ઠાકરે જૂથને વધુ એક ફટકોઃ 5 ટર્મના વિધાનસભ્યએ આપ્યું રાજીનામું
મુંબઈ/નાશિક: મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (એમવીએ)ના દિગ્ગજ નેતાઓ એક પછી એક મહાયુતિમાં સામેલ થઇ રહ્યા છે એવામાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાને વધુ એક ઝટકો લાગ્યો છે. પાંચ વખત વિધાનસભ્ય રહી ચૂકેલા શિર્ડીના વિધાનસભ્ય બબનરાવ ઘોલપે ગુરુવારે શિવસેનાની પ્રાથમિક સદસ્યતાથી રાજીનામું આપ્યું હતું. હવે તે ભાજપમાં જોડાઇ કેસરિયા કરી શકે તેવી ચર્ચા છે.
ઘોલપ પોતે ભવિષ્યમાં કયા પક્ષમાં જોડાશે તે વિશે હજી તેમણે સ્પષ્ટતા કરી નથી, પરંતુ તેમના પુત્ર યોગેશ અને શિર્ડીના અન્ય સ્થાનિક નેતાઓ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાશે, એવી માહિતી સૂત્રો પાસેથી મળી છે. નાશિકની દેવલાલી બેઠક પરથી પાંચ વખત વિધાનસભ્ય રહી ચૂકેલા બબનરાવ ઘોલપ 2024માં લોકસભાની ચૂંટણીમાં શિર્ડી બેઠક પરથી લડવા માગતા હોવાનું પણ કહેવાય છે.
પોતાના રાજીનામા વિશે કહેતા ઘોલપે જણાવ્યું હતું કે તેમને પક્ષમાં રહેલી સમસ્યાઓ તેમ જ પોતાના અન્ય પ્રશ્ર્નો વિશે પાર્ટી નેતૃત્વને જણાવ્યું હતું અને પોતાની સમસ્યા વારંવાર તેમની સમક્ષ રજૂ કરવામાં આવી હોવા છતાં તેમને કોઇ પ્રતિસાદ મળતો નહોતો.
આ પૂર્વે તેમને શિવસેના(ઉદ્ધવ ઠાકરે)માં નાયબ પ્રમુખ તરીકેના પદની માગણી પણ કરી હતી, જે અમાન્ય કરવામાં આવી હતી. આ બધા કારણોસર તેમણે ઉદ્ધવની શિવસેનાના શિવસૈનિક તરીકે રાજીનામું આપ્યું હોવાનું કહેવાય છે.
મહારાષ્ટ્ર કોંગ્રેસમાંથી ત્રણ દિગ્ગજ નેતાએ રાજીનામું આપ્યા પછી કોંગ્રેસ સાથે શિવસેનાના નેતાઓ પણ પાર્ટીને છોડે એવી અટકળ વ્યક્ત કરવામાં આવી હતી, જેમાં ગઈકાલે શિંદે જૂથના નેતાએ દાવો કર્યા પછી આજે સત્તાવાર રીતે પાંચ ટર્મના વિધાનસભ્યને રાજીનામું આપીને સૌને ચોંકાવ્યા છે.