ખેડૂતો-સરકાર વચ્ચે આજે ફરી મંત્રણા દિલ્હીની સીમા સીલ: ફરી અશ્રુવાયુ છોડ્યો
ચંડીગઢ / નવી દિલ્હી: પાકના લઘુતમ ટેકાના ભાવ અને કરજ-માફીની માગણીને લઇને હિંસક આંદોલન કરી રહેલા ખેડૂતોની સાથે ગુરુવારે સાંજે કેન્દ્રના પ્રધાનો ફરી મંત્રણા યોજશે.
પંજાબના ખેડૂતો કૂચ કરીને હરિયાણાના માર્ગે દિલ્હી આવતા હોવાથી રાજધાનીની સીમા સીલ કરી દીધી છે. પંજાબના ખેડૂતોએ ગુરુવારે ટ્રેન-રોકો આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.
અગાઉ, ખેડૂતોનાં સંગઠનોના પ્રતિનિધિઓ અને કેન્દ્ર સરકાર વચ્ચે સોમવારે યોજાયેલી મંત્રણા નિષ્ફળ ગઇ હતી.
દરમિયાન, રાજનાથ સિંહ, અર્જુન મુંડા સહિતના કેન્દ્રીય પ્રધાનોએ ખેડૂતોના આંદોલનને લીધે ઊભી થયેલી પરિસ્થિતિની બુધવારે સાંજે સમીક્ષા કરી હતી અને સમસ્યાને ઉકેલવા માટે મંત્રણા યોજી હતી.
પંજાબના ખેડૂતો પાકના લઘુતમ ટેકાના ભાવ અને કરજ-માફીની માગણીને લઇને સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા દ્વારા
‘દિલ્હી ચલો આંદોલન’ કરાઇ રહ્યું છે.
પંજાબથી હરિયાણા જતા માર્ગો પર સેંકડોની સંખ્યામાં ટ્રેક્ટર-ટ્રોલી ઊભા હોવાથી વાહનવ્યવહાર ઠપ થઇ ગયો છે.
હિંસા પર ઊતરેલા ખેડૂતોને વિખેરવા સુરક્ષા દળોએ બુધવારે ફરી અશ્રુવાયુ છોડવો પડ્યો હતો.
અગાઉ, પંજાબના અંદાજે પચાસ ખેડૂત સંગઠને પોતાની વિવિધ માગણી માટે કેન્દ્ર સરકાર પર દબાણ વધારવા માટે ફતેહગઢ સાહિબથી દિલ્હી સુધીની કૂચ શરૂ કરી હતી, પરંતુ પંજાબ અને હરિયાણાની સીમા પર જ આ આંદોલન હિંસક બની ગયું હતું તેમ જ ખેડૂતોની પોલીસ સાથે અથડામણ થઇ હતી અને પથ્થરમારો પણ કરાયો હતો. હિંસામાં અનેક લોકો ઘાયલ થયા હતા. પંજાબ અને હરિયાણાની સીમા પર આવેલા શંભુ બૉર્ડર વિસ્તારમાં ખેડૂતોએ પોલીસ દ્વારા લગાવાયેલી બેરિકેડ્સ હટાવવા પ્રયાસ કર્યો હતો અને મોટા પાયે પથ્થરમારો શરૂ કર્યો હતો.
હરિયાણા પોલીસે અંબાલાની નજીક આવેલી શંભુ બૉર્ડરના વિસ્તારમાં પંજાબના ખેડૂતો હિંસક બનતા પોલીસે તોફાનીઓને વિખેરવા માટે અશ્રુવાયુ છોડ્યો હતો.
હરિયાણાના જિંદ જિલ્લામાં ભારે તંગદિલી ઊભી થઇ હતી. હરિયાણા પોલીસે દિલ્હી તરફ જતા ધોરીમાર્ગ પર અનેક ઠેકાણે કાંટાળા તાર, કૉંક્રીટના સ્લેબ્સ સહિતના અનેક વિઘ્ન ઊભાં કર્યાં છે.
સલામતી દળોએ યુવાનોને બેરિકેડ્સથી દૂર રહેવાની સલાહ આપી હતી. ખેડૂતોએ ધાતુના બેરિકેડ્સને તોડીને તે ઘગ્ગર નદીના પુલ પરથી નીચે ફેંક્યા હતા. પોલીસે તોફાનીઓને વિખેરવા અશ્રુવાયુ છોડ્યો હતો અને અથડામણમાં અનેક લોકો ઘાયલ થયા હતા.
પંજાબના ખેડૂતોને દિલ્હી તરફ આગળ વધતા રોકવા માટે અંબાલા, જિંદ, ફતેગાબાદ, કુરુક્ષેત્ર અને સિરસા ખાતે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ છે.
(એજન્સી)