આમચી મુંબઈ

રાજ્યસભાના ઉમેદવારોની કારકિર્દી ઉપર એક ઊડતી નજર

ભાજપના ઉમેદવારો
અશોક ચવ્હાણ
બે વખત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા અશોક ચવ્હાણ કૉંગ્રેસના કદાવર નેતા હતા, જેઓ હજી મંગળવારે જ ભાજપમાં સામેલ થયા. નાંદેડ તેમનો ગઢ છે અને ત્યાંથી જ તે સાંસદ પણ રહી ચૂક્યા છે. તે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન રહી ચૂકેલા શંકરરાવ ચવ્હાણના પુત્ર છે. તેમણે વિલાસરાવ દેશમુખના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન તેમ જ ઉદ્ધવ ઠાકરેના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળ દરમિયાન મહત્ત્વપૂર્ણ પ્રધાનપદ પણ સંભાળ્યું હતું. આદર્શ ગોટાળાને પગલે તેમણે મુખ્ય પ્રધાન તરીકે રાજીનામું આપવું પડ્યું હતું.


મેધા કુલકર્ણી
મેધા કુલકર્ણી પુણેની કોથરુડ બેઠકથી ૨૦૧૪માં ભાજપ તરફથી ચૂંટણી લડતા શિવસેનાના ચંદ્રકાંત મોકાટેને ૬૪ હજાર મતોથી હરાવ્યા હતા અને વિધાનસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. ૨૦૧૯માં મેધા કુલકર્ણીને ટિકિટ ન આપતા ચંદ્રકાંત પાટીલને ભાજપે ટિકીટ આપી હતી. આ પૂર્વે વિધાન પરિષદ ચૂંટણીમાં તેમને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવશે, તેવી ચર્ચા હતી. જોકે, તેમને એ સમયે ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા નહોતા.
અજિત ગોપછડે

કારસેવક રહી ચૂકેલા એવા ડૉક્ટર અજિત ગોપછડેને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. વ્યવસાયે ડૉક્ટર એવા અજિત ગોપછડેએ રામ-મંદિરના આંદોલન દરમિયાન કારસેવક તરીકે પણ કામ કર્યું હતું. તે ભાજપના ડૉક્ટર્સ સેલના પ્રમુખ છે. તેમણે કોરોનાકાળ દરમિયાન ભાજપ તરફથી અનેક ઠેકાણે મેડિકલ કેમ્પસ યોજ્યા હતા અને ઉલ્લેખનીય કામગીરી કરી હતી. તે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક તેમ જ ભારતીય વિદ્યાર્થી પરિષદના પણ સભ્ય રહી ચૂક્યા છે. તે મૂળ કોલ્હે બોરગાંવના છે.

કૉંગ્રેસના ઉમેદવાર
ચંદ્રકાંત હંડોરે
ચંદ્રકાંત હંડોરે ૧૯૮૫માં મુંબઈ મહાનગરપાલિકામાં નગરસેવક તરીકે ચૂંટાઇ આવ્યા અને અહીંથી તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત થઇ. ત્યાર પછી ૧૯૯૨-૯૩માં તેઓ મુંબઈના મેયર બન્યા. મેયર બન્યા બાદ તેમણે કૉંગ્રેસમાં પ્રવેશ કર્યો હતો. ૨૦૦૪માં તેઓ ચેમ્બુર મતવિસ્તારથી વિધાનસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા અને વિલાસરાવ દેશમુખના પ્રધાનમંડળમાં પ્રધાનપદ પણ મેળવ્યું. સામાજિક ન્યાય ખાતાના પ્રધાન તરીકે તેમણે કામ કર્યું ત્યાર બાદ તેઓ ૨૦૦૯માં બીજી વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા. કૉંગ્રેસમાં ચાલતા આંતરિક વિખવાદ અને સ્પર્ધાના કારણે તે વખતે તેઓ પ્રધાન બની શક્યા નહોતા.


શિવસેના(એકનાથ શિંદે)ના ઉમેદવાર
મિલિંદ દેવરા
મિલિંદ દેવરા દક્ષિણ મુંબઈના પૉશ વિસ્તારના કૉંગ્રેસના અત્યંત પ્રભાવશાળી નેતા હતા જે હાલમાં જ એકનાથ શિંદે જૂથની શિવસેનામાં સામેલ થયા. તેઓ આ વિસ્તારથી સાંસદ રહી ચૂક્યા છે અને તેમણે ૨૦૧૧થી ૨૦૧૪ સુધી કેન્દ્રમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન રહ્યા હતા. ત્યાર પછી તેઓ શિપિંગ ખાતાના રાજ્યકક્ષાના કેન્દ્રીય પ્રધાન પણ રહ્યા હતા. ૨૦૦૯-૨૦૧૪ દરમિયાન તેઓ સાંસદ બન્યા અને ત્યારે તે સૌથી ઓછી ઉંમરના સાંસદ રહ્યા હતા. તેમના પિતા મુરલી દેવરા પણ કૉંગ્રેસના શાસનકાળ દરમિયાન કેન્દ્રીય પ્રધાન રહી ચૂક્યા હતા અને કૉંગ્રેસના દિગ્ગજ નેતા મનાતા હતા.


એનસીપી(અજિત પવાર)ના ઉમેદવાર
પ્રફુલ્લ પટેલ
હાલ એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના રાજ્યસભા સાંસદ રહેલા પ્રફુલ્લ પટેલે પોતાના પિતા મનોહરભાઇ પટેલના નકશે-કદમ પર ચાલતા કૉંગ્રેસમાં ઝંપલાવ્યું અને ૧૯૮૫માં ગોંદિયાથી નગર પરિષદના પ્રમુખ બન્યા. તેઓ ગોંદિયાથી સાંસદ રહી ચૂક્યા છે અને રાજ્યસભામાં પણ ચૂંટાઇ આવ્યા છે. મનમોહન સિંહની સરકારમાં તેમણે ઉડ્ડયન ખાતાના રાજ્ય કક્ષાના કેન્દ્રીય પ્રધાન તરીકેનો પદભાર પણ સંભાળ્યો હતો. તેઓ ફીફા કાઉન્સિલના સભ્ય પણ રહી ચૂક્યા છે. તેમણે ભારે ઉદ્યોગ ખાતાનો કારભાર પણ સંભાળ્યો હતો.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત