છોકરીઓની પજવણીથી ‘મૃગયા’માં મોકો
‘ડિસ્કો ડાન્સર’ના ડાન્સિંગ સ્ટાર તેમજ ‘સુરક્ષા – વારદાત’ના એક્શન હીરો કે પછી ‘ગરીબોના અમિતાભ’ તરીકે જ મિથુન ચક્રવર્તીને ઓળખવા એ એક્ટર સાથે અન્યાય કરવા બરાબર છે
હેન્રી શાસ્ત્રી
(ડાબેથી) ‘મૃગયા’ અને ‘ડિસ્કો ડાન્સર’
આવડત અને ઓળખ વચ્ચે કાયમ મેળ બેસે એ જરૂરી નથી. રૂપેરી પડદા પર ડરાવી દેતા અને કાયમ દાવપેચ રમતા ખલનાયક પ્રાણ અસલી જિંદગીમાં માયાળુ અને ઉદાર સ્વભાવના વ્યક્તિ તરીકે જાણીતા હતા. અનેક હિન્દી ફિલ્મોમાં બબૂચક જેવા વાહિયાત કોમિક કેરેક્ટર ભજવનારા આઈ એસ જોહર અંગત જીવનમાં ઈકોનોમિક્સ અને પોલિટિકલ સાયન્સમાં એમએની તેમજ એલએલબીની ડિગ્રી ધરાવતા હતા. એ જ રીતે મિથુન ચક્રવર્તીને સિને રસિયાઓ ‘ડિસ્કો ડાન્સર‘ના ડાન્સિંગ સ્ટાર કે પછી ‘સુરક્ષા’ – ‘વારદાત’ જેવી ફિલ્મોના એક્શન સ્ટાર અથવા ‘ગરીબોના અમિતાભ’ તરીકે ઓળખે છે એ અભિનેતાની કમનસીબી છે, એની સાથે અન્યાય છે. કારણ કે મિથુન ચક્રવર્તીએ તેની કારકિર્દીમાં શ્રેષ્ઠ અભિનેતાના ત્રણ નેશનલ એવોર્ડ (મૃગયા, તાહાદેર કથા અને સ્વામી વિવેકાનંદ) મેળવ્ય છે તેમજ તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી હિન્દી ઈન્ડસ્ટ્રી તરફ વળેલા ફિલ્મમેકર બાપુની ત્રણ ફિલ્મ ‘હમ પાંચ’, ‘પ્યારી બેહના’ અને ‘પ્રેમ પ્રતિજ્ઞા’માં અભિનયની આગવી છાપ ઉપસાવવામાં સફળ રહ્યો છે. બાસુ ચેટરજી મિથુનને મધ્યવર્તી સિનેમાના પ્રતિનિધિ અમોલ પાલેકરનું એક્સ્ટેંશન માનતા હતા જે તેમની ‘શૌકીન’માં જોવા મળ્યું. કારકિર્દીમાં આવા દમદાર પરફોર્મન્સ આપ્યા હોવા છતાં મિથુનદા વર્ષોથી ‘આઈ એમ અ ડિસ્કો ડાન્સર’ અને ‘સુરક્ષા’ના ગનમાસ્ટર જી નાઈનની ઈમેજથી જ દર્શકોના દિલમાં રાજ કરી રહ્યા છે. બ્રેઈન સ્ટ્રોકની તકલીફને પગલે હોસ્પિટલમાં દાખલ કરવા પડેલા મિથુન દાદા (બંગાળીમાં ભાઈને દાદા કહેવામાં આવે છે) હવે સ્વસ્થ થઈ ઘરે પહોંચી ગયા છે. તેમના સ્વસ્થ જીવન અને દીર્ઘાયુની પ્રાર્થના કરીએ અને સાથે એવી પણ કામના રાખીએ કે ફિલ્મ રસિયાઓ અભિનેતાની ઓછી જાણીતી બાજુથી પણ પરિચિત થાય અને તેમને અભિનયની અલાયદી બાજુથી પણ પરિચિત થાય. પ્રસ્તુત છે અભિનેતાની જીવનની કેટલીક રસપ્રદ બાબત.
ક કોઈપણ અભિનેતા માટે સિદ્ધહસ્ત ફિલ્મમેકર સાથે કામ કરવાની તક મળવા પાછળ એનું કોઈ યાદગાર પરફોર્મન્સ કે પછી એની પર્સનાલિટી જેવી બાબત મહત્ત્વનો ભાગ ભજવે છે. જોકે મિથુન ચક્રવર્તીને મૃણાલ સેન જેવા નામાંકિત ફિલ્મમેકર સાથે ‘મૃગયા’માં કામ કરવાની તક કયા કારણસર મળી એ જાણશો તો ચોંકી જશો. એક ઈન્ટરવ્યૂમાં મૃણાલ સેને જણાવ્યું છે કે ‘એ સમયે મિથુનને કોઈ નહોતું ઓળખતું. પૂનાના ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (એફટીઆઈઆઈ)માં ભણતા વિદ્યાર્થીઓને ડિપ્લોમા આપવામાં આપવામાં આવી રહ્યા હતા ત્યારે મેં એને દૂરથી જોયો હતો. ત્યારે એ વિદ્યાર્થીઓની સતામણી કરી રહ્યો હતો. જે રીતે એ છોકરીઓની મશ્કરી કરતો હતો એ જોઈ હું પ્રભાવિત થયો. સેલિબ્રિટીઓની હાજરીમાં છોકરીઓની ઠેકડી એ વ્યક્તિ જ ઉડાવી શકે જે બેશરમ હોય. પૂછપરછ કરતા ખબર પડી કે એનું નામ મિથુન ચક્રવર્તી છે. એ બંગાળી છે અને સારો એક્ટર છે. આ પ્રસંગના બે વર્ષ પછી જ્યારે હું ‘મૃગયા’ બનાવવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે મને એવા એક્ટરની તલાશ હતી જે ચમકદમક વિનાનો પણ કદાવર બાંધાનો હોય. મને તરત પૂનામાં જોયેલા બંગાળી એક્ટર યાદ આવી ગયો અને એની બેશરમી યાદ આવી ગઈ. કોઈ અભિનેતા શરમ નેવે મૂકે ત્યારે જ એ સારો એક્ટર બની શકે એવું હું માનું છું. મેં તરત કેમેરામેન કે કે મહાજનને લાંબો ટેલિગ્રામ પાઠવી જણાવ્યું કે ઊંચા, શ્યામવર્ણી અને કદાવર બાંધાના બંગાળી એક્ટરને શોધી કાઢ જેનું નામ અંગ્રેજી અક્ષર એમથી શરૂ થાય છે. એને ડિપ્લોમા મળ્યો હતો એ વર્ષ પણ મેં જણાવ્યું. મહાજને એને મુંબઈમાં શોધી કાઢ્યો અને પાંચ દિવસ પછી એ મને મળવા કલકત્તા આવ્યો અને થોડા દિવસ પછી અમે શૂટિંગ શરૂ કર્યું. મને લાગતું હતું કે આ છોકરો આગળ વધશે અને એ માન્યતા માટેનું કારણ એ જે રીતે છોકરીઓને પજવતો હતો એ હતું.’
ક ફિલ્મોમાં આવતા પહેલા મિથુનદા નક્સલવાદી વિચારધારા તરફ ઝૂકેલા હતા. જોકે પરિવારમાં વિરોધ હોવાથી દાદાએ છેડો ફાડી નાખ્યો અને પુણેસ્થિત એફટીઆઈઆઈમાંથી એક્ટિંગનો ડિપ્લોમા મેળવ્યો. ત્યારબાદ મુંબઈ જઈ શરૂઆતમાં ખૂબ સંઘર્ષના દિવસો (ફૂટપાથ પર ઊંઘવું, ક્યારેક ઉપવાસ વગેરે) જોયા, પણ ડગમગ્યા નહીં. મૃણાલ સેન જેવા સિદ્ધહસ્ત મેકરની ફિલ્મમાં અસરકારક અભિનયથી શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ એવોર્ડ મળ્યો, પણ એમની સાથે શરૂઆત કરવાનો કોઈ વ્યાવસાયિક લાભ ન થયો. મૃણાલ સેન સમાંતર ફિલ્મના દોર સાથે સંકળાયા હતા અને બોલીવૂડની કમર્શિયલ ફિલ્મોના મેકર એવી ફિલ્મોના પડછાયાથી પણ દૂર રહેતા. મિથુનદાને પણ આ વાત બહુ જલદી સમજાઈ ગઈ અને રવિકાન્ત નાગાઈચની ‘સુરક્ષા’થી અભિનેતા મુખ્ય પ્રવાહમાં દાખલ થઈ ગયો. ત્યારબાદ ‘હમ પાંચ’ અને ‘વારદાત’થી વધુ ફિલ્મમેકરોનું ધ્યાન એના પર પડવા લાગ્યું. જોકે પ્રારંભના દિવસોમાં ‘હેન્ડસમ હીરો’નો જ આગ્રહ રાખતી હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મિથુનદા માટે કપરાં ચઢાણ હતાં. મિથુનદાએ જ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ‘મારી ત્વચાના રંગ (શ્યામવર્ણી)ને કારણે મને ઘણી વાર રિજેક્ટ કરવામાં આવ્યો હતો. ત્યારે જ મેં દ્રઢ નિશ્ર્ચય કરી લીધો હતો કે ડાન્સની ટેલન્ટથી જ હું આગળ આવીશ. એવી મહારથ હાંસલ કરીશ કે લોકો મારી ત્વચા નહીં, મારા ડાન્સ જોઈ મને કામ આપે.’ થયું પણ એવું જ. ૧૯૮૨માં આવેલી ‘ડિસ્કો ડાન્સર’થી આખું ચક્ર જ ફરી ગયું. મજાની વાત તો એ છે કે દેવ આનંદની ‘સ્વામી દાદા’ના એક રોલ માટે જેકી શ્રોફની પસંદગી કરવામાં આવી હતી, પણ ‘ભીડુ’ જેકી શ્રોફને ડાન્સ કરતા નહોતું આવડતું અને એટલે એની બદલે ડાન્સિંગમાં અવ્વ્લ હોવાની છાપ ધરાવતા મિથુનદાને લેવામાં આવ્યા હતા. પછી જોકે જેકીને એ જ ફિલ્મમાં બીજો રોલ મળ્યો. ખુદ દેવ સાબે જેકીને કહ્યું હતું કે ‘વો (મીઠું ચક્રવર્તી) સિનિયર છે અને એને ડાન્સ કરતા સારું આવડે છે એટલે તારો રોલ મેં એને આપી દીધો છે. તને શક્તિ કપૂરની ગેંગમાં સામેલ કર્યો છે.’ નાચ ન જાને એક્ટિંગ કા આંગન ટેઢા જેવી વાત થઈ.
ક વિશેષ કરીને મિથુન ચક્રવર્તી સાથે ફિલ્મો બનાવનારા મેકર તરીકે જાણીતા બી. સુભાષે દાદા સાથે આઠ ફિલ્મ બનાવી છે. બંનેની પહેલી બે ફિલ્મ પખવાડિયાના સમયગાળામાં રિલીઝ થઈ હતી. પહેલી હતી ‘તકદીર કા બાદશાહ’ અને બીજી હતી ‘ડિસ્કો ડાન્સર’. પહેલી ફિલ્મ તો ખાસ કંઈ ઉકાળી
નહોતી શકી, પણ બીજી ફિલ્મથી બંગાળી બાબુ ફિલ્મ સ્ટાર બની ગયા. વિદેશની ધરતી પર અઢળક કમાણી કરનારી ‘ડિસ્કો ડાન્સર’ની વાર્તા મિથુનદાના અંગત જીવનનું પ્રતિબિંબ હતી. અભિનેતાની ડાન્સિંગ સ્ટાઈલની નકલ જુવાનિયાઓ કરવા લાગ્યા હતા. ફિલ્મનો હીરો જેમ ફૂટપાથ પરથી ઊભો થઈ ડાન્સિંગ સ્ટાર બને છે એવું જ મિથુનદાના જીવનમાં બન્યું હતું. ‘આઈ એમ અ ડિસ્કો ડાન્સર’, ‘કોઈ યહાં નાચે નાચે’ અને ‘જીમી જીમી આજા આજા’ યંગસ્ટર્સના દિલની ધડકન બની ગયા. બપ્પી લહેરીના સંગીતનો ફિલ્મની સફળતામાં મોટો ફાળો હતો. મિથુન ચક્રવર્તી ચલણી સ્ટાર બની ગયો અને અન્ય અભિનેતા પણ દાદાના ડાન્સિંગની કોપી કરવા લાગ્યા હતા. ફિલ્મમાં રાજેશ ખન્ના મહેમાન કલાકારના રોલમાં હતા. જે સુપરસ્ટારની તસવીર આંખોમાં આંજી મિથુનદા મુંબઈ આવ્યા હતા એ જ સુપરસ્ટારની હાલકડોલક થઈ રહેલી કારકિર્દીને સ્થિરતા બક્ષવામાં ‘ડિસ્કો ડાન્સર’ નિમિત્ત બની એવું વિવેચકોએ એ સમયે નોંધ્યું હતું.
- ૧૯૮૦ના દાયકામાં મિથુનદા છવાઈ ગયા હતા અને એમાંય ૧૯૮૯નું વર્ષ તો ‘દાદાની દાદાગીરી’ તરીકે પ્રસિદ્ધિ પામ્યું. આ વર્ષે મિથુન ચક્રવર્તી હીરો હોય એવી દોઢ ડઝન વત્તા એક એટલે કે પૂરી ૧૯ ફિલ્મ રિલીઝ થઈ હતી. ભારતીય લોકોની અનન્ય સિદ્ધિને બિરદાવતા લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સમાં મિથુનદાની આ સિદ્ધિની નોંધ લેવામાં આવી હતી. આ ૧૯ ફિલ્મ હતી: ભ્રષ્ટાચાર, લડાઈ, દોસ્ત, હિસાબ ખૂન કા, દાતા, દાના પાની, ગરીબો કા દાતા, પ્રેમ પ્રતિજ્ઞા, ઈલાકા, મિલ ગયી મંઝીલ મુજે, આખરી ગુલામ, આખરી બદલા, બીસ સાલ બાદ, ગલીયોં કા બાદશાહ, ગુરુ, હમ ઈંતજાર કરેંગે, મેરી ઝુબાં, મુજરિમ અને રાસ્તા. અલબત્ત આટલી બધી ફિલ્મોને તો સફળતા મળે એ શક્ય જ નથી. કેટલીક ફિલ્મો તો અડોઅડ રિલીઝ થઈ હોવાથી દર્શક પણ મૂંઝાઈ જતો કે ‘મૈં યહાં જાઉં યા વહાં જાઉં, મૈં કિધર જાઉં.’ કેટલીક ફિલ્મો સારી ચાલી હતી પણ એવરેજ તેમજ ફ્લોપ ફિલ્મોનો આંકડો વધુ મોટો હતો એ હકીકત છે.
- દરેક કલાકારના જીવનમાં એવરેસ્ટ પર વાવટો ફરકાવવાનો સમય આવે છે એમ પાતાળમાં પેસવાનોય વારો આવતો હોય છે. ૧૯૯૮થી ૨૦૦૭ દરમિયાન કરેલી અનેક ફિલ્મ ફ્લોપ થવાનો વિચિત્ર વિક્રમ પણ દાદાના નામ સાથે જોડાયો છે. જોકે આટલી મોટી સંખ્યામાં ફિલ્મ ફ્લોપ થવા છતાં મિથુનદાની લોકપ્રિયતામાં ઓટ નહોતી આવી એ ખાસ નોંધવા જેવી વાત છે. મિથુનદાનું વ્યક્તિત્વ અને સંઘર્ષ કરતા પાત્રને નાના અને મધ્યમ કદનાં શહેરોમાં સારો આવકાર મળતો હતો. આ શહેરની જનતાને એમાં પોતાનું પ્રતિબિંબ દેખાતું હશે. ૧૯૯૦ના દાયકામાં ગોવિંદાના આગમન સાથે મિથુનદાના વળતા પાણીનો પ્રારંભ થયો એમ ફિલ્મોનો ઈતિહાસ કહે છે. અલબત્ત એક્ટરની લાગલગાટ ફ્લોપ ફિલ્મોનો દોર અટક્યો મણિરત્નમની ‘ગુરુ’ ફિલ્મથી.
- ૧૯૫૭થી લઈ ૧૯૭૦ સુધી શમ્મી કપૂરનો જાદુ છવાયેલો હતો એ દોર મ્યુઝિકલ હિટનો હતો. જે ફિલ્મમેકરો સંગીત પ્રધાન ફિલ્મ બનાવવા માગતા હતા પણ બજેટને કારણે શમ્મી કપૂરને સાઈન નહોતા કરી શકતા એ મેકરો વિશ્ર્વજિતથી મન મનાવી લેતા હતા. એ સમયે વિશ્ર્વજિત ‘ગરીબોના શમ્મી કપૂર’ તરીકે ઓળખાતા હતા. આવું જ મિથુનદાની બાબતમાં બન્યું. ૧૯૭૩ની ‘ઝંઝીર’ પછી સુપરસ્ટાર બની ગયેલા અમિતાભ બચ્ચનને લઈ એક્શન ફિલ્મ બનાવવા જેવડું મોટું ગજવું જેમની પાસે નહોતું એ મેકરો મિથુન ચક્રવર્તીને સાઈન કરતા અને એટલે મિથુનદા ‘ગરીબોના અમિતાભ’ તરીકે ઓળખાવા લાગ્યા હતા. કારમી ગરીબીનો અનુભવ કરી ચૂકેલા મિથુન ચક્રવર્તીએ ફિલ્મની કમાણીનો એક હિસ્સો હોટેલ બાંધકામમાં ઈન્વેસ્ટ કર્યો હતો જેનાં મીઠાં ફળ ઘણાં વર્ષોથી ચાખી રહ્યા છે.