મુસ્લિમ રાજાની જમીન, ખ્રિસ્તી આર્કિટેક્ટે કર્યું કામ
રૂ. 700 કરોડના ખર્ચે બનેલા યુએઇના પ્રથમ હિંદુ મંદિરની વિશેષતાઓ જાણો
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં અબુ ધાબીમાં BAPS સ્વામિનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કર્યું. આ મંદિર 1 માર્ચના રોજ જાહેર જનતા માટે ખુલશે. પીએમ મોદી બે દિવસની ટૂંકી મુલાકાતે સંયુક્ત આરબ અમીરાત (UAE)ની રાજધાની અબુ ધાબીમાં પર્થમ હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું એ મંદિર ઘણી રીતે વિશેષ છે.
અબુ ધાબીનું BAPS સ્વામિનારાયણ મંદિર શેખ જાયદ હાઈવે પર આવેલું છે. આ મંદિરના નિર્માણમાં લગભગ 700 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. મંદિરના નિર્માણમાં 18 લાખ ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરમાં લગાવવામાં આવેલા માર્બલ તેની ભવ્યતાને ઓર નિખારે છે. મંદિરમાં સાત શિખરો છે જે સંયુક્ત આરબ અમીરાત (UAE) ની સાત અમીરાતનું પ્રતિનિધિત્વ કરે છે.
આ મંદિરમાં ગોળાકાર, ષટકોણ જેવા 402 સ્તંભ બનાવવામાં આવ્યા છે. મંદિરમાં 25,000 પથ્થરના ટુકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિર તરફ જતા માર્ગની આસપાસ ઘંટ અને ગૌમુખની સજાવટ કરવામાં આવી છે. યુએઇ જેવા ગરમ પ્રદેશમાં આવેલા આ મંદિરમાં નેનો ટાઇલ્સનો ઉપયોગ કરી પ્રવાસીઓની સુવિધાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મંદિરનું ફાઉન્ડેશન ભરવા માટે કોંક્રિટ મિશ્રણમાં સિમેન્ટની જગ્યાએ 55 ટકા રાખનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિર નિર્માણમાં લોઢાની કે અન્ય કોઇ ધાતુની કોઈ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.
આ મંદિર હિંદુ ધર્મનું છે, પરંતુ તેમાં દરેક ધર્મનું યોગદાન દેખાય છે. આ મંદિરના નિર્માણની સૌથી આશ્ચર્યજનક વાત તો એ છે કે એક મુસ્લિમ રાજાએ હિંદુ મંદિર માટે જમીન દાનમાં આપી છે. મંદિરના મુખ્ય આર્કિટેક્ટ કેથોલિક ખ્રિસ્તી છે, જ્યારે તેના પ્રોજેક્ટ મેનેજર શીખ છે અને ફાઉન્ડેશનલ ડિઝાઇનર બૌદ્ધ છે, બાંધકામ કરનારી કંપની પારસી કોમની છે અને મંદિરના ડિરેક્ટર જૈન ધર્મના છે. આમ જાણે કે સહુ ધર્મનો અહીં સંગમ થયો છે.
આ મંદિરના સાત શિખરોમાં ભગવાન રામ, ભગવાન શિવ, ભગવાન જગન્નાથ, ભગવાન કૃષ્ણ, ભગવાન સ્વામિનારાયણ, તિરુપતિ બાલાજી અને ભગવાન અયપ્પાની મૂર્તિઓ બનાવવામાં આવી છે. છે. રામાયણ અને મહાભારત સહિત ભારતની 15 વાર્તાઓ ઉપરાંત, માયા, એઝટેક, ઇજિપ્શિયન, અરબી, યુરોપિયન, ચીની અને આફ્રિકન સંસ્કૃતિની વાર્તાઓ પણ દર્શાવવામાં આવી છે. મંદિરમાં ‘ડોમ ઓફ પીસ’ અને ‘ડોમ ઓફ હાર્મની’ પણ બનાવવામાં આવ્યા છે.
108 ફૂટ ઊંચુ આ મંદિર વિવિધ સમુદાયોના સાંસ્કૃતિક એકીકરણનો માર્ગ દર્શાવે છે. આમંદિરમાં યજમાન દેશને સમાન પ્રતિનિધિત્વ આપવા માટે ઊંટની અને રાષ્ટ્રીય પક્ષી ગરુડ ઉપરાંત હાથી અને સિંહની પણ કોતરણી કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન દ્વારા દાનમાં આપવામાં આવેલી જમીન પર આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. 2015 માં, તેમણે યુએઇમાં પ્રથમ મંદિરના નિર્માણ માટે 13.5 એકર જમીન દાનમાં આપી હતી અને ત્યાર બાદ 2019માં તેમણે વધારાની 13.5 એકર જમીન ભેટમાં આપી હતી. BAPS હિંદુ મંદિરનો પાયો એપ્રિલ 2019માં નાખવામાં આવ્યો હતો અને તેનું બાંધકામ તે જ વર્ષે ડિસેમ્બરમાં શરૂ થયું હતું. અહેવાલો અનુસાર, મંદિરના નિર્માણનો ખર્ચ લગભગ 400 મિલિયન યુએઇ દિરહામ છે. આ મંદિરનો નજારો જ એટલો ભવ્ય છે કે લોકો અહીં આવવા પ્રેરાશે એમાં શંકાને કોઇ સ્થાન નથી.