હજુ કોંગ્રેસ અને ઠાકરે જૂથના અનેક નેતા ભાજપમાં જોડાવવા ઉત્સુકઃ શિંદે જૂથના નેતાનો દાવો
મુંબઈ: ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને અનેક દસકા સુધી કોંગ્રેસમાં કામ કરનારા અશોક ચવ્હાણ ભારતીય જનતા પક્ષ (ભાજપ)માં જોડાઈ ગયા છે. ભાજપએ તેમને રાજ્યસભાની ઉમેદવારી આપી છે. અશોક ચવ્હાણે પક્ષ બદલ્યો હોવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ચવ્હાણના પછી હજુ કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જોડાવવા ઉત્સુક હોવાનો દાવો સત્તાધારી શિવસેના (શિંદે જૂથ) અને ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે.
હાલમાં શિંદે જૂથના નેતા સંજય શિરસાટે મીડિયા સાથેની વાતચીતમાં મોટો દાવો કરી જણાવ્યું હતું કે ઠાકરે જૂથના અનેક નેતા અમારા પક્ષમાં જોડાવવા ઉત્સુક છે. ઘણા દિવસોથી ઠાકરે જૂથના કેટલાક નેતા અને વિધાનસભ્યો અમારી સાથે જોડાઈ જવા વિચારી રહ્યા છે. આગામી ત્રણેક દિવસમાં કોલ્હાપુર અધિવેશનમાં એનો ખુલાસો થઈ જશે.
અશોક ચવાણ વિશે પ્રતિક્રિયા આપતા શિરસાટે જણાવ્યું હતું કે તેઓ ભાજપમાં જવાના છે એની અમને અગાઉ જ જાણ થઈ હતી. બીજા અનેક નેતા છે જે બોલે છે કે મરીશું ત્યાં સુધી કોંગ્રેસ નહીં છોડીએ એવું સોગંધ ખાઈને કહે છે ને પણ એવું શક્યું લાગતું નથી, પણ લોકસભાની ચૂંટણી જાહેર થાય ત્યાં સુધી કોંગ્રેસમાં રહે તોય બહુ છે. આગામી 15 દિવસમાં કોંગ્રેસના અનેક નેતાઓ ભાજપમાં જતા નજરે પડશે. કોંગ્રેસ ગમે ત્યારે ભાંગી પડશે એવો દાવો કરવામાં આવ્યો હતો.