વડોદરામાં હરણી બોટકાંડ બાદ અમદાવાદની ૫૦ ટકા અને ગ્રામ્યની ૮૦ ટકા સ્કૂલે પ્રવાસ ઘટાડ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડોદરામાં હરણી તળાવમાં બોટકાંડ બાદ અમદાવાદ શહેરની ૫૦ ટકા અને ગ્રામ્યની ૮૦ ટકા સ્કૂલે પ્રવાસમાં ઘટાડો કર્યો છે. આ બનાવ પહેલા શહેરમાં ચાર મહિનામાં પ્રવાસ માટેની ૨૯૫ અરજી મળી હતી, જ્યારે બનાવ બાદ એક મહિનાના સમયમાં માત્ર ૩૨ અરજી જ મળી છે. ગ્રામ્યમાં એક વર્ષમાં ૧૮૦ અરજી મળી હતી, જ્યારે એક મહિનામાં માત્ર ત્રણ અરજી જ મળી છે.
વડોદરાના બનાવ બાદ શિક્ષણ વિભાગ દ્વારા પણ પ્રવાસ લઈ જવા માટેની ગાઈડલાઈનનું ખૂબ જ કડક રીતે અમલ કરવામાં આવી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી હેઠળ ગ્રામ્ય અને શહેરની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો આવેલી છે. શહેરમાં ૧થી ૧૨ ધોરણના વિદ્યાર્થીઓને પ્રવાસમાં લઈ જવા માટે ૧૫મી સપ્ટેમ્બર ૨૦૨૩થી ૧૮મી જાન્યુઆરી ૨૦૨૪ સુધી ૨૯૫ અરજીઓ મળી હતી, જ્યારે બનાવ બાદ ૧૮મી જાન્યુઆરીથી ૧૪મી ફેબ્રુઆરી સુધી માત્ર ૩૨ અરજી જ મળી છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની ગ્રામ્યની ધોરણ ૯થી ૧૨ની સ્કૂલો આવેલી છે. જાન્યુઆરી ૨૦૨૩થી જાન્યુઆરી ૨૦૨૪ સુધી ગ્રામ્યમાં પ્રવાસ માટેની ૧૮૦ અરજીઓ મળી હતી, જ્યારે હરણી તળાવના બનાવ બાદ ૧૮ જાન્યુઆરીથી ૧૪ ફેબ્રુઆરી સુધી માત્ર ૩ અરજીઓ જ મળી છે. હરણી તળાવની દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં સ્કૂલના પ્રવાસ પર અસર પડી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ પ્રવાસ માટેની નવી ગાઈડલાઈન પણ જાહેર કરી દીધી છે. અમદાવાદના પ્રવાસમાં મોટાભાગના સ્થળોમાં વિદ્યાર્થીઓને વિસનગર તિરૂપતિ ગાર્ડન, સ્ટેચ્યુ ઑફ યુનિટી કેવડિયા, સ્વપ્ન સૃષ્ટિ એડવેન્ચર પાર્ક ગાંધીનગર, કેમ્પ દિલ્હી બોરસદ, સાયન્સ સિટી અમદાવાદ અને ખાનગી રિસોર્ટ સહિતની જગ્યાએ લઈ જવામાં આવતા હતા. હરણી તળાવની દુર્ઘટના બાદ શહેરમાં અરજીમાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે, જ્યારે ગ્રામ્યમાં ૮૦ ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ વડોદરાની દુર્ઘટનાને કારણે તથા અત્યારે સ્કૂલોમાં ચાલી રહેલી પરીક્ષાને કારણે પ્રવાસની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. વિદ્યાર્થીઓને શૈક્ષણિક પ્રવાસ માટે લઈ જવા જોઈએ, પરંતુ તે માટે શિક્ષણ વિભાગની માર્ગદર્શિકાનું પૂરેપૂરું પાલન થાય તેની પણ તકેદારી રાખવી જરૂરી છે. એવું અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું.