લાડકી

લગ્ન પહેલાં પતિનો પત્નીને પત્ર

લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી

વહાલી કેમિસ્ટ્રી,
ભલે તારા પિયરનું નામ ભૂમિતિ છે, પણ લગ્ન બાદ સાસરીનું નામ મેં કેમિસ્ટ્રી રાખ્યું છે. આમ પણ મને ભૂમિતિ વિષય ક્યારેય ગમ્યો જ નથી અને તારો મુખ્ય વિષય પણ કેમિસ્ટ્રી છે ને મારો ગણિત. મને શાહી અને કાગળનો વેડફાટ ગમતો નથી, એટલે હવે પછી હું પોસ્ટકાર્ડમાં જ પતાવીશ. ‘વ્હાલી’ સંબોધન પણ અધ્યાહાર રહેશે, તારે સમજી લેવાનું.

જીવનમાં જેનાં વગર ચાલે તે બધાં વિના ચલાવી લેતાં શીખવાનું. જેમકે, હું કેમિસ્ટ્રી લખું તો તારે આગળ ‘વ્હાલી’ સંબોધન અદૃશ્ય રીતે લખાયેલું છે એમ સમજી લેવાનું. જીવનમાં ઘણી બધી બાબતો હાંશિયામાં, ટૂંકાણમાં તેમજ બૌદ્ધિક લેવલે સમજી લેવાની રહેશે. પત્રમાં તમે સારા- અમે સારા એવી ફોર્માલિટી કરીશું નહીં. એક એક કાગળમાં વેડફાટમાં મને એક એક વૃક્ષના વિનાશની ઝાંખી થાય છે.

પર્યાવરણ પ્રદૂષણ, દેશની બગડેલી પરિસ્થિતિ, માણસોની બેફિકરાઈ વગેરે તરફ મારું ધ્યાન ખેંચાયાં કરે છે એટલે જ, આજે તો ઠીક છે કે પહેલો પત્ર છે, તો જીવન તેમ જ મારા વિશે, મારા ગમાઅણગમા વિશે લંબાણથી કહી દઉં. ‘ચેરિટી બિગિન્સ એટ હોમ’ને સાર્થક કરવા હવે પછી પોસ્ટકાર્ડ જ લખીશ. પોસ્ટકાર્ડ આપણા દેશની ગરીબ પ્રજાની મૂલ્યવાન ધરોહર છે અને એને જીવંત રાખવાની આપણી ફરજ છે. તા.ક.: નીચે લખેલી સૂચનાઓ બે વાર વાંચવી અને અક્ષરશ: અમલ કરવો. (મોસ્ટ આઈએમપી સમજીને).

૧) આપણી કંકોત્રી પોસ્ટકાર્ડ ટાઇપ છપાવવી. એમાં નીચે નોંધ મૂકવી કે, ચાંદલો કે કરિયાવર ભેટસોગાદ રૂપે નહીં, પણ રોકડ કે ચેક રૂપે લેવામાં આવશે, કારણ કે મારા ભાઈના લગ્નમાં હમણાં અનેક સાલ, સાડી, ગણપતિ, ઘડિયાળ, વોલપીસ, ક્રોકરી વગેરે ભેટરૂપે મળેલ છે. તું આવે પછી ગેરેજ સેલ રાખવું નક્કી છે.

૨) તારા પિતાજી જો કોર્ટમાં જ સાદાઈથી લગ્ન કરાવે તો બચેલા પૈસાની તરત જ એફ.ડી. કરીશું.

૩) તારા પપ્પાનો વ્યાપાર ધમધોકાર ચાલે છે અને તું પૈસા ઉડાવે છે, પણ હવે તું એક શિક્ષકને પરણીને આવે છે એટલે હવે જાતજાતનાં ફૂટપ્રશ્ર્નો, વ્યાકરણ તેમજ સમીકરણો તારે ઉકેલવાં પડશે. માનસિક તેમ જ શારીરિક ક્ષમતા કેળવીને જ આ તરફ પ્રયાણ કરવું, જેથી તમામ પ્રકારની કેમિસ્ટ્રી જળવાઈ રહે.
૪) મારી શાળામાં કેમિસ્ટ્રી વિષયની
જગ્યા ખાલી છે. તારું મેં ત્યાં ગોઠવી દીધું
છે, માટે લગ્નની અન્ય તૈયારી નહીં કરે તો
ચાલશે, પણ કેમિસ્ટ્રીને લગતા પુસ્તકોનું
પુનરાવર્તન બરાબર કરીને આવવું, જેથી તું એક સફળ શિક્ષકની સફળ શિક્ષિકા-પત્ની સાબિત થઈ શકે.

૫) મારું ગણિત-વિજ્ઞાન બહુ જ પાક્કું છે. બસ તું કેમિસ્ટ્રીવાળી ઘરે આવે કે આપણા ટ્યુશન ક્લાસ પાક્કા પાયે ચાલુ. આપણે સાથે મળીને બાળકોનું ઘડતર કરીશું. તારો વિષય જોઈને જ તને પસંદ કરી છે. બાકી ગુજરાતી-હિન્દીવાળીઓ તો ઘણી લાઈનમાં ઊભી હતી, પણ એ બધી
કવિતા કરવામાં સારી પડે અને જિંદગી કંઈ કવિતા કરવાથી નહીં, પણ સારા પૈસાટકાથી જ જીવાતી હોય છે.
૬) મને ફિલ્મો. બાગબગીચા. ચોપાટી વગેરે ફરવાનો શોખ નથી, પણ મને તો બૌદ્ધિક, વૈચારિક તેમ જ ચૈતસિક શક્તિઓ ખીલવવામાં રસ છે, માટે હવે પછી આપણે ક્વિઝ સ્પર્ધા, સુડોકુ, શબ્દગૂંથન તેમજ કોયડા ઉકેલવાની રમતો રમીશું અને આપણી સાંજ સભર કરીશું.
૭) હનીમૂન શબ્દ અંગ્રેજોની પેદાશ છે, જેથી મને ભારે નફરત છે. લગ્ન બાદ ‘ગુજરાત વિદ્યાપીઠ’, ‘સ્વરાજ આશ્રમ’, ‘લોકભારતી’ વગેરેની મુલાકાતે લઈ જઈશ.
૮) ચા, કોફી, ઠંડા પીણાં, ચાઇનીઝ-
પંજાબી- કોન્ટિનેન્ટલ ખાણાં મને બિલકુલ
પસંદ નથી, એટલે સવારે ઊઠીને નરણે કોઠે કડિયાતુ, તુલસી-કારેલાં-લીમડાનો રસ મારા ભેગાભેગ તારો પણ કાઢીને દેહશુદ્ધિ કરીશું. કાચાં શાકભાજી ને ફળો ખાઈને ડોક્ટર તેમ જ દવાના ખર્ચા બચાવીશું.

તારા આવનારા સુખદ સ્વર્ગ સમાન ભાવિનો આખો પ્રોજેક્ટ મેં તાદૃશ્ય કરી દીધો છે. તું એ પ્રમાણેની સંપૂર્ણ તૈયારી કરીને આવી શકે.

એમ પણ શિક્ષકો સમાજ, દેશ, બાળકો તેમ જ વિશ્ર્વનો સાચો ઘડવૈયો બની શકે છે. સદાચાર, સુવિચાર, સત્કર્મ, સંસ્કાર તેમ જ સાચું શિક્ષણ આપનાર આપણે આપણા જીવનનો દીર્ઘ પ્લાન તેમજ ટૂંકા ગાળાનો પ્લાન તો બનાવી જ દેવો જોઈએ અને એ પ્રમાણે જ જીવનની ગાડી આગળ વધારવી જોઈએ.
લિ.

તારા ભાવિને અંધકારથી પ્રકાશ તરફ લઈ જનાર,
તારો જ્યોતિર્ધર ઉર્ફે કેલક્યુલેટર કુમારના
જીવનભરના પ્લસ માઈનસ
આખા વિશ્ર્વનો ભાર માથે લઈને ચાલે છે, રામ જાણે લગ્ન પછી એમાંનો કેટલો ભાર મારાં માથે નાખશે? આ વિશ્ર્વના તારણહાર, જીવનરૂપી નકશાઓના પ્લાનર તેમજ સર્વપલ્લી રાધાકૃષ્નનના બીજા અવતારને આકાશમાંથી જમીન પર તો લાવવા જ પડશે અને હા કેટલાક માણસોને ઉગતા જ ડામવા પડે, જેમ કે કેટલાક ગલોટિયા ખાતા પતંગોની દોરી જરા ખેંચેલી રાખવી પડે છે. એમ આ કેલ્ક્યુલેટર કુમારને થોડાં માઈનસમાં લાવવા પડશે. અને એ પણ ઈંટનો જવાબ ઈંટથી એમ પત્રનો જવાબ પત્રથી…
તો લાડકી પૂર્તિમાં આવતા ગુરુવારે પત્નીનો જવાબ વાંચશોને?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button