બોલો, ‘Atal Setu’ પર ‘આ’ કારણસર 1,600થી વધુ લોકો દંડાયા
નવી મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલા ‘અટલ સેતુ’ (Atal Setu) કે મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક (MTHL)પર રોકવાની મનાઈ હોવા છતાં સેલ્ફી લેવા રોકાતા ૧,૬૧૨ લોકોને નવી મુંબઈ અને મુંબઈ પોલીસે સંયુક્ત રીતે દંડ ફટકાર્યો છે. ૨૧.૮ કિ.મી.ના દરિયાઈ પુલ પર રોકાતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે, છતાં પોલીસે તેમની દૈનિક કાર્યવાહી ચાલુ રાખી છે, જેથી વાહન રોકાવાને કારણે કોઈ પણ અપ્રિય ઘટનાઓ અટકાવી શકાય.
કુલ ₹ ૧૨.૧૧ લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે, નવી મુંબઈ પોલીસે ₹ ૧૦.૯૯ લાખનો દંડ વસૂલ્યો અને મુંબઈ પોલીસે ₹ ૧.૧૨ લાખ વસૂલવામાં આવ્યા હતા, જેમાં નવી મુંબઈ પોલીસે ૧,૩૮૭ લોકોને અને મુંબઈ પોલીસે ૨૨ લોકોને દંડ ફટકાર્યો છે.
નવી મુંબઈ પોલીસ માત્ર નવી મુંબઈ બાજુના પેટ્રોલિંગ માટે જવાબદાર હોવા છતાં, પુલ પરના સમગ્ર ૨૨ કિમીના પટમાં પેટ્રોલિંગ કરે છે. ન્હાવા શેવા ટ્રાફિક યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર ગુલફરોજ મુજાવરે જણાવ્યું હતું કે અમે આ મુદ્દાનો ઉલ્લેખ મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીને કર્યો હતો કે નવી મુંબઈના અધિકારક્ષેત્રના છેડે વળાંક લેવો વાહનચાલકો માટે જોખમી બની શકે છે.
ભલે તે માત્ર પોલીસ માટે ખુલ્લું રાખવામાં આવે પણ લોકો પણ યુ-ટર્નનો ઉપયોગ કરવાનું શરૂ કરશે. બીજો વિકલ્પ એ છે કે અર્ધ-મેન્યુઅલ બેરિકેડ હોય અને જ્યારે આપણે વળાંક લેવો હોય ત્યારે બેરિકેડ ખોલીએ, પરંતુ તે પછી પણ જો લોકો તેનો ઉપયોગ કરવાનું ચાલુ રાખે તો જોખમ ઊભું થઇ શકે છે. અંતિમ નિર્ણય નીતિ નિર્માતાઓ દ્વારા લેવામાં આવશે.