Sandeshkhali controversy વચ્ચે TMC સાંસદના વેલેન્ટાઈન વીડિયોએ હોબાળો મચાવ્યો
કોલકાત્તાઃ તમે જ્યારે જાહેર જીવનમાં સક્રિય હો ત્યારે તમારું વ્યક્તિગત જીવન પણ લોકોની સમક્ષ ખુલ્લુ થઈ જતું હોય છે અને આથી તમારે દરેક વાતે સાબદા રહેવું પડે છે. આ વાત TMC સાંસદ નુસરત જહાં (Nusrat Jahan) નથી સમજી શક્યા અને તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ અપલૉડ કરી પોતાને માટે ટીકા વહોરી લીધી છે.
TMC સાંસદ નુસરત જહાં (Nusrat Jahan) એ વેલેન્ટાઈન ડેના દિવસે તેમનાં પતિ અને અભિનેતા યશ દાસગુપ્તા સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આમ તો સાંસદ પોતાના પતિ સાથે વેલેન્ટાઈન ડે સેલિબ્રેટ કરે તેમાં કોઈને પ્રોબ્લેમ ન થવો જોઈએ, પરંતુ પશ્ચિમ બંગાળમાં હાલમાં સંદેશખાલી વિવાદ ચાલી રહ્યો છે જેમાં મહિલાઓના યૌન શોષણના મુદ્દે ભાજપ રસ્તા પર ઉતર્યું છે. આવા સમયે એક મહિલા સાંસદનાં વીડિયોથી વિપક્ષ હોબાળો મચાવે તે સ્વાભાવિક છે.
પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓના કથિત યૌન શોષણના મામલે ભાજપ વિરોધ કરી રહી છે. બુધવારે ભાજપ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ દરમિયાન ટીએમસી સાંસદ નુસરત જહાંએ વેલેન્ટાઈન ડે પર તેના પતિ અને અભિનેતા યશ દાસગુપ્તા સાથે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. જેની ટીકા ભાજપ કરી રહ્યું છે.
ભાજપે સોશિયલ મીડિયા પર નુસરત જહાંનો વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું, પ્રાયોરિટીઝ મહત્વની છે… સંદેશખાલીમાં મહિલાઓ તેમના સન્માન માટે વિરોધ કરી રહી છે અને બસીરહાટના ટીએમસી સાંસદ વેલેન્ટાઈન ડેની ઉજવણી કરી રહ્યાં છે.
બીજેપી સાંસદ દિલીપ ઘોષે સંદેશખાલી વિવાદ પર રાજ્ય સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે મમતા બેનર્જી (Mamta Banerjee) શાહજહાં શેખ અને સિબુ જેવા ગુનેગારોને કાયદાથી બચાવે છે, પરંતુ લોકો આ માટે તેમને માફ નહીં કરે. તેણે કાં તો પદ છોડવું પડશે અથવા લોકો તેમને પદ છોડાવશે. અમે લોકોને સાથ આપવા જઈએ છીએ તો પોલીસ અમને રોકે છે.
પશ્ચિમ બંગાળ પોલીસે સંદેશખાલીમાં મહિલાઓના યૌન શોષણના આરોપોને નકારી કાઢ્યા છે. પશ્ચિમ બંગાળ પોલીસે દાવો કર્યો છે કે ભ્રામક સમાચાર જાણી જોઈને ફેલાવવામાં આવી રહ્યા છે. રાજ્ય મહિલા આયોગની ટીમે તથ્યોની તપાસ કરી હતી. આ તપાસ ટીમનું નેતૃત્વ સીઆઈડીના ડીઆઈજીએ કર્યું હતું અને જિલ્લા પોલીસની ટીમ પણ તેમાં સામેલ હતી. રાષ્ટ્રીય મહિલા આયોગની ટીમે પણ તાજેતરમાં સંદેશખાલીની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે તેમને મહિલાઓના જાતીય શોષણ અંગે કોઈ માહિતી મળી નથી.