રાજકોટમાં રોહિત ઇલેવનની કસોટીના બીજા દિવસથી પૂજારા પર સૌની નજર

રાજકોટ: ચેતેશ્વર પૂજારા ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટમાં ખૂબ જ સારું રમી આવ્યા પછી ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામેની જ ટેસ્ટ-સિરીઝમાં ભૂલી જવાયો છે. તે ઘણા સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં સારું પર્ફોર્મ કરતો હોવા છતાં સિલેક્ટરો તેને ટેસ્ટ ટીમમાં નથી સમાવતા. ગુરુવારે રાજકોટમાં ખંઢેરી નજીકના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના મેદાન પર રોહિત શર્માના સુકાનમાં ભારતીય ટીમ બેન સ્ટૉક્સ અને તેની ટીમ સામેની ત્રીજી ટેસ્ટમાં આકરી કસોટી આપવા ઊતરશે ત્યાં બીજી તરફ રાજકોટનો જ પૂજારા શુક્રવારે રણજી ટ્રોફીની મૅચમાં રમશે. તે સૌરાષ્ટ્રની ટીમમાં છે અને શુક્રવારે રાજકોટના સણોસરા ક્રિકેટ ગ્રાઉન્ડમાં મણિપુર સામેની ચાર દિવસીય મૅચ શરૂ થશે. જયદેવ ઉનડકટ સૌરાષ્ટ્રનો કૅપ્ટન છે.
પૂજારા સારા ફૉર્મમાં છે. છેલ્લી 10 ઇનિંગ્સમાં તેના સ્કોર્સ આ મુજબ છે: 110, 25, 3, 0, 91, 43, 66, 49, 43 અને અણનમ 243.
રણજી ટ્રોફીની વર્તમાન સીઝનમાં સૌરાષ્ટ્રની ટીમ એલીટ, ગ્રૂપ‘એ’માં વિદર્ભ અને હરિયાણા પછી ત્રીજા નંબરે છે. બીજી તરફ, ગ્રૂપ ‘બી’માં મુંબઈ મોખરે છે.