વેપાર

ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ

મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ તથા બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ રહેવા ઉપરાંત ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલીનું દબાણ રહ્યું હોવાથી સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો સત્ર દરમિયાન પાંચ પૈસાની સાંકડી વધઘટને અંતે સાધારણ બે પૈસાના ઘટાડા સાથે ૮૩.૦૪ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાથી રૂપિયામાં મોટો ઘટાડો અટક્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૦૨ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૦૪ અને ઉપરમાં ૮૨.૯૯ની સાંકડી રેન્જમાં અથડાઈને અંતે બે પૈસાના ઘટાડા સાથે ૮૩.૦૪ની સપાટીએ રહ્યો હતો. ગત જાન્યુઆરી મહિનામાં દેશની નિકાસ વર્ષાનુવર્ષ ધોરણે ૩.૧૨ ટકા વધીને ૩૬.૯૨ અબજ ડૉલર અને આયાત ત્રણ ટકા વધીને ૫૪.૪૧ અબજ ડૉલરની સપાટીએ રહેવાની સાથે વેપારી ખાધ ૧૭.૪૯ અબજ ડૉલરના સ્તરે રહી હતી. આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના વધ્યા મથાળા સામે ૦.૧૦ ટકા વધીને ૧૦૪.૬૧ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડ તેલના વાયદામાં ભાવ ૦.૪ ટકાના ઘટાડા સાથે બેરલદીઠ ૮૧.૨૭ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોનો રૂ. ૩૯૨૯.૬૦ કરોડનો ચોખ્ખો બાહ્ય પ્રવાહ રહ્યો હોવાથી રૂપિયો દબાણ હેઠળ રહ્યો હતો, પરંતુ આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૨૨૭.૫૫ પૉઈન્ટનો અને ૭૦.૭૦ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી રૂપિયામાં ઘટાડો સીમિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button