ફિફાના લિસ્ટમાં ભારતની સાત વર્ષમાં સૌથી ખરાબ રૅન્ક, જાણો કેટલામી…
નવી દિલ્હી: ફૂટબૉલજગતનું સંચાલન કરતી ફિફાના રૅન્કિંગ્સમાં છેલ્લા સાત વર્ષ દરમ્યાન ભારતીય ટીમે ખાસ કરીને સુનીલ છેત્રી અને બીજા કેટલાક નામાંકિત ખેલાડીઓના પર્ફોર્મન્સને કારણે મોટા ભાગે પ્રગતિ કરી હતી, પરંતુ હવે નવા જે ક્રમાંકો જાહેર થયા છે એ મુજબ ભારતે સાત વર્ષમાં સૌથી ખરાબ રૅન્ક જોવી પડી છે.
ભારત 102 નંબર પરથી નીચે ઉતરીને 117 ક્રમ પર ગયું છે. 2017 પછી ભારતની આ સૌથી ખરાબ રૅન્ક છે. એ જ વર્ષમાં ભારતે 129મો નંબર જોયો ત્યાર બાદ પ્રગતિ જોઈ હતી. ભારતની સૌથી ખરાબ રૅન્ક 2015માં હતી. ત્યારે ભારત વિશ્ર્વ સૉકરમાં છેક 173મા નંબરે હતું.
હવે ટૉગો નામનો ટચૂકડો દેશ 116મી રૅન્ક સાથે ભારતથી એક ડગલું આગળ અને ગિની-બિસૉ (118) એક ડગલું પાછળ છે.
ફિફા રૅન્કિંગ્સમાં આર્જેન્ટિના પ્રથમ નંબરે, ફ્રાન્સ બીજા નંબરે અને ઇંગ્લૅન્ડ ત્રીજા નંબરે છે. બેલ્જિયમ તથા બ્રાઝિલ અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે.
એશિયન રાષ્ટ્રોમાં ભારત છેક બાવીસમા નંબરે છે.
ઇગૉર સ્ટિમૅકના કોચિંગમાં ભારતીય ટીમ તાજેતરના એશિયન કપમાં એકેય પૉઇન્ટ મેળવ્યા વગર સાવ તળિયે હતું. ગ્રૂપ ‘બી’માં ભારતે ઑસ્ટ્રેલિયા સામે 0-2થી, ઉઝબેકિસ્તાન સામે 0-3થી અને સિરિયા સામે 0-1થી પરાજય જોવો પડ્યો હતો.
એશિયન દેશોમાં ખાસ કરીને ભારતનો મિત્ર-દેશ કતાર 21 ક્રમની છલાંગ સાથે 37મા નંબરે પહોંચી ગયો છે. જપાન એશિયન દેશોમાં મોખરે છે અને વિશ્ર્વમાં એની 18મી રૅન્ક છે.