ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૨નો ઘટાડો આવ્યો હતો.

આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૧૦૫૩ના ઉછાળા સાથે રૂ. ૭૦,૦૦૦ની સપાટી કુદાવીને રૂ. ૭૦,૨૦૩ના મથાળે બંધ રહ્યા હતા. જોકે, સોનામાં રોકાણકારો અને સ્ટોકિસ્ટોનો નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ તેમ જ વધુ ભાવઘટાડાના આશાવાદે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી છૂટીછવાઈ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૮૨ના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૧,૨૬૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૬૧,૫૦૮ના મથાળે રહ્યા હતા.

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને સોનામાં હાજર તેમ જ વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૦.૨ ટકા વધીને અનુક્રમે ઔંસદીઠ ૧૯૯૫.૫૦ ડૉલર અને ૨૦૦૭.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીમાં ઘટ્યા મથાળેથી ૦.૯ ટકાના વધારા સાથે ભાવ ઔંસદીઠ ૨૨.૫૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. એકંદરે અમેરિકાના જાન્યુઆરી મહિનાના ફુગાવામાં અનપેક્ષિત વધારો થતાં ફેડરલ રિઝર્વ વહેલાસર વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા ઓસરી જતાં ગત મંગળવારે ન્યૂ યોર્ક ખાતે મંગળવારે સોનાના ભાવમાં ૧.૪ ટકાનો કડાકો બોલાઈ ગયા બાદ ગઈકાલે ધીમો સુધારો આવ્યો હતો. જોકે ગઈકાલે ફેડરલનાં સુપરવિઝન માટેનાં વાઈસ પ્રેસિડૅન્ટે વ્યાજદરમાં ઘટાડો કરવામાં સાવચેતીભર્યું વલણ અપનાવાની અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે તાકીદ કરી હતી, જ્યારે શિકાગો ફેડના પ્રમુખ ઑસ્ટિન ગુલ્સબીએ વ્યાજદરમાં કાપ મૂકવામાં વધુ વિલંબ કરવા અંગે ચેતવણી ઉચ્ચારી હતી. આમ બન્ને અધિકારીઓની ટીપ્પણીને ધ્યાનમાં લેતાં આજે લંડન ખાતે સોનાના ભાવ અથડાઈ ગયા હોવાનું કેડિયા કૉમૉડિટીઝનાં ડિરેક્ટર અજય કેડિયાએ જણાવતાં ઉમેર્યું હતું કે હાલમાં સોનાના ભાવ કોન્સોલિડેશનના તબક્કામાં છે તેમ છતાં આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના આર્થિક ડેટા વ્યાજદરમાં કપાતનું ચિત્ર વધુ સ્પષ્ટ કરશે. વધુમાં હાલની સ્થિતિને ધ્યાનમાં લેતાં સોનાના ભાવ ઔંસદીઠ ૧૯૫૦ ડૉલર સુધી ઘટે તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button