આમચી મુંબઈ

શરદ પવારને મોટો ફટકો અજિત પવાર જૂથ જ ખરી એનસીપી ઠરી

વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે અપાત્રતા મુદ્દે નિર્ણય જાહેર કર્યો

મુંબઈ: ચૂંટણી પંચે અજિત પવાર જૂથને એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)નું નામ અને ચૂંટણી ચિહ્ન ફાળવ્યા બાદ બીજો મોટો ફટકો શરદ પવાર જૂથને પડ્યો છે. અપાત્રતા મુદ્દે નિર્ણય આપતા મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરે અજિત પવાર જૂથને ખરી એનસીપી જાહેર કરતો નિર્ણય લીધો છે. નાર્વેકરના નિર્ણય બાદ શરદ પવાર જૂથના નેતાઓએ તેમની ટીકા કરી હતી. સુપ્રીયા સુળેએ આ નિર્ણયને કોપી-પેસ્ટ નિર્ણય ગણાવ્યો હતો. જ્યારે જીતેન્દ્ર આાડે નાર્વેકરે મહારાષ્ટ્રના રાજકારણનો દાટ વાળ્યો હોવાની ટીકા કરી હતી. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે આપેલા નિર્ણય મુજબ જ રાહુલ નાર્વેકરે પોતાનો નિર્ણય જાહેર કરી દીધો છે. વિધાનસભામાં વિધાનસભ્યોની બહુમતીના આધારે ચૂંટણી પંચે એનસીપીનું નામ અને ચિહ્ન અજિત પવાર જૂથને ફાળવવાનો નિર્ણય લીધો હતો. રાહુલ નાર્વેકર પણ ચૂંટણી પંચના નિર્ણયને આધાર બનાવીને નિર્ણય લેશે, તેવી શક્યતા હતી. રાહુલ નાર્વેકરે પણ વિધાનસભામાં સંખ્યાબળના આધારે નિર્ણય લઇ અજિત પવાર જૂથને ખરી એનસીપી ગણાવી હતી.

તેમણે લીધેલા નિર્ણય મુજબ, ૩૦ જૂન, ૨૦૨૩માં રાષ્ટ્રવાદી કૉંગ્રેસના બે ફાંટા પડ્યા હતા અને બંને જૂથે પોતે ખરી એનસીપી હોવાનો દાવો માંડ્યો હતો. બંને જૂથને પોતપોતાનો પક્ષ માંડવાનો મોકો આપવામાં આવ્યો હતો. નાર્વેકરે જણાવ્યા મુજબ એનસીપીના કેસમાં સંવિધાનની ૧૦મી કલમની જોગવાઇઓનો દુરુપયોગ થયો હોવાનું સ્પષ્ટ જોવા મળ્યું છે. નાર્વેકરે કહ્યું હતું કે વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવાની દરેક અરજીઓ ફગાવી દેવામાં આવી છે.

૩૦ જૂને એનસીપીના ૪૧ વિધાનસભ્યોએ અજિત પવારને પોતાના અધ્યક્ષ તરીકે પસંદ કર્યા હતા, જ્યારે શરદ પવાર પાસે ફક્ત ૧૧ વિધાનસભ્ય હતા. આ ઉપરાંત નાગાલૅન્ડના એનસીપીના વિધાનસભ્યોએ પણ અજિત પવારને સમર્થન આપી તેમને અધ્યક્ષ તરીકે માન્યા હતા. એટલે અજિત પવાર પાસે વધુ સંખ્યાબળ હોવાનું સ્પષ્ટ થયુું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button