યેરવડા જેલમાં કેદીઓનો જેલ અધિકારી પર હુમલો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: નજીવા કારણસર યેરવડા જેલના કેદીઓએ જેલ અધિકારી પર હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. દસથી બાર કેદીએ કરેલી મારપીટમાં અધિકારીની આંખને ઇજા અને હાથમાં ફ્રેક્ચર થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.
પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની સવારે નવ વાગ્યાની આસપાસ બની હતી. હુમલામાં જખમી જેલ અધિકારી શેરખાન પઠાણને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ પ્રકરણે યેરવડા પોલીસ સ્ટેશનમાં કેદીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પુણેના ધનકવાડી પરિસરમાં રહેતા વિકી બાળાસાહેબ કાંબળેની સહકાર નગર પોલીસે તાજેતરમાં ધરપકડ કરી હતી. તેની વિરુદ્ધ મારપીટ, ધમકી અને આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ધરપકડ કરાયેલા કાંબળેને કોર્ટે અદાલતી કસ્ટડીનો આદેશ આપતાં 25 જાન્યુઆરીથી તેને યેરવડા જેલના સર્કલ નંબર-1માં રાખવામાં આવ્યો હતો. આ જ સ્થળે આરોપી પ્રકાશ રેણુસેને પણ રાખવામાં આવ્યો હતો. રેણુસે વિરુદ્ધ ભારતી વિદ્યાપીઠ પોલીસ સ્ટેશનમાં 2018માં હત્યા સહિતની કલમો તેમ જ આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. ફેબ્રુઆરી, 2018થી રેણુસે યેરવડા જેલમાં છે.
કહેવાય છે કે આરોપી અને જેલ અધિકારી પઠાણ વચ્ચે કોઈ વાતે વિવાદ થયો હતો. ગુરુવારની સવારે ફરજ પર હાજર પઠાણ પર કાંબળે અને રેણુસેએ અન્ય 10 કેદીની મદદથી હુમલો કર્યો હતો. બેરહેમીથી માર મારી પઠાણને ખુરશી ફટકારવાનો પ્રયાસ કરાયો હતો. જોકે ત્યાં હાજર અન્ય કેદીઓએ મધ્યસ્થી કરી પઠાણને બચાવી લીધો હતો.
જોકે આ હુમલામાં પઠાણની જમણી આંખને ઇજા થઈ હતી અને ડાબા હાથમાં ફ્રેક્ચર થયું હતું. જેલમાં ફરજ બજાવતા અધિકારી-કર્મચારીઓએ પરિસ્થિતિ પર કાબૂ મેળવી હુમલો કરનારા કેદીઓને અલગ અલગ બૅરેકમાં રાખવાનો નિર્ણય લીધો હતો, એવું અધિકારીએ જણાવ્યું હતું.