ખેડૂતોના વિરોધ, પાકિસ્તાન મુદ્દે આવી ફારૂક અબ્દુલ્લાની પ્રતિક્રિયા
શ્રીનગરઃ નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણીની તારીખ ધીમે ધીમે નજીક આવી રહી છે, તેથી સરકારે ખેડૂતો સાથે વાત કરવી જોઇએ. તેમણે ખેડૂતોના વિરોધના મુદ્દાને તાત્કાલિક ધોરણે ઉકેલવાની પણ કેન્દ્ર સરકારને સલાહ આપી હતી. તેમણે પાકિસ્તાન અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને જણાવ્યું હતું કે પાકિસ્તાનની સ્થિતિ રહેશે તો બધાને ફાયદો થશે.
લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પંજાબ અને હરિયાણાના ખેડૂતો એમએસપી (લઘુત્તમ ટેકાના ભાવ) જેવા મુદ્દાઓ પર સરકાર પર દબાણ લાવવા માટે દિલ્હી આવવા માગે છે અને તેમણે દિલ્લી ચલો કૂચની જાહેરાત પણ કરી છે. પંજાબ-હરિયાણા સીમા પર ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. આ અંગે પ્રતિક્રિયા આપતા ફારૂક અબ્દુલ્લાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે ખેડૂતો સાથે વાત કરવી જોઇએ. 750 ખેડૂતોએ જીવ ગુમાવ્યો ત્યાર બાદ સરકારે ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચ્યા. હવે ચૂંટણી આવી રહી છે અને ખેડૂતો પણ તેમની માગણી લઇને પાછા આવી ગયા છે. અને ખબર નથી કે સરકાર શું વિચારી રહી છે, પણ મારું માનવું છે કે સરકારે આ બાબતે વિચાર કરવો જોઇએ.
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારૂક અબ્દુલ્લા હંમેશા પાકિસ્તાન સાથે વાતચીતની હિમાયત કરે છે. તેમણે ફરી એક વાર આ બાબતે કેન્દ્ર સરકારનું ધ્યાન દોર્યું છે અને જણાવ્યું છે કે સ્થિર પાકિસ્તાન સમગ્ર ભારત માટે મહત્વપૂર્ણ છે.
ઇલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું હતું કે અમને આશા છે કે તમામ પક્ષો તેના પર સહમત થશે. લોકોને પણ ખબર હોવી જોઇએ કે પૈસા ક્યાંથી આવી રહ્યા છે. ચૂંટણી પહેલા આ બધી બાબતોની જાહેરાત થઇ જશે એવી આશા પણ તેમણે વ્યક્ત કરી હતી.
ફારૂક અબ્દુલ્લાનો પક્ષ નેશનલ કોન્ફરન્સ પણ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા અલાયન્સનો ભાગ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ચૂંટણી અંગે તેમની શું તૈયારી છે ત્યારે તેમણે જણાવ્યું હતું કે નેશનલ કોન્ફરન્સ પોતાની તાકાત પર ચૂંટણી લડશે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ઇન્ડિયા અલાયન્સમાં સીટ શેરિંગ અંગે વાતચીત ચાલી રહી છે. ઇડીના સમન્સ વિશે તેમણે જણાવ્યું હતું કે જો તેમને ઇડીના સમન્સ આવશે તો તેઓ ચોક્કસ જશે. ઇડી નેશનલ કોન્ફરન્સને ખતમ કરી શકશે નહીં.