ગુજરાતમાંથી નડ્ડા, મહારાષ્ટ્રમાંથી ચવ્હાણ રાજ્યસભામાં જશે
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ભાજપે ગુજરાતની ચાર બેઠક પર રાજ્યસભાના ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. ગુરૂવારે ઉમેદવારી ભરવાનો આખરી દિવસ છે ત્યારે ભાજપે સસ્પેન્શ પરથી પડદો ઉઠાવી દીધો છે. ગુજરાતના રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી નડ્ડા તેમજ ઓબીસી મોરચાના મયંક નાયક, જસવંતસિંહ પરમાર અને ગોવિંદ ધોળકિયાના નામની જાહેરાત કરી છે. બીજી બાજુ હાલના રાજ્યસભાના સભ્યો અને કેન્દ્રીય પ્રધાનો પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને રિપીટ કરવામાં આવ્યા નથી. જ્યારે મહારાષ્ટ્રમાં પણ તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણને ભાજપે રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત જે અન્ય ઉમેદવારોના નામ જાહેર કરાયા છે તેમાં મેઘા કુલકર્ણી, અજિત ગોપછડેના નામ સામેલ છે.
ભાજપે જાહેર કરેલા રાજ્યસભાના ઉમેદવાર મયંક નાયક ભાજપના ઓબીસી સેલના અધ્યક્ષ છે અને અત્યારે મયંક નાયક ગાંધીનગર લોકસભા બેઠકના પ્રભારી છે. તેમજ મયંક નાયક પાટણ જિલ્લાના પ્રભારી રહી ચૂક્યા છે. મયંક નાયક ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકરોમાંના એક છે. ભાજપે જાહેર કરેલા રાજ્યસભાના ઉમેદવાર ગોવિંદ ધોળકિયા ડાયમંડ વેપારી છે. જ્યારે ગોવિંદ ધોળકિયાએ રામમંદિરમાં મોટું દાન આપ્યું હતું અને સામાજિક કાર્યો સાથે પણ સંકળાયેલા છે. બીજી બાજુ રાજ્યસભાની બેઠકમાં છેલ્લા અઢી દાયકાથી ભાજપનું રાષ્ટ્રીય નેતૃત્વ એક બેઠક રાજ્ય બહારના કોઈ નેતાને આપે છે વિદેશ પ્રધાન એસ જયશંકર પણ ગુજરાતના રસ્તે રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરે છે તેમાં વધુ એક બિન ગુજરાતીનો ઉમેરો થાય તેવા સંકેત મળી રહ્યા હતા. ત્યારે આ વખતે જે. પી નડ્ડાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં રાજ્યસભાની કુલ ૨૪૫ બેઠક છે. જેમાંથી ૫૬ બેઠક પર સભ્યોનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી પહેલા ૧૫ રાજ્યની ૫૬ રાજ્યસભા બેઠક માટે ચૂંટણી જાહેર કરેલી છે. જે મુજબ તા.૨૭મી ફેબ્રુઆરીએ મતદાન અને મતગણતરી બંને હાથ ધરવામાં આવશે. ૮ ફેબ્રુઆરીથી ૧૫ ફેબ્રુઆરીનો સમય ઉમેદવારી પત્ર દાખલ કરવા માટે આપેલો છે. જ્યારે ૨૦ ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી શકાશે. ૫૦ રાજ્યસભા સભ્યોનો કાર્યકાળ બે એપ્રિલે જ્યારે છ સભ્યનો તા.૩જી એપ્રિલે પૂરો થાય છે.
૨૦૨૪માં લોકસભા ચૂંટણી પહેલા યોજાનારી રાજ્યસભાની ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે. આ ક્રમમાં કૉંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી માટે ૪ ઉમેદવારની જાહેરાત કરી છે.
જે અનુસાર રાજસ્થાનમાંથી સોનિયા ગાંધી અને હિમાચલમાંથી અભિષેક મનુ સિંઘવીને ટિકિટ આપવામાં આવી છે. આ સાથે બિહારના અખિલેશ પ્રસાદ સિંહ અને મહારાષ્ટ્રના ચંદ્રકાંત હંડોરેના નામની જાહેરાત કરવામાં આવી છે. ચંદ્રકાંત હંડોરે મહારાષ્ટ્રના દલિત નેતા છે. મધ્ય પ્રદેશમાં એક, તેલંગાણામાં બે અને કર્ણાટકમાં ત્રણ રાજ્યસભા બેઠક માટે કૉંગ્રેસના ઉમેદવારોની ઘોષણા થવાની બાકી છે.
કોંગ્રેસ સંસદીય દળના વડાં સોનિયા ગાંધીએ બુધવારે રાજસ્થાનથી રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી. સોનિયા ગાંધી બુધવારે સવારે જયપુર પહોંચ્યા હતા. પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પણ તેમની સાથે હતા. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ગોવિંદ સિંહ દોતસરા અને અન્ય કેટલાક નેતાઓએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું.
સોનિયા ગાંધી ૧૯૯૯થી લોકસભાનાં સભ્ય છે અને હાલમાં ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા સંસદીય બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. તેણી અમેઠીથી લોકસભાના સભ્ય પણ રહી ચૂક્યાં છે. આ પહેલીવાર બનશે જ્યારે તે સંસદના ઉપલા ગૃહમાં જશે. ભૂતપૂર્વ વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી પછી રાજ્યસભામાં પ્રવેશ કરનાર ગાંધી પરિવારનાં તેઓ બીજા સભ્ય હશે. રાજ્યસભામાં જવાની સ્થિતિમાં સોનિયા ગાંધી આગામી લોકસભા ચૂંટણી નહીં લડે તેવી પ્રબળ સંભાવના છે. સોનિયા ગાંધીએ ૨૦૧૯માં જાહેરાત કરી હતી કે આ તેમની છેલ્લી લોકસભા ચૂંટણી હશે.
મિલિંદ દેવરા, પ્રફુલ્લ પટેલની ઉમેદવારી
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના વડપણ હેઠળની મહારાષ્ટ્ર સરકારે રાજ્યસભાની આગામી ચૂંટણીના ઉમેદવાર તરીકે બુધવારે કૉંગ્રેસના ભૂતપૂર્વ નેતા મિલિંદ દેવરાના નામની જાહેરાત કરી હોવાનું પક્ષના સૂત્રોએ જણાવ્યું હતું. અજિત પવારની એનસીપીએ રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે પ્રફુલ્લ પટેલને ઊભા રાખ્યા છે.
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન દેવરા હજુ ગયા અઠવાડિયે જ શિવસેનામાં જોડાયા હતા. દેવરા અગાઉ મુંબઈથી બે વખત લોકસભાના સભ્ય રહી ચૂક્યા છે. દેવરા પ્રથમ જ વાર રાજ્યસભાની ચૂંટણી લડી રહ્યા છે. (એજન્સી)